ICCએ શ્રીલંકા પાસેથી U19 World Cupની યજમાની છીનવી લીધી, જાણો હવે ક્યાં યોજાશે ટૂર્નામેન્ટ

ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું

Courtesy: Image: Twitter

Share:

 

U19 World Cup: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મંગળવારે શ્રીલંકા પાસેથી અંડર-19 વર્લ્ડ કપ (U19 World Cup) 2024ની યજમાની છીનવી લીધી. હવે આ વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં રમાશે. અમદાવાદમાં મળેલી ICC બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકારની દખલગીરીને ધ્યાનમાં રાખીને ICCએ આ નિર્ણય લીધો છે.

 

ICCના જણાવ્યા અનુસાર, શ્રીલંકન બોર્ડમાં ચાલી રહેલી સમસ્યાને કારણે અંડર-19 વર્લ્ડ કપ (U19 World Cup) 2024ની યજમાની દક્ષિણ આફ્રિકાને સોંપવામાં આવી છે. ICCએ શ્રીલંકાના બોર્ડને સસ્પેન્ડ કરવાનો નિર્ણય હજુ પણ જાળવી રાખ્યો છે. 

 

ICCએ 10 નવેમ્બર 2023ના રોજ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું હતું. ICC અનુસાર, સસ્પેન્શનથી શ્રીલંકામાં ક્રિકેટ પર કોઈ અસર નહીં પડે અને ત્યાં ક્રિકેટ ચાલુ રહેશે. 

 

અંડર-19 વર્લ્ડ કપ (U19 World Cup) 2024નું આયોજન આવતા વર્ષે 13 જાન્યુઆરી 2024થી 4 ફેબ્રુઆરી 2024માં થવાનું હતું. આ પહેલા શ્રીલંકાના ખેલ મંત્રીએ વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શનને કારણે સમગ્ર બોર્ડને બરતરફ કરી દીધું હતું. 

ભારતીય ટીમ U19 World Cupની સૌથી સફળ ટીમ છે

ભારતીય ક્રિકેટ ટીમ અંડર-19 વર્લ્ડ કપ (U19 World Cup)ની સૌથી સફળ ટીમ છે. ભારત પાંચ વખત ટાઈટલ જીત્યું છે. મોહમ્મદ કૈફની કપ્તાનીમાં ભારતે પહેલીવાર 2000માં આ ખિતાબ જીત્યો હતો. આ પછી 2008માં વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારત બીજી વખત અંડર-19 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. 

 

2012માં, ઉન્મુક્ત ચંદની કેપ્ટનશીપમાં ભારતે ફરીથી ટાઈટલ જીત્યું. 2018 માં, ભારત પૃથ્વી શૉની કપ્તાની હેઠળ ફરીથી ચેમ્પિયન બન્યું અને 2022માં યશ ધુલની કેપ્ટન્સીમાં આ ટાઈટલ જીત્યું. ટીમ હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે દક્ષિણ આફ્રિકામાં પ્રવેશ કરશે.

 

અંડર-19 વર્લ્ડ કપ (U19 World Cup) 2024માં 16 ટીમો ભાગ લેશે. ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં ગ્રુપ Aમાં વર્તમાન ચેમ્પિયન ભારતની સાથે 2020ની ચેમ્પિયન બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 14 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. આ પછી ટીમ 18 જાન્યુઆરીએ અમેરિકા અને 20 જાન્યુઆરીએ આયર્લેન્ડ સામે ટકરાશે.

શ્રીલંકા 9 મેચમાંથી માત્ર 2 મેચ જ જીતી

વર્લ્ડ કપ 2023માં શ્રીલંકાએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે હતી. શ્રીલંકાએ 9 મેચ રમી માત્ર 2 જીતી હતી. તેને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાએ આ વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. 

 

આ મેચમાં તેને 102 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાને પાકિસ્તાને 6 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાએ નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે જીત મેળવી હતી. આ પછી તેને ભારત સામે 302 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.