ICC: મહિલા ક્રિકેટમાં ટ્રાન્સજેન્ડર્સ પર મુકાયો પ્રતિબંધ, મહિલા અમ્પાયર્સના વેતન અંગે પણ નિર્ણય

ICC વિમેન્સ ચેમ્પિયનશિપની પ્રત્યેક સિરીઝમાં ઓછામાં ઓછો એક ન્યુટ્રલ અમ્પાયર હોવો જોઈએ તે માટે ભલામણ

Courtesy: Image: Twitter

Share:

 

ICC: ક્રિકેટની રમતનું વિશ્વ સ્તરે સંચાલન કરતી સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ નિર્ણય લીધો છે કે કિન્નર (ટ્રાન્સજેન્ડર) ખેલાડીઓ અને પુરુષમાંથી મહિલા બનવા માટે લિંગની સર્જરી (સેક્સ ચેન્જ) કરાવનારાઓને મહિલાઓની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં રમવા દેવામાં આવે. 

 

આ નિર્ણય માત્ર આંતરરાષ્ટ્રીય મહિલા મેચો પર જ લાગુ થશે. જ્યારે સ્થાનિક સ્તરે લિંગ પાત્રતા અંગે સભ્ય બોર્ડ શું નિર્ણય લે છે તે તેમના પર નિર્ભર રહેશે.

ICCની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

મહિલાઓને ક્રિકેટ મેચ દરમિયાન સુરક્ષિતતા મળી રહે તેમ જ એ વ્યવહારુ બની રહે તેવા હેતુથી આ નિયમ લાવવામાં આવ્યો છે. જાતિ પરિવર્તનને લગતી જેન્ડર રીઅસાઈનમેન્ટ ટ્રીટમેન્ટનો મુદ્દો ઘણા વખતથી એથ્લેટિક્સ જગતમાં ચર્ચાસ્પદ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બોર્ડ મીટિંગ યોજાઈ હતી જેમાં આ નિર્ણય લેવાયો હતો. આગામી વર્ષ 2028ની ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ થયો છે અને એ સંબંધે ક્રિકેટને ઓલિમ્પિક્સની માર્ગરેખા હેઠળ લાવવાના હેતુથી આ નિર્ણયનો સ્વીકાર કરાયો છે.

મહિલા અમ્પાયર્સને પુરુષો જેટલું જ વેતન  

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો, જેમાં મહિલા અમ્પાયર્સને હવેથી પુરુષ અમ્પાયર્સ જેટલું જ મેચ દીઠ વેતન આપવામાં આવશે. આ નવો નિયમ આગામી જાન્યુઆરીથી અમલમાં આવશે અને ક્રિકેટના ઈતિહાસમાં (પુરુષ-મહિલા સમાનતાની બાબતમાં) આ મોટું પરિવર્તન ગણાશે. 

 

ICCની ચીફ એક્ઝિક્યુટિવ કમિટીએ બીજી પણ એક મહત્ત્વની ભલામણ કરી જેમાં એવું કહેવાયું કે ICC વિમેન્સ ચેમ્પિયનશિપની પ્રત્યેક સિરીઝમાં ઓછામાં ઓછો એક ન્યુટ્રલ અમ્પાયર હોવો જોઈએ.

વિકેટ પછી 60 સેકન્ડમાં ઓવર શરૂ કરવી પડશે

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મંગળવારે અમદાવાદમાં તેની ત્રિમાસિક બેઠક યોજી હતી, જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બોલિંગ ટીમને હવે આગામી ઓવર શરૂ કરવા માટે 60 સેકન્ડનો સમય મળશે, જો તેમાં 3 વખત વિલંબ થશે તો બેટિંગ ટીમને 5 રન મળશે. 

 

આ સાથે ICCએ આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનાર અંડર-19 વર્લ્ડ કપની યજમાની પણ શ્રીલંકા પાસેથી છીનવીને દક્ષિણ આફ્રિકાને આપી દીધી છે.

ડેનિયલ મેકગે પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ખેલાડી 

ડેનિયલ મેકગે આંતરરાષ્ટ્રીય મહિલા ટીમ માટે ક્રિકેટ રમનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર ખેલાડી હતા. ત્યાર બાદ તે ICCના નિયમો મુજબ કેનેડા તરફથી ક્રિકેટ રમ્યા હતા. 29 વર્ષીય બેટર ડેનિયલે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું પરંતુ 2020માં કેનેડા શિફ્ટ થયા બાદ તેમણે પોતાનું જેન્ડર ચેન્જ કરાવ્યું હતું.

 

2021માં સફળ સર્જરી પછી, ડેનિયલે સપ્ટેમ્બર 2023માં કેનેડા માટે રમવાની શરૂઆત કરી. અત્યાર સુધી તેમણે 6 T-20માં 95.93ના સ્ટ્રાઈક રેટથી 118 રન બનાવ્યા છે. પરંતુ નવા નિયમોને કારણે તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકશે નહીં.