વિરાટ કોહલીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી નારાજ થયું BCCI, ટીમના તમામ પ્લેયર માટે બહાર પાડ્યું ફરમાન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાની ફિટનેસ માટે હંમેશા સતર્ક હોય છે. તેઓ ટીમ ઈન્ડિયાના સૌથી વધારે ફિટ ખેલાડીઓ પૈકીના એક છે. વિરાટ કોહલીએ ગુરૂવારના રોજ પોતાની યો-યો ટેસ્ટનો સ્કોર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફરી એક વખત પોતાની ફિટનેસ સાબિત કરી હતી. જોકે વિરાટ કોહલીના આ વર્તનને લઈ BCCI ખૂબ જ નારાજ […]

Share:

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાની ફિટનેસ માટે હંમેશા સતર્ક હોય છે. તેઓ ટીમ ઈન્ડિયાના સૌથી વધારે ફિટ ખેલાડીઓ પૈકીના એક છે. વિરાટ કોહલીએ ગુરૂવારના રોજ પોતાની યો-યો ટેસ્ટનો સ્કોર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફરી એક વખત પોતાની ફિટનેસ સાબિત કરી હતી. જોકે વિરાટ કોહલીના આ વર્તનને લઈ BCCI ખૂબ જ નારાજ થઈ ગયું છે. 

વિરાટ કોહલીએ સ્કોર શેર કર્યો

વિરાટ કોહલી દ્વારા યો-યો ટેસ્ટનો સ્કોર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરવામાં આવ્યો ત્યાર બાદ બીસીસીઆઈએ પોતાના તમામ ખેલાડીઓને આ પ્રકારની જાણકારી સોશિયલ મીડિયામાં શેર ન કરવા માટે ચેતવણી આપી છે. 

હકીકતે એશિયા કપમાં રમનારા તમામ ખેલાડીઓનો બેંગલુરૂ ખાતે ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં યો-યો ટેસ્ટ પણ સામેલ હતો. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ 16.5નો ફિટનેસ પેરામીટર નક્કી કર્યો હતો અને તમામ ખેલાડીઓ યો-યો પરીક્ષણમાં ખરા ઉતર્યા હતા.  

BCCIની નારાજગી

વિરાટ કોહલીએ ગુરૂવારના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો શર્ટલેસ ફોટો શેર કર્યો હતો અને સાથે જ લખ્યું હતું કે, “કોન્સ વચ્ચે યો-યો ટેસ્ટ પાસ કરવાનો આનંદ. 17.2નો સ્કોર.” BCCIએ આ પોસ્ટ અંગે નારાજગી દર્શાવી હતી અને તમામ ખેલાડીઓને આ રીતે માહિતી શેર ન કરવા માટે મૌખિક ચેતવણી પણ આપી દીધી હતી. 

બીસીસીઆઈના સૂત્ર દ્વારા જણાવ્યા અનુસાર તમામ ખેલાડીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગોપનીય જાણકારી શેર ન કરવા માટે જણાવી દેવાયું છે. તેઓ પોતાની ટ્રેઈનિંગની તસવીરો શેર કરી શકે છે પરંતુ સ્કોર જાહેર કરવો એ કરાર વિરૂદ્ધ છે. 

BCCIને મોકલવામાં આવશે ફિટનેસ રિપોર્ટ

વિરાટ કોહલી ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા અને વનડે ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ ‘ડ્રિલ્સ’માં અન્ય ખેલાડીઓ સાથે સામેલ થયા હતા અને પરીક્ષણમાં સફળ રહ્યા હતા. આ તમામ ખેલાડીઓનો રિપોર્ટ BCCIને મોકલવામાં આવશે. 

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ આગામી એશિયા કપની તૈયારીઓને લઈ હાલ બેંગલુરૂમાં 6 દિવસીય ટ્રેનિંગ કેમ્પમાં સામેલ થયા છે. તમામ પ્રમુખ ખેલાડીઓ આ કેમ્પમાં સામેલ છે અને 24મી ઓગષ્ટના રોજ ટ્રેઈનિંગના પ્રથમ દિવસે આ કન્ડિશનિંગ કેમ્પમાં તમામ ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. એશિયા કપ માટે ભારતની 17 સદસ્યોની ટીમની જાહેરાત બાદ હવે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા ટીમના તમામ ખેલાડીઓ બેંગલુરૂમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. 

જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજુ સૈમસન અને તિલક વર્મા આ 4 ખેલાડીઓ આયર્લેન્ડ સામે 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝ રમ્યા બાદ શુક્રવારે ડબલિનથી બેંગલુરૂ આવી કેમ્પમાં સામેલ થાય તેવી શક્યતા છે. ગુરૂવારના રોજ યો-યો ટેસ્ટ સિવાયની ડ્રિલ્સ મોટા ભાગે ઈનડોર રહી હતી પરંતુ શુક્રવારથી આઉટડોર અભ્યાસ વધારાશે.