Condom: શું ભારતમાં કોન્ડોમની અછત સર્જાશે, રિપોર્ટ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે શું કહ્યું?

Condom: એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, દેશમાં કોન્ડોમની અછત સર્જાવાની છે. એ પાછળ એવું કારણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે કે, કોન્ડોમ ખરીદતી કેન્દ્રીય કંપનીઓ ખરીદી કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે.

Share:

હાઈલાઇટ્સ

  • ભારતમાં કોન્ડોમની અછત સર્જાવાની છે, રિપોર્ટમાં દાવો
  • સ્વાસ્થ્ય મંત્રાલયે આ રિપોર્ટનો આપ્યો જવાબ
  • દેશમાં હાલ સ્ટોક પૂરતો છે, કોઈ અછત નથી

નવી દિલ્હીઃ કેટલાંક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં કોન્ડોમની અછત સર્જાવાની છે. જેનાથી ભારતનો પરિવાર નિયોજન કાર્યક્રમ પણ પ્રભાવિત થશે. કારણ કે કેન્દ્રીય ખરીદ એજન્સી સેન્ટ્રલ મેડિકલ સર્વિસીઝ સોસાયટી (CMSS) સમયસર ગર્ભ નિરોધક ગોળીઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અખિલ ભારતીય કોન્ડોમ નિર્માતા સંઘ જેમાં કોન્ડોમની બ્રાંડ નિરોધ પણ સામેલ છે. જેણે સરકારને પત્ર લખીને આ વાતની જાણકારી આપી હતી કે, CMSS કંપની કોન્ડોમ ખરીદવામાં નિષ્ફળ રહી છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ રિપોર્ટને પાયા વિહોણા ગણાવ્યા છે. 

મંત્રાલયે આપ્યો જવાબ
મંત્રાલયે કહ્યું કે, સરકાર પાસે હાલ જે ગર્ભ નિરોધકોનો સ્ટોક છે એ પરિવાર નિયોજન કાર્યક્રમની જરુરિયાતો પૂરી કરવા માટે સક્ષમ છે. CMSS મંત્રાલયના વિવિધ કાર્યક્રમો માટે વિવિધ દવાઓ અને ચિકિત્સિક સામગ્રીને ખરીદે છે. તેના ટેન્ડરની પ્રક્રિયા અને આપૂર્તિની સ્થિતિ પર દેખરેખ રાખે છે. CMSSએ મે 2023માં કુટુંબ નિયોજન કાર્યક્રમ માટે રુપિયા 5.88 કરોડ કોન્ડોમ ખરીદ્યા હતા. હાલ આ કાર્યક્રમ માટે પૂરતો સ્ટોક છે. 

ટેન્ડર પણ બહાર પાડ્યું 
મંત્રાલય હેઠળ કામ કરનારી CMSS એઈડ્સ કંટ્રોલ અને કુટુંબ નિયોજન કાર્યક્રમ માટે કોન્ડોમ ખરીદે છે. અત્યાર સુધીમાં એવો કોઈ કેસ સામે આવ્યો નથી કે CMSSની ખરીદીમાં મોડુ થવાના કારણે અછત સર્જાઈ હોય. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, CMSSએ ચાલુ વર્ષ માટે વિવિધ પ્રકારના કોન્ડોમ ખરીદવા માટે ટેન્ડર પણ બહાર પાડી દીધું છે. 

ચાંપતી નજર 
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સ્વાસ્થ્ય મંત્રાલય આ મુદ્દે ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યું છે. સાથે જ ટેન્ડરની પ્રક્રિયા અને દવાઓ તથા મેડિકલ સાથે જોડાયેલી સામગ્રી ખરીદવા પર પણ વોચ રાખી રહી છે. એટલે કે, સરકારના જવાબ બાદ એ સ્પષ્ટ થઈ ગયુ છે કે દેશમાં કોન્ડોમની કોઈ અછત નથી.