સેન્ચુરિયનમાં સેન્ચુરી: SA સામે મુશ્કેલ પરિસ્થિતિમાં કે એલ રાહુલે ફટકારી શાનદાર સદી

સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતનો દાવ 245 રન પર સમાપ્ત થઈ ગયો છે. ઈનફ્રોમ પ્લેયર કે એલ રાહુલે શાનદાર સદી ફટકારી.

Share:

હાઈલાઇટ્સ

  • રાહુલે 133 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી
  • સેન્ચુરી ફટકાર્યા બાદ રાહુલે વિકેટ ગૂમાવી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયન પાર્કમાં રમાઈ રહી છે. પ્રથમ દાવમાં ભારતીય ટીમની બેટિંગ અત્યાર સુધી સારી રહી નથી. પરંતુ કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. બીજા દિવસે રાહુલે દક્ષિણ આફ્રિકા સામે શાનદાર સદી ફટકારી હતી. કેએલ રાહુલે કારકિર્દીની 17મી સદી ફટકારી હતી. જ્યારે ટેસ્ટમાં તેની 8મી સદી ફટકારી હતી.

સિક્સ ફટકારીને સદી પૂરી કરી
કેએલ રાહુલે 133 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જ્યારે તે 95 રન પર રમી રહ્યો હતો ત્યારે તેણે ગેરાલ્ડ કોએત્ઝીની બોલ પર જબરદસ્ત સિક્સ ફટકારી અને તેની સદી પૂરી કરી. જો કે રાહુલ તેની ઇનિંગ્સને વધુ સમય સુધી લઈ શક્યો નહોતો. તેણે 101 રનમાં પોતાની વિકેટ આપી હતી. આ દરમિયાન તેણે 137 બોલનો સામનો કર્યો હતો. 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. રાહુલની સદીના આધારે ભારતે 245 રન બનાવ્યા હતા. હવે દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવ માટે મેદાનમાં ઉતરશે.

ઈન્ડિયા 245 રન પર ઓલઆઉટ
રાહુલની વિકેટ પડતાની સાથે જ ભારતે તેની 10મી વિકેટ ગુમાવી હતી. આ સાથે ભારતીય ટીમનો પ્રથમ દાવ પણ સમાપ્ત થઈ ગયો. ભારતે પ્રથમ દાવમાં 67.4 ઓવર રમી હતી. કેએલ રાહુલ સિવાય કોઈપણ બેટ્સમેનના બેટમાંથી સારી ઈનિંગ જોવા મળી નથી. પ્રથમ દિવસે મોટાભાગના બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા. કેપ્ટન રોહિત શર્મા 5 રન બનાવીને આઉટ થયો હતો. કોહલી સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. પરંતુ 38 રન પર વિકેટ છોડી દીધી હતી. આ સિવાય શ્રેયસ અય્યરના બેટમાંથી માત્ર 31 રન આવ્યા હતા. જયસ્વાલ 17 રન અને ગિલ 2 રન બનાવીને આઉટ થયા હતા.

એક દિવસ એવો હતો જ્યારે કેએલ રાહુલનું બેટ ફોર્મમાં નહોતું. ચાહકો ગુસ્સે હતા અને કેએલ રાહુલને કોઈપણ સ્વરૂપે સહન કરવા તૈયાર ન હતા. દરેક વ્યક્તિ તેની ટીમમાંથી હકાલપટ્ટીની માંગ કરી રહી હતી. એશિયા કપ પહેલા જ્યારે કેએલ રાહુલ ઈજામાંથી પરત ફર્યો ત્યારે બધા સવાલો ઉઠાવી રહ્યા હતા, પરંતુ આ શેર દિલ ખેલાડીએ એક પછી એક મોટી ઇનિંગ્સ રમીને બધાને જડબાતોડ જવાબ આપ્યો. હવે કેએલ રાહુલે દક્ષિણ આફ્રિકા સામે બોક્સિંગ ડે ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. તેની ઇનિંગ્સના આધારે ભારતે પ્રથમ ઇનિંગમાં 245 રન બનાવ્યા.