Weather: આ વર્ષે ઠંડી ભુક્કા કાઢશે કે પછી? IMDએ જણાવ્યું કારણ

Weather Update: આ વર્ષે સમગ્ર દેશમાં કેવી ઠંડી પડશે એ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે. આ વર્ષે કાતિલ ઠંડી પડશે કે નહીં, શીતલહેર કેવી રહેશે વગેરે સહિતની બાબતો જણાવી છે.

Share:

હાઈલાઇટ્સ

  • દેશમાં આ વખતે કેવી ઠંડી પડશે એ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.
  • ગુજરાતમાં પણ બે દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
  • ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પણ હિમવર્ષાની શરૂઆત થઈ ચૂકી છે.

Weather News: સમગ્ર દેશમાં હવે શિયાળો શરુ થઈ ગયો છે. ત્યારે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે આ વર્ષે કેવી ઠંડી પડશે એ અંગે જણાવ્યું છે. હવામાન વિભાગની ભવિષ્યવાણી મુજબ, આ વર્ષે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે. 1901 પછી ત્રીજો સૌથી ગરમ નવેમ્બર મહિનો રહ્યો છે. ભારતમાં 1901 પછી આ વર્ષે ફેબ્રુઆરી, ઓગસ્ટ અને નવેમ્બર મહિનો સૌથી વધુ ગરમ રહ્યા હતા. આઈએમડીના ડિરેક્ટર મૃત્યુજંય મહાપાત્રાએ જણાવ્યું કે, સમુદ્રમાં સક્રિય થયેલું સાયક્લોન, અલનીનોના કારણે આ વખતે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહી શકે છે. 

ગુજરાતના વાતાવરણમાં પલટો
ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો હતો. ગુજરાતમાં વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર પછી કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, હવામાન વિભાગની આગાહી છે કે, ગુજરાતમાં બે દિવસ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું અને છૂટોછવાયો વરસાદ પડે એવી શક્યતા છે. છેલ્લાં બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં આજે પણ આકાશમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. 

ઉત્તરાખંડના વાતાવરણમાં પલટો 
ઉત્તરાખંડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પહાડી વિસ્તારથી માંડીને મેદાની વિસ્તાર સુધી આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. વાદળોની સાથે અહીં ઠંડીનો પણ અનુભવ થયો હતો. ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ઠંડીનો અનુભવ જોવા મળ્યો હતો. બે દિવસની અંદર અહીં પાંચથી સાત જેટલું તાપમાન ઘટ્યું છે. 

જમ્મુ-કાશ્મીરમાં પણ હિમવર્ષા 
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની શરુઆત થઈ ચૂકી છે. જમ્મુ કાશ્મીરમાં પણ હિમવર્ષા જોવા મળી છે. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થતા ફરવા માટે આવેલા પ્રવાસીઓમાં ખુશી જોવા મળી હતી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતાં અન્ય વિસ્તારોમાં પણ ઠંડીની લહેર ફેલાઈ હતી. કેટલીક જગ્યાએ જન જીવન પણ ખોરવાયું હતું. 

પર્યટક સ્થળોએ ઠંડી વધી
કેદારનાથ સહિતના ઉંચાઈવાળી જગ્યાએ હિમવર્ષા થવાની સંભાવના છે. પર્યટક સ્થળ ચોપતામાં પણ 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. મેદાનિ વિસ્તાર હરીદ્વાર, ઉધમસિંહ નગર,  નૈનીતાલમાં વહેલી સવારથી જ ભારે ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. 

દિલ્હીમાં પણ ઠંડી વધી
રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો હવે અહીં પણ ભારે ઠંડી જોવા મળી રહી છે. દિલ્હીમાં ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં કાતિલ ઠંડી પડે એવી શક્યતા છે. સાથે જ  દિલ્હીની હવામાં પ્રદુષણ પણ જોવા મળ્યું હતું. હરિયાણા, પંજાબમાં જે પરાળી સળગાવવામાં આવે છે એના કારણે દિલ્હીની હવા પ્રદૂષિત બને છે.