Ahmedabadમાં કૌટુંબિક ભાઈના પ્રેમમાં પડેલી પરિણીતાનો કાંડ, માતા-પિતાને ખંચેર્યા

મણિનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતા તેના કૌટુંબિક ભાઈના પ્રેમમાં પડી હતી અને પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. આખરે તેણે માતા-પિતાને માર માર્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • પરિણીતા તેના પિતરાઈ ભાઈના પ્રેમમાં પડી
  • પતિને તરછોડી પિયરમાં રહેવા માટે આવી ગઈ
  • માતા-પિતાને માર મારતી અને ટોર્ચર કરતી

અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતી એક પરિણીતા તેના કૌટુંબિક ભાઈના પ્રેમમાં પડી હતી. પ્રેમ સંબંધ બંધાતા તેણે તેના પતિને પણ તરછોડ્યો હતો. બાદમાં આ પરિણીતા પોતાના માતા-પિતાના ઘરે રહેવા માટે આવી હતી. તેણે તેના ભાઈ સાથે લગ્ન કરવા માટે જીદ પકડી હતી. મહિલાના માતા-પિતાએ તેને ખૂબ સમજાવી હતી, પણ તે તાબે થઈ નહીં. લગ્ન કરવાની જીદે ચઢેલી આ પરિણીતાએ તેના માતા-પિતાને માર પણ માર્યો હતો. આખરે તેના માતા-પિતાએ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમ ત્યાં પહોંચી હતી અને પરિણીતાને સમજાવી હતી. જે બાદ પોતાની ભૂલ સમજાતા તેણે પોતાના મા-બાપની માફી માગી હતી અને પછી સાસરીમાં રહેવા જવા માટે તૈયાર થઈ હતી. 

ભાઈના પ્રેમમાં પડી 
બનાવની વિગતો એવી છે કે, મણિનગરમાં રહેતી 26 વર્ષીય યુવતીના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. આ યુવતીને તેના મોટા પપ્પાના દીકરા એટલે કે ભાઈ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ તેણે તેના પતિને તરછોડી હતી અને પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. પરિણીતાએ તેના માતા-પિતાને કહ્યું કે, તે તેના પતિ પાસેથી છૂટાછેડા લેવા માગે છે. તેના ભાઈ સાથે જ પ્રેમ સંબંધ હોવાની વાત જાણીને તેના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હવે તે તેના ભાઈ સાથે લગ્ન કરવા માગતી હતી. 

લગ્ન કરવાની જીદ 
જ્યારે માતા-પિતાએ આ વાત જાણી તો તેને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ સાથે લગ્ન કરી શકાય નહીં. પણ તે એકની બે ન થઈ. એ પછી પરિણીતાએ તેના માતા-પિતાને ત્રાસ આપવાનું શરુ કર્યુ હતુ. તે તેના પેરેન્ટ્સને માર મારતી હતી. જો કે, આ મહિલા તેના ભાઈ સાથે છેલ્લાં એક વર્ષથી પ્રેમ સંબંધમા હતી. આખરે માતા-પિતાએ અભયમની મદદ લીધી હતી. 

ભૂલનો અહેસાસ થયો 
અભયમની ટીમ ઘરે પહોંચી હતી અને પછી મહિલાનું કાઉન્સેલિંગ કર્યુ હતુ. આખરે મહિલાને પોતાની ભૂલ સમજાઈ હતી. તેણે ખાતરી આપી કે તે તેના ભાઈ સાથેના આ સંબંધ તોડી નાખશે. માતા-પિતાની માફી પણ માગી અને ટીમે બાંયધરી આપી કે હવે તે ક્યારેય આ સંબંધ રાખશે નહીં. પછી તેણે બે દિવસ બાદ પોતાની સાસરીમાં જવા તૈયારી બતાવી હતી.