મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાઓએ વિધાનસભાના પગથીયા પર ભજીયા તળી કર્યો વિરોધ

ધારાસભ્યોએ મહારાષ્ટ્રમાં નોકરીની તકોની જે ઘટ છે તેને દર્શાવવા માટે પકોડા તળ્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • બેરોજગારીના કારણે મહારાષ્ટ્રમાં રોજ સરેરાશ બે લોકો આત્મહત્યા કરે છે.
  • મહારાષ્ટ્રમાં બેરોજગાર યુવાનોની સંખ્યા વધી છેઃ ધારાસભ્ય અંબાદાસ દાનવે

મહારાષ્ટ્ર વિધાનસભાના શીતકાલીન સત્રના છઠ્ઠા દિવસે વિપક્ષી દળના નેતાઓએ બેરોજગારી અને પરીક્ષાના પેપર લિક જેવા મુદ્દાઓ પર મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યો હતો.

મહા વિકાસ અઘાડીના ધારાસભ્ય, જેમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું શરદ પવાર જૂથ અને કોંગ્રેસનો સમાવેશ થાય છે, તેના ધારાસભ્યો ભવનની સીડી પર એકત્ર થયા અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવે, ધારાસભ્ય સતેજ પાટીલ અને સચીન અહિર સહિત અન્ય કેટલાક ધારાસભ્યોએ મહારાષ્ટ્રમાં નોકરીની તકોની જે ઘટ છે તેને દર્શાવવા માટે પકોડા તળ્યા હતા.

પત્રકારો સાથે વાત કરતા વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ દાવો કર્યો કે, મહારાષ્ટ્રમાં બેરોજગાર યુવાનોની સંખ્યા વધી છે અને સરકારી નોકરીઓ માટે સરકાર જાહેરાતો આપે છે પરંતુ ભરતી કરવામાં આવતી નથી.

બેરોજગારીના કારણે આત્મહત્યાના ચિંતાજનક આંકડા

લોકસભામાં NCRB દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, બેરોજગારીના કારણે મહારાષ્ટ્રમાં રોજ સરેરાશ બે લોકો આત્મહત્યા કરે છે. આંકડાઓથી ખ્યાલ આવે છે કે, છેલ્લા બે વર્ષમાં બેરોજગારીના કારણે દેશમાં 6711 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમાંથી 1438 એટલે કે 21.42 ટકા આત્મહત્યા મહારાષ્ટ્રમાં થઈ છે.