એશિયન ગેમ્સઃ ભાલા ફેંકમાં ભારતના 2 ખેલાડીનો ગોલ્ડ- સિલ્વર પર કબજો, નીરજ ચોપરા-કિશોર જેનાનું પરાક્રમ

ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ એશિયન ગેમ્સ 2023ની જેવલિન થ્રો (ભાલા ફેંક) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પ્રથમ વખત જ એશિયન ગેમ્સનો હિસ્સો બનેલા કિશોર જેનાએ સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો. ભારતની આ ખુશીમાં ગ્રહણ લગાવવા માટે ચીને અનેક પ્રયત્નો કર્યા હતા અને બેઈમાની કરી હતી પરંતુ આખરે ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ જીતી […]

Share:

ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ એશિયન ગેમ્સ 2023ની જેવલિન થ્રો (ભાલા ફેંક) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પ્રથમ વખત જ એશિયન ગેમ્સનો હિસ્સો બનેલા કિશોર જેનાએ સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો. ભારતની આ ખુશીમાં ગ્રહણ લગાવવા માટે ચીને અનેક પ્રયત્નો કર્યા હતા અને બેઈમાની કરી હતી પરંતુ આખરે ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ જીતી ગયો હતો. 

નીરજ ચોપરાએ સતત બીજી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો

ભારતના સ્ટાર એથલીટ નીરજ ચોપરાએ સતત બીજી વખત એશિયન ગેમ્સની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નીરજ ચોપરાએ 88.88 મીટરના પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયત્ન સાથે ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. જ્યારે ભારતના જ કિશોર જેનાએ 87.54 મીટરના પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયત્ન સાથે સિલ્વર મેડલ મેળવ્યો છે. 

નીરજ ચોપરાએ 2018માં જકાર્તા ખાતે રમાયેલી એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે કિશોર જેના પ્રથમ વખત એશિયન ગેમ્સમાં સહભાગી બન્યા હતા અને તેમણે સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો. કિશોર જેનાએ પ્રથમ વખત કોઈ પ્રતિયોગિતામાં મેડલ મેળવ્યો છે. જાપાનના ગેંકી ડીન આ સ્પર્ધામાં 82.68 મીટરના સર્વશ્રેષ્ઠ પ્રયત્ન સાથે ત્રીજા સ્થાને આવ્યા હતા.

પ્રથમ વખત ભારતના 2 એથ્લીટનો કમાલ

1951ના વર્ષથી એશિયન ગેમ્સમાં ભાલા ફેંકની સ્પર્ધા યોજવામાં આવે છે. સ્પર્ધાના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતના જ બે એથલીટે ગોલ્ડ અને સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો છે. આમ એશિયન ગેમ્સની ભાલા ફેંક સ્પર્ધામાં ભારતના નામે 5 મેડલ થઈ ગયા છે. આ વખતના 2 મેડલ પહેલા 1951માં દિલ્હી ખાતે રમાયેલી એશિયન ગેમ્સ સ્પર્ધામાં પરસા સિંહે સિલ્વર મેડલ જીત્યો હતો. 

ત્યાર બાદ 1982માં દિલ્હી એશિયન ગેમ્સમાં ગુરતેજ સિંહે બ્રોન્ઝ મેડલ અને 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે આ વખતે પ્રથમ વખત એશિયન ગેમ્સમાં પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં ભારતના નામે 2 મેડલ આવ્યા છે. 

સ્પર્ધાની શરૂઆતમાં ચીનની ચાલાકી 

આ સ્પર્ધાની શરૂઆતમાં ગરબડ થઈ હતી અથવા તો કરવામાં આવી હતી. સૌથી પહેલા ચીની તાઈપેના સુન ચેંગ ચાઓ થ્રો માટે આવ્યા હતા પરંતુ તેનો થ્રો ફાઉલ રહ્યો હતો. ત્યાર બાદ નીરજ ચોપરા થ્રો માટે આવ્યો હતો. નીરજ ચોપરાએ પ્રથમ થ્રોમાં જ 85 મીટરથી વધુનું અંતર પાર કર્યું હતું અને તે ખૂબ જોશમાં દેખાઈ રહ્યો હતો. જોકે ઘણી રાહ જોવા છતાં પરિણામ જાહેર ન કરાયું અને બાદમાં ચીનના આયોજકોએ ટેક્નિકલ ખામીના કારણે નીરજ ચોપરાનો પ્રથમ થ્રો રેકોર્ડ ન થયો હોવાનું જણાવી દીધું હતું. આમ આયોજકોએ જાણીજોઈને નીરજ ચોપરાની એકાગ્રતા ભંગ કરવા પ્રયત્ન કર્યો હતો. 

આયોજકોએ કિશોર જેના સાથે પણ બેઈમાની કરવા પ્રયત્ન કર્યો હતો. કિશોર જેનાનો બીજો થ્રો 79.76 મીટરનો હતો પણ રેફરીએ તેને ફાઉલ ગણાવ્યો હતો. બાદમાં નીરજ ચોપરાના કહેવાથી કિશોર જેનાએ વીડિયો રેફરલ માટે અરજી કરી હતી.