Amol Muzumdar: મુંબઈના પૂર્વ કેપ્ટન અને ડોમેસ્ટિક ક્રિકેટના ધુરંધર અમોલ મજૂમદાર (Amol Muzumdar)ને ભારતીય મહિલા ક્રિકેટ (Indian women’s cricket) ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ માટે ક્રિકેટ સલાહકાર સમિતિના સદસ્યો સુલક્ષણા નાઈક, અશોક મલહોત્રા અને જતિન પરાંજપેએ અનેક ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા હતા. તેમાં મજૂમદારની પસંદગી લગભગ નિર્ઘારિત હતી પરંતુ તેની જાહેરાત કરવામાં વિલંબ થયો છે.
BCCI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “લાંબી વાતચીત બાદ 3 સદસ્યો ધરાવતી સમિતિએ સર્વસંમતીથી અમોલ મજૂમદારની પસંદગી કરી છે.” રમેશ પવાર રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીમાં સ્પિન બોલિંગના સલાહકાર તરીકે જોડાયા ત્યારથી આ પદ પર ઋષિકેશ કાનિટકર અસ્થાયી રીતે જવાબદારી સંભાળી રહ્યા હતા.
વધુ વાંચો: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ક્રિકેટ જગતના દિગ્ગજોએ પાઠવી શુભેચ્છાઓ
ભારતીય મહિલા ક્રિકેટ (Indian women’s cricket) ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત બાદ અમોલ મજૂમદારે પોતે ગર્વની લાગણી અનુભવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે પોતાના પર વિશ્વાસ મુકવા બદલ CAC અને BCCIનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે મળીને સારા પ્રદર્શન માટેની તૈયારીમાં તેમની મદદ કરવાનો વિશ્વાસ દર્શાવ્યો હતો. આ સાથે જ તેમણે આગામી 2 વર્ષને ખૂબ મહત્વપૂર્ણ ગણાવ્યા હતા કારણ કે, તે દરમિયાન 2 વર્લ્ડ કપ યોજાવાના છે.
કાનિટકર હવે એનસીએમાં પાછા ફરીને પુરૂષ એ ટીમ અથવા તો અંડર 19 ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે. અમોલ મજૂમદારે (Amol Muzumdar)ને પ્રથમ શ્રેણીમાં 30 સદી સાથે 11,000થી પણ વધારે રન બનાવ્યા છે. તેઓ 100 લિસ્ટ એ મેચ અને 14 ટી20 મેચ પણ રમ્યા છે. BCCIના સચિવ જય શાહે જણાવ્યું હતું કે, આધુનિક ક્રિકેટની જાણકારી હોવાના કારણે મજૂમદારને આ જવાબદારી સોંપાઈ છે.
વધુ વાંચો: PM મોદીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
અમોલ મજૂમદારની ડોમેસ્ટિક કરિયર 21 વર્ષની છે. મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનારા અમોલ મજૂમદારે 1994ના વર્ષમાં પોતાનું ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતું. મજૂમદારે 171 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 11,167 રન બનાવ્યા હતા. આ દરમિયાન એવરેજ 48.1 અને સ્ટ્રાઈક રેટ 72.7 રહ્યો હતો. તેમનો હાઈએસ્ટ સ્કોર 260 રનનો છે.
અમોલ મજૂમદારના કેપ્ટન પદે મુંબઈ અનેક રણજી ટ્રોફી જીત્યું છે. તેમણે રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં મુંબઈ, આસામ અને આંધ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરેલું છે. અમોલ મજૂમદાર મુંબઈ રણજી ટીમના મુખ્ય કોચ રહી ચુક્યા છે. તેઓ IPL ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ અને સાઉથ આફ્રિકાની નેશનલ ટીમ સાથે પણ કામ કરી ચુક્યા છે.