વર્લ્ડ કપમાં હાર બાદ રોહિત શર્માનું પહેલું નિવેદન સામે આવ્યું, ભાવુક થઈને કરી આ વાત

મને ટીમ પર ગર્વ છે કારણ કે, અમે જે રીતે આખા વર્લ્ડકપમાં રમ્યા તે બેજોડ હતું. તમને દરેક વર્લ્ડકપમાં આવું પ્રદર્શન કરવાની તક નથી મળતી. અમારા આ પર્ફોર્મન્સથી ચાહકોને બહુ જ ખુશી મળી: રોહિત શર્મા

Share:

હાઈલાઇટ્સ

  • 'વર્લ્ડ કપ જીતવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ મહેનત કરી'
  • 'હારને પચાવવી સરળ નહોતી, જીવનમાં આગળ વધવું પણ જરૂરી'

આઈસીસી વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ભારતની હાર બાદ લાખો ક્રીકેટ પ્રેમીઓ નિરાશ થયા હતા. ત્યારે આ મામલે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ એક વિડીયોમાં કહ્યું કે, વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય ટીમ હારી તેને લઈને મને બહુજ મોટો ફટકો પડ્યો હતો. હું હતાશ થઈ ગયો હતો અને કમબેક કરવું અને આગળ વધવું મારા માટે ખૂબજ મુશ્કેલ હતું. પરંતુ જીવનના આવા કપરા સમયમાં ચાહકો સાથે વાત કરીને મને સાજો થવામાં મદદ મળી છે.

રોહિત શર્માએ કહ્યું કે, આ હારને પચાવવી સરળ નહોતી. પરંતુ હાં, જીવનમાં આગળ વધવું પણ જરૂરી છે. પરંતુ ઈમાનદારીથી કહું તો આ ખરેખર મારા માટે મુશ્કેલ હતું. આ હતાશામાંથી બહાર નિકળી અને આગળ વધવું મારા માટે સરળ નહોતું. હું હંમેશા 50 ઓવરનો વર્લ્ડકપ જોઈને જ મોટો થયો છું અને મારા માટે આ વર્લ્ડકપ મોટો પુરસ્કાર હતો. રોહિતે કહ્યું કે, અમે આ વર્લ્ડકપ જીતવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબજ મહેનત કરી પરંતુ છતાંય અમે વર્લ્ડકપ જીતી ન શક્યા. આ ખરેખર નિરાશાજનક છે. જ્યારે તમે લાંબા સમયથી જે સફળતાની રાહ જોઈ રહ્યા હોવ, તેના માટે તમે મહેનત કરી હોય, એફર્ટ્સ લગાવ્યા હોય અને એ સપનું જ્યારે પૂરૂં ન થાય તો ખરેખર નિરાશ થઈ જવાય છે.

હિટમેન રોહિત શર્માએ જણાવ્યું કે, મને ટીમ પર ગર્વ છે કારણકે, અમે જે રીતે આખાય વર્લ્ડકપમાં રમ્યા તે બેજોડ હતું. તમને દરેક વર્લ્ડકપમાં આવું પ્રદર્શન કરવાની તક નથી મળતી. અમારા આ પર્ફોર્મન્સથી ચાહકોને બહુ જ ખુશી મળી. તે ફાઈનલ બાદ ભારતીય ટીમને રમતી જોઈને એક પ્રકારે ગર્વ થાય છે. કારણે વર્લ્ડકપની ફાઈનલમાં હાર મળી તેના દર્દમાંથી બહાર આવવું અને પછી આગળ વધવું એ ખરેખર મુશ્કેલ હતું. આ જ કારણ છે કે, મેં નિર્ણય કર્યો કે, મારે ક્યાંક જવું જોઈએ અને આ તકલીફમાંથી બહાર આવવું જોઈએ. પરંતુ હું જ્યાં ગયો, ત્યાં મને અહેસાસ થયો કે લોકો મારી પાસે આવી રહ્યા છે અને તેઓ અમારા તમામ પ્રયત્નોની સરાહના કરી રહ્યા છે.

રોહિતે કહ્યું કે, તમે જાણો છો કે જ્યારે તમે લોકોને મળો છો તો. તેઓ સમજે છે કે, ખેલાડી પર શું વિતી રહી હશે અને તે લોકો નિરાશાના સમયમાં તમને મોટિવેટ કરે છે તે ખરેખર મહત્વનું છે. કપરા સમયમાં અમારા ફેન્સે અમને જે પ્રેમ આપ્યો તે ખરેખર અદભુત હતો. આ આપને કપરા સમયની તકલીફમાંથી બહાર આવવામાં અને ફરીથી એ જ જુસ્સા સાથે ક્રિકેટ રમવાની પ્રેરણા આપે છે.

વધુમાં રોહિત શર્માએ કહ્યું કે, હું તમામ ફેન્સની ભાવનાઓને મહેસૂસ કરી શકું છું કારણ કે તમામ ફેન્સ અમારી સાથે હતા. તેઓ પણ અમારી સાથે વર્લ્ડકપને પોતાનો કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા હતા. અમે આખા વર્લ્ડકપ દરમિયાન જ્યાં પણ ગયા ત્યાં લોકોનું સમર્થન મળ્યું. હું કહેવામાં માંગું છું કે, લોકોએ એ એક-દોઢ મહિનામાં અમારા માટે ઘણું કર્યું છે. પરંતુ પછી જો હું આના વિશે વધારે વિચારું તો મને ખૂબજ નિરાશા થાય છે કારણકે અમે આવું પરિણામ આવશે એ ક્યારેય વિચાર્યું નહોતું.