એબી ડિવિલિયર્સે પોતાના ખાસ મિત્ર વિરાટ કોહલીને આપી બેટિંગનો ક્રમ બદલવાની સલાહ

દક્ષિણ આફ્રિકાના મહાન ક્રિકેટર એબી ડિવિલિયર્સના મતે વર્લ્ડ કપમાં ભારત માટે ચોથા નંબર પર વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. વિરાટ કોહલીના સૌથી નજીકના મિત્રો પૈકીના એક એબી ડિવિલિયર્સના માનવા પ્રમાણે તે મધ્યક્રમમાં દરેક ભૂમિકા ભજવીને ઈનિંગના સૂત્રધાર બની શકે તેમ છે. નોંધનીય છે કે, યુવરાજ સિંહના ક્રિકેટમાંથી સંન્યાસ બાદ ભારતને ચોથા નંબર માટે યોગ્ય વિકલ્પ […]

Share:

દક્ષિણ આફ્રિકાના મહાન ક્રિકેટર એબી ડિવિલિયર્સના મતે વર્લ્ડ કપમાં ભારત માટે ચોથા નંબર પર વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. વિરાટ કોહલીના સૌથી નજીકના મિત્રો પૈકીના એક એબી ડિવિલિયર્સના માનવા પ્રમાણે તે મધ્યક્રમમાં દરેક ભૂમિકા ભજવીને ઈનિંગના સૂત્રધાર બની શકે તેમ છે. નોંધનીય છે કે, યુવરાજ સિંહના ક્રિકેટમાંથી સંન્યાસ બાદ ભારતને ચોથા નંબર માટે યોગ્ય વિકલ્પ નથી મળ્યો અને 2 મહિના બાદ ભારતમાં વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે અને ચોથા નંબરને લઈ અનેક ચર્ચાઓ જાગી છે. 

ડિવિલિયર્સે શું કહ્યું?

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે આશરે 10 વર્ષ સુધી વિરાટ કોહલી સાથે રમનારા એબી ડિવિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, “આપણે અત્યારે ભારત માટે ચોથા નંબર પર કોણ ઉતરશે તે વાત કરીએ. મેં સાંભળ્યું છે કે વિરાટ ઉતરી શકે છે. હું પણ તે વાતનો સમર્થક છું. વિરાટ ચોથા નંબર માટે પરફેક્ટ છે. તે ઈનિંગનો સૂત્રધાર બની શકે છે અને મધ્યક્રમમાં તમામ ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે. આપણને ખબર છે કે તેને ત્રીજા નંબરે ઉતરવું પસંદ છે. તેણે પોતાના તમામ રન ત્રીજા નંબરે ઉતરીને જ બનાવ્યા છે પરંતુ જો ટીમ તમારી પાસેથી કોઈ વિશેષ ભૂમિકા ઈચ્છે છે તો તમારે એ ભજવવી પડે છે.”

ચોથા નંબર કોહલીનો રેકોર્ડ

વિરાટ કોહલીએ ચોથા નંબર પર પણ 39 ઈનિંગ્સમાં 1,767 રન બનાવ્યા છે. 2011ના વર્લ્ડ કપમાં કોહલી ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરતો હતો. તે સમયે સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગની જોડી ઈનિંગની શરૂઆત કરતી હતી. ત્રીજા નંબર પર ગૌતમ ગંભીર અને ચોથા નંબર પર વિરાટ કોહલી આવતા હતા. જોકે ટૂંક સમયમાં જ કોહલીએ 3 નંબર પોતાના નામે કરી દીધો હતો. છેલ્લે જાન્યુઆરી 2020માં તે મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે ચોથા નંબરે રમ્યો હતો. 

આ ઉપરાંત એશિયા કપ માટે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો તેને લઈ એબી ડિવિલિયર્સે પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, “ચહલને બહાર કરવામાં આવ્યો છે. પસંદગીકારોએ તેઓ કોને પસંદ કરશે તેના સંકેત આપી દીધા છે. હું આ વાતથી નિરાશ છું. યુઝી શાનદાર બોલર છે અને ટીમમાં લેગ સ્પિનનો વિકલ્પ હોવો જોઈએ.”નોંધનીય છે કે, ભારતીય ટીમે એશિયા કપ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. શ્રીલંકા રવાના થતા પહેલા રોહિત શર્મા એન્ડ કંપની બેંગલુરૂ સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમી (NCA)માં ટ્રેઈનિંગ લઈ રહી છે. ત્યારે મિસ્ટર 360 ડિગ્રી તરીકે પ્રખ્યાત પૂર્વ દક્ષિણ આફ્રિકી ખેલાડી એબી ડિવિલિયર્સે પોતાના મિત્ર વિરાટ કોહલીને બેટિંગના ક્રમમાં ફેરફાર કરવા જણાવ્યું છે.