એચએસ પ્રણોયે ભારતીય બેડમિન્ટ પર પૂર્વ વર્લ્ડ નં-1 સાઈના નેહવાલની અસરને લઈ કરી દિલ ખોલીને વાત

હાંગઝાઉ ખાતે એશિયન ગેમ્સની શરૂઆત પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણોયે પૂર્વ વર્લ્ડ નં- 1 એવી ભારતીય ખેલાડી સાઈના નેહવાલની ભારતીય બેડમિન્ટન પર શું અસર પડી છે તે અંગે દિલ ખોલીને વાત કરી હતી. એચએસ પ્રણોયે જણાવ્યું કે, એક સમયે બેડમિન્ટનમાં ચીન, જાપાન અને કોરિયાને પડકાર આપે તેવા કોઈ ખેલાડી નહોતા અને અમુક […]

Share:

હાંગઝાઉ ખાતે એશિયન ગેમ્સની શરૂઆત પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણોયે પૂર્વ વર્લ્ડ નં- 1 એવી ભારતીય ખેલાડી સાઈના નેહવાલની ભારતીય બેડમિન્ટન પર શું અસર પડી છે તે અંગે દિલ ખોલીને વાત કરી હતી. એચએસ પ્રણોયે જણાવ્યું કે, એક સમયે બેડમિન્ટનમાં ચીન, જાપાન અને કોરિયાને પડકાર આપે તેવા કોઈ ખેલાડી નહોતા અને અમુક દેશો આ રમત પર પ્રભુત્વ ધરાવતા હતા. અચાનક ભારતના એક ખેલાડી તરીકે સાઈના નેહવાલે પોતાનો જાદુ પાથર્યો હતો અને દેશનું નામ રોશન કર્યું હતું. 

એચએસ પ્રણોયે જણાવ્યું કે, જ્યારે કોર્ટમાં સાઈના નેહવાલની સાથે પ્રશિક્ષણ મેળવતા ત્યારે મનના કોઈક ખૂણે એવી આશા જાગતી કે જો તેણી (સાઈના નેહવાલ) આ કરી શકે છે તો રમત માટે પ્રતિબદ્ધ બનીને આપણે પણ તે કરી શકીએ તેમ છીએ. નોંધનીય છે કે, એચએસ પ્રણોય લિજેન્ડરી પ્રકાશ પાદુકોણ બાદ સતત ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે અને તેણે 2 ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

એચએસ પ્રણોયે જણાવ્યું કે, સાઈના નેહવાલની સફળતાએ ખેલાડીઓને એક સ્ટેજ પર પહોંચવા માટે પ્રતિભા અને કૌશલ પૂરતા નથી તે સમજાવ્યું હતું. ઉપરાંત સાઈના નેહવાલે એ પણ સાબિત કરી આપ્યું હતું કે, આપણે જેની સાથે સ્પર્ધામાં હોઈએ તેના જેટલા પ્રતિભાશાળી ન ગણાતા હોઈએ તેમ છતાં સફળ બની શકીએ છીએ. 

એચએસ પ્રણોયે સાઈના નેહવાલની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાના વખાણ કર્યા હતા. એચએસ પ્રણોયે જણાવ્યું હતું કે, સાઈના નેહવાલ ટ્રેઈનિંગ સેશન્સ દરમિયાન જે રીતે સતત આગળ વધવા પ્રયત્ન કરતી તેનાથી જુનિયર્સને પ્રતિબદ્ધ બનવાના પાઠ શીખવા મળ્યા હતા. 

સાઈના નેહવાલ ગોડ ગિફ્ટેડ ખેલાડી નહોતી

એચએસ પ્રણોયે જણાવ્યું કે, સાઈના નેહવાલ ગોડ ગિફ્ટેડ અને કુશળ ખેલાડી નહોતી પણ તેણે સખત મહેનતથી ધાર્યા પરિણામ મેળવી શકાય છે તે સાબિત કરી બતાવ્યું હતું. તે દિવસેને દિવસે પોતાની જાતને વધુ ને વધુ મજબૂત બનાવતી હતી અને કોર્ટ પર તે કદી હારવા નહોતી માગતી એટલી ઝનૂની રહેતી હતી. 

એચએસ પ્રણોયના કહેવા પ્રમાણે સાઈના નેહવાલે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે તીક્ષ્ણ બનવું જરૂરી છે તે સાબિત કર્યું છે. સાથે જ એચએસ પ્રણોયે પોતાને વ્યક્તિગત રીતે સાઈના નેહવાલ પાસેથી ઘણું શીખવા મળ્યું છે. 30 વર્ષની ઉંમરે તેને સમજાયું છે કે ઘણી બધી મેચ જીતવા માટે તમારે સૌથી પહેલા તો ઉત્સાહી બનવાની જરૂર છે. કોઈ પ્લેટમાં સજાવીને સફળતા નહીં આપે પણ તેના માટે સખત મહેનત જ કરવી પડશે. આ તમામ વાતો આશરે એકાદ દાયકા સુધી સાઈના નેહવાલને નજીકથી તાલીમ મેળવતી જોઈને શીખવા મળી છે.