અન્નુ રાની એશિયન ગેમ્સની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની

અન્નુ રાનીએ એશિયન ગેમ્સની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. અન્નુ રાની આ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. ચીન ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં મંગળવારના રોજ ભારતીય ખેલાડીઓએ 9 મેડલ પર કબજો જમાવ્યો હતો.  62.92 મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ પોતાને નામ કર્યો એશિયન ગેમ્સમાં ભારતીય એથલીટ્સની સફળતાઓ વચ્ચે […]

Share:

અન્નુ રાનીએ એશિયન ગેમ્સની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. અન્નુ રાની આ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. ચીન ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં મંગળવારના રોજ ભારતીય ખેલાડીઓએ 9 મેડલ પર કબજો જમાવ્યો હતો. 

62.92 મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ પોતાને નામ કર્યો

એશિયન ગેમ્સમાં ભારતીય એથલીટ્સની સફળતાઓ વચ્ચે સ્ટાર ભાલા ફેંક ખેલાડી અન્નુ રાનીએ પણ ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. અન્નુ રાનીએ મંગળવારના રોજ ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું અને પોતાના ચોથા પ્રયત્નમાં સિઝનના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે 62.92 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. 

અન્નુ રાનીની સફળતાની કહાની ખૂબ જ દમદાર અને વિશિષ્ટ કહી શકાય તેવી છે. ઉત્તર પ્રદેશના મેરઠની વતની અન્નુ રાનીએ સંઘર્ષોની સીમા પાર કરીને સફળતાના શિખરો સર કર્યા છે. અન્નુ રાનીએ પોતાના ગામડે શેરડીના સાંઠાને ભાલા તરીકે વાપરીને પ્રેક્ટિસ કરી હતી અને આકરી મહેનત બાદ ઉંચાઈ પર પહોંચી છે. 

અન્નુ રાની સંતાઈને શેરડીના સાંઠાથી પ્રેક્ટિસ કરતી હતી

અન્નુ રાની સૌથી સંતાઈને ભાલા ફેંકની પ્રેક્ટિસ કરતી હતી. અન્નુ રાનીના ભાઈ ઉપેન્દ્ર કુમારને રમતમાં રસ હતો અને તેઓ પોતે એક દોડવીર હોવાની સાથે યુનિવર્સિટીમાં દોડતા હતા. તેમને જોઈને અન્નુ રાનીને રમતમાં રસ પડ્યો હતો. ત્યાર બાદ અન્નુ રાનીએ ગામની નજીક આવેલા ખેતરોમાં શેરડીના સાંઠાનો ભાલા તરીકે ઉપયોગ કરીને પ્રેક્ટિસ શરૂ કરી હતી અને ધીમે-ધીમે સફળ થવા લાગી હતી. 

અન્નુ રાનીને તેમના ભાઈએ ખૂબ મદદ કરી સાથ આપ્યો હતો અને તેમનો ભાલા ફેંકનો અભ્યાસ શરૂ કરાવ્યો હતો. અન્નુ રાનીના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ બે ખેલાડી તૈયાર કરવા માટેનો ખર્ચો કરી શકે તેમ નહોતા. આ કારણે અન્નુ રાનીના ભાઈએ ત્યાગ કરીને પોતાની બહેનને આગળ વધવામાં મદદ કરી હતી. 

જોકે અન્નુ રાનીએ પણ સફળત થવાનું નક્કી કરી લીધેલું અને તે ધીમે-ધીમે ભારતની સ્ટાર ખેલાડી બની ગઈ હતી. આ સાથે જ અન્નુ રાનીએ ચીન ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં પોતાનું કૌવત સાબિત કર્યું છે. અન્નુ રાનીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. 

નોંધનીય છે કે, ભારતના સ્ટાર એથલીટ નીરજ ચોપરાએ સતત બીજી વખત એશિયન ગેમ્સની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નીરજ ચોપરાએ 88.88 મીટરના પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયત્ન સાથે ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. જ્યારે ભારતના જ કિશોર જેનાએ 87.54 મીટરના પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયત્ન સાથે સિલ્વર મેડલ મેળવ્યો છે. નીરજ ચોપરાએ 2018માં જકાર્તા ખાતે રમાયેલી એશિયન ગેમ્સની ભાલા ફેંક સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.