Vijaypat Singhania: રેમન્ડના ફાઉન્ડરે ગૌતમ-નવાઝના ડીવોર્સ વચ્ચે ખોલ્યા અનેક રહસ્યો

સિનિયર સિંઘાનિયાએ કહ્યું, મને ખાતરી છે કે જો તે તેના પિતાને બહાર કાઢી શકે છે, તો તે તેની પત્નીને પણ તે જ રીતે ફેંકી શકે છે

Share:

Vijaypat Singhania: રેમન્ડ કંપનીના માલિક ગૌતમ સિંઘાનિયા હાલ પોતાની પત્ની સાથેના સંબંધોને લઈ ચર્ચામાં છે. ગૌતમ સિંઘાનિયા અને તેમના પત્ની નવાઝ મોદી અલગ થઈ રહ્યા છે અને બદલામાં નવાઝે ખૂબ મોટી રકમની માગણી કરી છે. ત્યારે આ બધા વચ્ચે વિજયપત સિંઘાનિયા (Vijaypat Singhania)એ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમના પરિવારની વર્તમાન સ્થિતિ અંગે ખુલીને વાત કરી હતી. 

રેમન્ડને નાની કંપનીમાંથી વૈશ્વિક બ્રાન્ડમાં પરિવર્તિત કરનારા વિજયપત સિંઘાનિયાએ પુત્ર ગૌતમને કારોબાર સોંપવાની ભૂલ કરી હોવાનું સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે, "મને રસ્તા પર જોઈને ગૌતમને આનંદ થાય છે." નોંધનીય છે કે, પ્રગતિના સાતમા આસમાને પહોંચેલા રેમન્ડના માલિક પોતાના 34 માળના જેકે હાઉસમાંથી બેઘર થઈને ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે અને દેશના દરેક ઘરમાં રેમન્ડને પહોંચાડનારા વિજયપત હાલ ઘર-પરિવાર વગરના થઈ ગયા છે. 


Vijaypat Singhaniaએ ઠાલવી હૈયાવરાળ

વર્ષ 2015માં તેમણે રેમન્ડની બાગડોર તેમના પુત્ર ગૌતમને સોંપી હતી. આ નિર્ણય અંગે વિજયપત સિંઘાનિયાએ કહ્યું હતું કે, તેમણે તેમના પુત્રને બધું આપીને મૂર્ખામીભરી ભૂલ કરી છે. સિનિયર સિંઘાનિયાએ કહ્યું હતું કે, કોઈ પિતાઓ પોતાનો સંપૂર્ણ બિઝનેસ પુત્રને ન સોંપી દેવો જોઈએ. તેમણે ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદીના છૂટાછેડા મુદ્દે આ વાત કહી હતી.

ગૌતમ સિંઘાનિયા વર્ષ 2017માં તેમના પિતા વિજયપત સિંઘાનિયાને દક્ષિણ મુંબઈના રેમન્ડ હાઉસ અથવા જેકે હાઉસમાંથી હાંકી કાઢવાના આરોપોને કારણે ચર્ચામાં રહ્યા હતા. આ ઘરમાં આયોજિત દિવાળી પાર્ટી દરમિયાન ગત 13 નવેમ્બરે ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર તેમના પત્ની નવાઝ સાથેના 32 વર્ષ જૂના દામપત્ય જીવનના અંતની જાહેરાત કરી હતી.


પિતાને બહાર કાઢી શકે તો પત્નીને પણ...

ગૌતમ અને નવાઝ મુદ્દા અંગે વિજયપત સિંઘાનિયા (Vijaypat Singhania)એ જણાવ્યું કે, "મને ખાતરી છે કે જો તે તેના પિતાને બહાર કાઢી શકે છે, તો તે તેની પત્નીને પણ તે જ રીતે ફેંકી શકે છે, મને ખબર નથી કે તે શું છે." ઉલ્લેખનીય છે કે, આશરે રૂ. 11,000 કરોડની સંપત્તિના માલિક ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદીએ છૂટાછેડાના બદલામાં પોતાની અને તેમની 2 પુત્રીઓ નિહારિકા-નીસા માટે મિલકતનો 75 ટકા હિસ્સો માંગ્યો હતો. બીજા જ દિવસે તેણે ગૌતમ સિંઘાનિયા પર તેની અને તેની પુત્રી પર હુમલો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. 

ગૌતમનું સૂત્ર છેઃ “બધાને ખરીદો અને બધુ ખરીદો”

વિજયપત સિંઘાનિયાએ જણાવ્યું કે, હિંદુ મેરેજ એક્ટ હેઠળ અલગ થવાના કિસ્સામાં પતિનો 50% હિસ્સો આપોઆપ પત્નીને મળી જાય છે. આવી સ્થિતિમાં, નવાઝને આ માટે લડવાની જરૂર નહીં પડે. એક સામાન્ય વકીલ પણ તેને આ માટે તેનો હક મેળવી શકે છે. જો કે એમ પણ ઉમેર્યું હતું કે, ગૌતમ ક્યારેય હાર માનવાનો નથી, કારણ કે તેનું સૂત્ર છે ‘બધાને ખરીદો અને બધું ખરીદો’.