IND vs SA 2nd Test: સિરાજની સામે આફ્રિકન બેટ્સમેનો ઘૂંટણિયે, 55 રન પર ઓલઆઉટ થઈ ટીમ

ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર 55 રન પર જ સમેટાઈ ગયો હતો. આફ્રિકાના બેટ્સમેનો એક સેશન પણ ના ટકી શક્યા.

Share:

ભારત સામેની બીજી ટેસ્ટમાં ટોસ જીત્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય દક્ષિણ આફ્રિકા માટે અત્યાર સુધી ઘાતક સાબિત થયો છે. સેન્ચુરિયનમાં સરેન્ડર કરનારી ભારતીય ટીમે કેપટાઉન ટેસ્ટમાં શાનદાર વાપસી કરી છે. પોતાની છેલ્લી ટેસ્ટની કેપ્ટનશીપ કરી રહેલા ડીન એલ્ગરે બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ રોહિત શર્માની કેપ્ટન્સીમાં મોહમ્મદ સિરાજે અદ્ભુત બોલિંગ કરી અને યજમાન ટીમને એક પછી એક છ ઝટકા આપ્યા. તેણે 15 રનમાં 6 વિકેટ ઝડપી હતી. આમ દક્ષિણ આફ્રિકાની ટીમ તમામ વિકેટ ગુમાવીને 55 રન જ બનાવી શકી હતી. જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારે 2-2 વિકેટ લીધી હતી.

સિરાજે પ્રથમ સેશનમાં 6 વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો
સિરાજે સૌથી પહેલા એઈડન માર્કરામ (2)ને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી વિકેટોનો લાઈન લાગી ગઈ. મિયાં ભાઈની કિલર બોલિંગ સામે કેપ્ટન ડીન એલ્ગર (2), ટોની ડી જ્યોર્જી (2), ડેવિડ બેડિંગહામ (12), માર્કો યેનેસન (0) પર આઉટ થયા. આ પછી કાયલ વોરેન છઠ્ઠો શિકાર બન્યો. તે 15 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે સિરાજ ભારત માટે પ્રથમ સેશનમાં 6 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે.

સિરાજની પ્રથમ વિકેટ, 3.2 ઓવર
સિરાજની આઉટસ્વિંગર પર માર્કરમે શોટ મારવાનો પ્રયાસ કર્યો. યશસ્વી જયસ્વાલે સ્લિપમાં ડાઇવ કરીને શાનદાર કેચ લીધો હતો.

સિરાજની બીજી વિકેટ, 5.3 ઓવર
સિરાજનો 134 kmphની શોર્ટ લેન્થ બોલ ઓફ સ્ટમ્પની બહાર હતો, એલ્ગરે શોટ માર્યો પરંતુ ઈનસાઈડ એજ બાદ બોલ સ્ટમ્પમાં ઘૂસી ગયો.

સિરાજની ત્રીજી વિકેટ, 9.2 ઓવર
સિરાજનો બોલ નીચે રહ્યો. ડી જ્યોર્જી તે બોલ પર આગળ શોટ મારવા માંગતો હતો, પરંતુ બોલ બેટને અડીને કેએલ રાહુલ સુધી પહોંચ્યો હતો.

સિરાજની ચોથી વિકેટ, 15.2 ઓવર
બેડિંગહામ સિરાજનો ચોથો શિકાર બન્યો હતો. અહીં પણ યશસ્વી જયસ્વાલે શાનદાર કેચ લીધો હતો.

સિરાજની 5મી વિકેટ, 15.5 ઓવર
માર્કો જોનસન સિરાજનો 5મો શિકાર બન્યો હતો. વિકેટની પાછળ કે એલ રાહુલે શાનદાર કેચ પકડ્યો.

સિરાજની છઠ્ઠી વિકેટ, 17.5 ઓવર
ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર સિરાજે વિરેનને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે 30 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો.