Imad Wasim: પાકિસ્તાની ઓલરાઉન્ડરે કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત

ઈમાદ વસીમ પાકિસ્તાન માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ આ વર્ષે એપ્રિલમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો

Courtesy: Twitter

Share:

Imad Wasim: વર્લ્ડ કપ 2023 પછી પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફારો થયા છે. બાબર આઝમે કેપ્ટનશિપ છોડી ત્યાર બાદ નવા મુખ્ય પસંદગીકાર અને કોચની પણ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે હવે પાકિસ્તાની ક્રિકેટમાંથી વધુ એક સમાચાર આવ્યા છે. સતત અવગણના બાદ ટીમના અનુભવી ઓલરાઉન્ડર ઈમાદ વસીમે (Imad Wasim) નિવૃત્તિની જાહેરાત કરી છે.

પાકિસ્તાની સ્ટાર ક્રિકેટર ઈમાદ વસીમે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેણે શુક્રવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના આ નિર્ણયની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, તે ઘણાં સમયથી ટીમની બહાર છે અને તાજેતરમાં સમાપ્ત થયેલા વર્લ્ડ કપથી પણ તેને દૂર રાખવામાં આવ્યો હતો. 


Imad Wasimની નિવૃત્તિની જાહેરાત

34 વર્ષીય ડાબોડી સ્પિન-ઓલરાઉન્ડર ઈમાદ વસીમે શુક્રવારે, 24 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પાકિસ્તાન માટે ODI અને T20 સહિત 121 મેચ રમનારા ઈમાદે એક નિવેદન જારી કરીને પોતાના નિર્ણયની સ્પષ્ટતા કરી હતી. તેણે જણાવ્યું કે, તે છેલ્લા અનેક દિવસોથી આ નિર્ણય વિશે વિચારી રહ્યો હતો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડવાનો આ યોગ્ય સમય છે. તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પ્રશંસકોનો આભાર માન્યો હતો અને પાકિસ્તાન માટે રમીને તેનું સપનું પૂરું થયું હોવાનું જણાવ્યું હતું. 

જો ઈમાદ વસીમ (Imad Wasim)ની કરિયર પર નજર કરીએ તો આ ખેલાડીએ 55 વનડે મેચો સિવાય 66 ટી20 મેચોમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે, ઈમાદ વસીમને ટેસ્ટ ફોર્મેટમાં તક મળી નથી. ઈમાદ વસીમે 55 ODI મેચમાં 44.58ની એવરેજથી 44 વિકેટ લીધી હતી. ODI ફોર્મેટમાં ઈમાદ વસીમની ઈકોનોમી 4.89 હતી. 

આ સિવાય ઈમાદ વસીમે 66 ટી20 મેચોમાં 21.78ની એવરેજ અને 6.27ની ઈકોનોમી સાથે 65 વિપક્ષી બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. ODI અને T20 બંને ફોર્મેટમાં ઈમાદ વસીમના શ્રેષ્ઠ બોલિંગ આંકડા 14 રનમાં 5 વિકેટ હતા.


પરિવર્તનના સમયમાં આશાઓનો અંત આવ્યો

પાકિસ્તાની ટીમના સ્પિન વિભાગની ખરાબ સ્થિતિ બાદ એવી અટકળો ચાલી રહી હતી કે ઈમાદ વર્લ્ડ કપ માટે ટીમમાં વાપસી કરી શકે છે, જે ભારતીય પરિસ્થિતિઓમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જોકે, બાબર આઝમ સાથેના ખરાબ સંબંધોને કારણે તેની અપેક્ષાઓ ઓછી હતી અને આવું જ થયું. હવે બાબર પોતે પાકિસ્તાની ટીમની કેપ્ટનશિપથી અલગ થઈ ગયો છે, પરંતુ નવા ફેરફારો જોઈને ઈમાદે પોતે આ રસ્તામાં ન આવવાનું નક્કી કર્યું અને નવા કોચિંગ સ્ટાફ અને કેપ્ટનને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.


બાબર સાથેના સંબંધોમાં તણાવ

ઈમાદ વસીમ (Imad Wasim) પાકિસ્તાન માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ આ વર્ષે એપ્રિલમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. આ તેની છેલ્લી T20 ઈન્ટરનેશનલ હતી. બાબર સાથેના તેના ખરાબ સંબંધો પણ પાકિસ્તાની ટીમમાંથી તેની રજા પાછળનું એક મોટું કારણ માનવામાં આવે છે.

Tags :