Delhi: મેટ્રોના દરવાજામાં ફસાઈ સાડી, સ્ટેશન પર પટકાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત

દિલ્હીના ઈન્દ્રલોક સ્ટેશન પર મેટ્રોના દરવાજામાં એક મહિલાની સાડી ફસાઈ ગઈ હતી. જે બાદ તે નીચે પટકાઈ હતી. તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • મહિલાની સાડી મેટ્રોના દરવાજામાં ફસાતા પટકાઈ
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત
  • પતિનું સાત વર્ષ પહેલાં મોત, ઘરમાં દીકરો-દીકરી

નવી દિલ્હીઃ દિલ્હી મેટ્રોમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક મહિલા દિલ્હી મેટ્રોની ઈન્ટરલોક સિસ્ટમનો શિકાર બની ગઈ હતી. મહિલાની સાડી મેટ્રોનો દરવાજો બંધ થઈ રહ્યો હતો અને એ સમયે ફસાઈ ગયો હતો. જે બાદ મહિલા નીચે પટકાઈ હતી. જો કે, મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના ગુરુવારે બની હતી. જે બાદ શનિવારે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે મહિલાનું મોત થયું એનું નામ રીના હતું. 

ઈન્દ્રલોક સ્ટેશન પરની ઘટના
આ બનાવ ગુરુવારે દિલ્હી મેટ્રોમાં બન્યો હતો. જો કે, હજુ સુધી તે સ્પષ્ટ થઈ શક્યુ નથી કે મહિલા ટ્રેનમાંથી ઉતરી રહી હતી કે પછી ચઢી રહી હતી. દિલ્હી મેટ્રોના જનસંપર્ક અધિકારી અનુજ દયાળે કહ્યું કે, ગુરુવારે ઈન્દ્રલોક મેટ્રો સ્ટેશન પર આ ઘટના બની હતી. એક મહિલા યાત્રાના કપડાં ટ્રેનના દરવાજામાં ફસાઈ ગયા હતા. જે બાદ તે નીચે પટકાઈ હતી અને ઘાયલ થઈ હતી. 

સારવાર દરમિયાન મોત 
મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન શનિવારે મહિલાનું મોત નીપજ્યું હતું. જો કે, રેલવે મેટ્રો સુરક્ષા કમિશનર આ મામલે તપાસ હાથ ધરશે. તો પોલીસે જણાવ્યું કે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને જરુર પડશે કાયદાકીય સલાહ પણ લેશે. 

પતિનું 7 વર્ષ પહેલાં મોત 
મૃતકના એક સંબંધીએ જણાવ્યું કે, તે ઈન્દ્રલોક સ્ટેશન પર પહોંચી હતી અને ટ્રેન બદલી રહી હતી. એ સમયે તેની સાડી દરવાજામાં ફસાઈ ગઈ હતી. જે બાદ તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રીનાના પતિનું લગભગ સાત વર્ષ પહેલાં મોત થયુ હતુ. તેમના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે.