એશિયા કપ 2023: PCB પ્રમુખે એશિયા કપની મેચ પાકિસ્તાન શિફ્ટ કરાવવા જય શાહની મુલાકાત લીધી

PCBના ચેરમેન જકા અશરફે BCCIના સચિવ અને ACC (એશિયન ક્રિકેટ કાઉન્સિલ)ના અધ્યક્ષ જય શાહની મુલાકાત લઈને શ્રીલંકામાં થઈ રહેલા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને એશિયા કપની મેચ પાકિસ્તાનમાં શિફ્ટ કરવા માટે સૂચન આપ્યું છે. અગાઉ શનિવારના રોજ વરસાદના કારણે કૈન્ડી ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એશિયા કપનો મુકાબલો રદ્દ કરવો પડ્યો હતો.  તે મેચમાં માત્ર […]

Share:

PCBના ચેરમેન જકા અશરફે BCCIના સચિવ અને ACC (એશિયન ક્રિકેટ કાઉન્સિલ)ના અધ્યક્ષ જય શાહની મુલાકાત લઈને શ્રીલંકામાં થઈ રહેલા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને એશિયા કપની મેચ પાકિસ્તાનમાં શિફ્ટ કરવા માટે સૂચન આપ્યું છે. અગાઉ શનિવારના રોજ વરસાદના કારણે કૈન્ડી ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એશિયા કપનો મુકાબલો રદ્દ કરવો પડ્યો હતો. 

તે મેચમાં માત્ર એક ઈનિંગ રમાઈ હતી જેમાં ભારતે પહેલા બેટિંગ કરીને 48.5 ઓવરમાં 266 રન બનાવ્યા હતા અને વરસાદના કારણે પાકિસ્તાની ઈનિંગ શરૂ જ નહોતી થઈ શકી. તેને કારણે મેચની ખરી મજા ચાહકોને એન્જોય કરવા મળી નહોતી.

ભારે વરસાદથી કોલંબોમાં પૂરની સ્થિતિ

કોલંબોમાં ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ પ્રવર્તી છે અને કૈન્ડીમાં પણ અટકી અટકીને વરસાદ પડી રહ્યો છે. એશિયા કપમાં સોમવારે ભારત અને નેપાળ વચ્ચે ગ્રુપ મેચ રમાવાની હતી તેના પર પણ વરસાદનું સંકટ ઘેરાયેલું છે. સાંજના સમયે વરસાદની આગાહીને લીધે મેચમાં ખલેલ પડવાની શક્યતા છે. આ કારણે સુપર-4 સ્ટેજના મુકાબલા કોલંબોથી શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. 

ગ્રુપ સ્ટેજમાં 2 મુકાબલા બાકી

એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં હવે બે મુકાબલા બાકી છે. સોમવારે કૈન્ડી ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે અને મંગળવારે લાહોરમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે. બુધવારથી સુપર-4 રાઉન્ડની શરૂઆત થશે અને તેની 5 મેચ કોલંબો ખાતે રમાવાની છે. 

જ્યારે 17 સપ્ટેમ્બરના રોજ ફાઈનલ પણ કોલંબોમાં જ રમાશે. જોકે શ્રીલંકન હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કોલંબોમાં વરસાદની આગાહી કરી છે માટે સુપર-4 રાઉન્ડની મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ACC એશિયા કપના સુપર-4 તબક્કાની મેચના વેન્યુને બદલવા માટે વિચારણા ચાલી રહી છે. 

જગ્યા બદલવી સરળ નથી

જો એશિયા કપના સુપર-4 રાઉન્ડની મેચ કોલંબોથી શિફ્ટ કરવામાં આવે તો વૈકલ્પિક વેન્યુનો પ્રશ્ન સામે આવે છે. વેન્યુના વિકલ્પ તરીકે દાંબુલાનું સૂચન કરવામાં આવ્યું હતું પંરતુ ત્યાંની હોટેલ સુવિધાઓને લઈ ટીમ ઈન્ડિયાએ અંસતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત સ્ટેડિયમની ફ્લડ લાઈટ્સનું કામ પણ અધૂરૂ છે. જોકે દાંબુલા શ્રીલંકાના એવા વિસ્તારમાં સ્થિત છે જ્યાં વર્ષના આ સમયગાળા દરમિયાન કૈન્ડી અને કોલંબોની સરખામણીએ ખૂબ ઓછો વરસાદ થાય છે. 

એશિયા કપમાં રાજનીતિનો હવાલો આપીને નજમ સેઠી ઉશ્કેરાયા

અગાઉ PCBના પૂર્વ ચેરમેન નજમ સેઠીએ પણ ભારત-પાકિસ્તાન મેચ વરસાદના કારણે રદ્દ થઈ તેને લઈ નારાજગી દર્શાવી હતી. તેમણે પોતે ACC સમક્ષ યુએઈમાં એશિયા કપ યોજવા ભલામણ કરી હોવાનું યાદ અપાવીને રમત મામલે રાજનીતિ માફ ન કરી શકાય તેમ જણાવ્યું હતું. નોંધનીય છે કે, ACCએ શ્રીલંકામાં મેચના આયોજન માટે દુબઈમાં ખૂબ ગરમીનો હવાલો આપ્યો હતો. જોકે નજમ સેઠીના કહેવા પ્રમાણે સપ્ટેમ્બર 2022માં એશિયા કપ રમાયો ત્યારે પણ યુએઈમાં એટલી જ ગરમી હતી અને IPL 2020 દરમિયાન પણ એવું જ વાતાવરણ હતું.