ભારત-પાકિસ્તાન મેચમાં વિલન બન્યો કોલંબોનો વરસાદ, મેદાન પર કવર ઢાંકવુ પડ્યું, સ્કોર 147/2

ભારત-પાકિસ્તાન વચ્ચે કોલંબો ખાતે મેચ રમાઈ રહી છે. જોકે આ મેચ વરસાદના કારણે અટકાવી દેવી પડી છે. ભારે વરસાદના કારણે મેદાનને કવરથી ઢાંકી દેવું પડ્યું છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ભારતના રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ વરસાદના કારણે મેચ અટકાવવી પડી ત્યાં […]

Share:

ભારત-પાકિસ્તાન વચ્ચે કોલંબો ખાતે મેચ રમાઈ રહી છે. જોકે આ મેચ વરસાદના કારણે અટકાવી દેવી પડી છે. ભારે વરસાદના કારણે મેદાનને કવરથી ઢાંકી દેવું પડ્યું છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ભારતના રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ વરસાદના કારણે મેચ અટકાવવી પડી ત્યાં સુધીમાં 24.1 ઓવરમાં 147 રન બનાવ્યા હતા. સાથે જ ટીમના બંને ઓપનર્સ આઉટ થઈ ગયા છે. 

એશિયા કપ સુપર-4ની ત્રીજી મેચમાં ભારત-પાકિસ્તાનની ટીમ સામસામે છે. જોકે વરસાદના કારણે મેચ રોકાઈ ગઈ છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે મેચ રોકવી પડી ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં 2 વિકેટ પર 147 રન બનાવી લીધા હતા. 14મી ઓવરમાં જ ટીમના 100 રન પૂરા થઈ ગયા હતા. રોહિત શર્મા 56 અને શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયા હતા. કેએલ રાહુલ 17 અને વિરાટ કોહલી 8 રન બનાવીને રમી રહ્યા છે. રોહિત શર્મા અને શુભમન ગિલે શરૂઆતની ઓવરમાં પાકિસ્તાની બોલર્સને હંફાવી દીધા હતા.
 
ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ ફરી એક વખત વિલન બન્યો છે. કોલંબોમાં ભારે વરસાદના કારણે મેદાનના મોટા ભાગના હિસ્સાને કવર કરી લેવું પડ્યું છે. ગ્રાઉન્ડ સ્ટાફે વરસાદ શરૂ થયો તે સાથે જ મેદાનને ઝડપથી કવર વડે ઢાંકી દીધું હતું. ભારે વરસાદના કારણે મેચ બંધ કરવી પડી હતી અને વરસાદ રોકાયા બાદ જ ભારત-પાકિસ્તાનની મેચ ફરી શરૂ થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલે ટ્વિટ કરીને વરસાદ અંગેની અપડેટ આપી હતી.
 
મહત્વની વાત એ છે કે, ભારત-પાકિસ્તાનની પહેલી મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. ટીમ ઈન્ડિયા પહેલી ઈનિંગ રમી હતી પરંતુ પાકિસ્તાનની ટીમ એક પણ બોલ નહોતી રમી શકી. જો ભારત-પાકિસ્તાનની આ મેચ વરસાદના કારણે પૂરી નહીં થઈ શકે તો તે રિઝર્વ ડે પર રમાશે. દિલચસ્પ વાત એ છે કે, સુપર-4માં ભારત-પાકિસ્તાનની એકમાત્ર મેચ છે જેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. 

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ-11માં 2 ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યર આ મેચ નથી રમી રહ્યા. અય્યરને ઈજા પહોંચી છે જે ટીમ માટે ચિંતાજનક વાત બની શકે છે. આ સુપર-4ની મેચ છે. જેમાં જસપ્રીત બુમરાહને મોહમ્મદ શમીની જગ્યાએ રમવાની તક મળી છે. જ્યારે શ્રેયસ અય્યરની જગ્યાએ કેએલ રાહુલને તક મળી છે. બંને ટીમ વચ્ચે ગ્રુપ સ્ટેજનો મુકાબલો વરસાદના કારણે ખોરવાયો હતો. કોલંબોમાં પણ વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રિઝર્વ ડે નક્કી કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સુપર-4ની પોતાની પહેલી મેચ જીતી ચુક્યુ છે અને પહેલી મેચમાં તેણે બાંગ્લાદેશને હરાવ્યું હતું.