ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનની ચિંતામાં વધારો, સ્ટાર બોલર શાહીન આફ્રિદીને પહોંચી ઈજા

એશિયા કપ 2023માં ભારત સામેના મહામુકાબલા પહેલા જ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને ઈજા પહોંચી છે જેથી યજમાન ટીમ પાકિસ્તાનની ચિંતામાં વધારો થયો છે. શાહીન આફ્રિદીએ નેપાળ સામેની મેચમાં જોરદાર બોલિંગ કરી હતી પરંતુ 5 ઓવર બાદ તેણે મેદાન છોડી દીધું હતું.  શાહીન આફ્રિદીને ઈજા પહોંચી તે સમયે ફીલ્ડ બહાર તેના સાથે પાકિસ્તાની ટીમના ફિઝિયો […]

Share:

એશિયા કપ 2023માં ભારત સામેના મહામુકાબલા પહેલા જ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને ઈજા પહોંચી છે જેથી યજમાન ટીમ પાકિસ્તાનની ચિંતામાં વધારો થયો છે. શાહીન આફ્રિદીએ નેપાળ સામેની મેચમાં જોરદાર બોલિંગ કરી હતી પરંતુ 5 ઓવર બાદ તેણે મેદાન છોડી દીધું હતું. 

શાહીન આફ્રિદીને ઈજા પહોંચી

તે સમયે ફીલ્ડ બહાર તેના સાથે પાકિસ્તાની ટીમના ફિઝિયો અને ડૉક્ટર પણ હાજર હતા. થોડા સમય બાદ શાહીન આફ્રિદી મેદાન પર પાછો આવ્યો હતો પરંતુ તેણે બોલિંગ નહોતું કર્યું. આમ માત્ર 3 દિવસમાં ભારત સામે મહત્વની મેચ રમાવાની છે તે પહેલા જ પોતાનો શાહીન આફ્રિદી જેવો મહત્વનો ખેલાડી ઘાયલ થયો તે પાકિસ્તાન માટે ચિંતાનો વિષય છે. 

શાહીન આફ્રિદીએ નેપાળ સામેની બોલિંગની શરૂઆતમાં પહેલી જ ઓવરમાં 2 વિકેટ લીધી હતી અને 5 ઓવરમાં 27 રન ખર્ચ કર્યા હતા.

વકાર યુનિસે દર્શાવી ચિંતા

પાકિસ્તાનના પૂર્વ બોલર વકાર યુનિસે જણાવ્યું હતું કે, “થર્ડ મેન કે ફાઈનલ લેગ પર ફાસ્ટ બોલર સાથે ફિઝિયો ઉભા હોય તેનાથી મને કોઈ ફરક નથી પડતો પરંતુ જ્યારે ડૉક્ટર આવે ત્યારે થોડી ચિંતા વધી જાય છે. શાહીનની આજુબાજુ બંને છે. જો આફ્રિદીને કોઈ સમસ્યા હોય તો તેમણે તેને દૂર કરવો જોઈએ. તે પાકિસ્તાનની એક મૂલ્યવાન સંપત્તિ છે.”

જો શાહીન આફ્રિદીને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી હશે તો તે પાકિસ્તાન માટે માત્ર ભારત સામેની મેચ માટે જ નહીં પરંતુ સમગ્ર એશિયા કપ અને આગામી વર્લ્ડ કપમાં પણ માથાના દુઃખાવા સમાન બની શકે છે. નેપાળ સામેની મેચ દરમિયાન મુલ્તાનમાં 38 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે તાપમાન હતું. વધુ પડતી ગરમીના કારણે શાહીનને સમસ્યા થઈ હોય તેવી પણ શક્યતા છે. પાકિસ્તાને શાહીન આફ્રિદી મામલે કોઈ રિસ્ક ન લઈને તેને ફિલ્ડ બહાર મોકલી દીધો હતો. 

શાહીન આફ્રિદીને ઈજાઓ સાથે જૂનો સંબંધ

આ કંઈ પહેલી વખત નથી કે ઈજાગ્રસ્ત ખેલાડીના કારણે પાકિસ્તાનની ટીમને અસર પહોંચી હોય. એશિયા કપ 2022ની તૈયારી વખતે પણ શાહીન આફ્રિદી ઘૂંટણની ઈજાનો સામનો કરી રહ્યા હતા અને આ કારણે તેમને ટુર્નામેન્ટની બહાર કરી દેવામાં આવ્યા હતા. શાહીન આફ્રિદીએ T20 વર્લ્ડ કપ 2022માં કમબેક કર્યું હતું પણ ટુર્નામેન્ટની ફાઈનલ વખતે તેઓ ફરી ઘાયલ થયા હતા. માત્ર 2 ઓવરની બોલિંગ બાદ શાહીન આફ્રિદીને ઈજા પહોંચી હતી અને ઈંગ્લેન્ડના વિજય પાછળ શાહીન આફ્રિદીની ઈજા મહત્વનું કારણ બની હતી.