એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ, વડાપ્રધાન મોદીએ મેડલ્સની સેન્ચ્યુરીને લઈ પાઠવી શુભેચ્છા

એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન સાથે ભારતે પ્રથમ વખત મેડલ્સની સેન્ચ્યુરી પોતાના નામે કરી છે. એશિયન ગેમ્સમાં ભારતને 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ તમામ ખેલાડીઓને મેડલ્સની સેન્ચ્યુરી હાંસલ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.  એશિયન ગેમ્સમાં ભારતની સેન્ચુરીથી અનેરો ઉત્સાહ આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) […]

Share:

એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન સાથે ભારતે પ્રથમ વખત મેડલ્સની સેન્ચ્યુરી પોતાના નામે કરી છે. એશિયન ગેમ્સમાં ભારતને 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ તમામ ખેલાડીઓને મેડલ્સની સેન્ચ્યુરી હાંસલ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. 

એશિયન ગેમ્સમાં ભારતની સેન્ચુરીથી અનેરો ઉત્સાહ

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, એશિયન ગેમ્સમાં ભારત માટે આ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. દરેક ભારતવાસી આ વાતથી રોમાંચ અનુભવી રહ્યો છે કે, આપણે 100 મેડલ્સની ઉપલબ્ધિ સુધી પહોંચી ગયા છીએ.

વડાપ્રધાન મોદીએ ખેલાડીઓની પ્રશંસા કરતા લખ્યું હતું કે, “હું આપણાં ખેલાડીઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું જેમના પ્રયત્નોથી ભારતને આ ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે.” વધુમાં વડાપ્રધાન મોદીએ આ શાનદાર પ્રદર્શનથી ઈતિહાસ રચાવાની સાથે જ આપણાં હૃદય ગર્વથી છલકાઈ ઉઠ્યા હોવાનું જણાવ્યું હતું.

10 ઓક્ટોબરે ખેલાડીઓ સાથે મુલાકાત

વડાપ્રધાન મોદીએ પોતે આગામી 10 ઓક્ટોબરના રોજ એશિયન ગેમ્સમાં ગયેલા તમામ ખેલાડીઓને મળશે તેમ પણ જણાવ્યું હતું. આ સાથે જ વડાપ્રધાન મોદીએ પોતે ખેલાડીઓ સાથે વાતચીત કરવા માટે ઉત્સુક હોવાનું જણાવ્યું હતું. 

શનિવારે ભારતને કબડ્ડીમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. મહિલા કબડ્ડી ટીમે ભારતને 100મો મેડલ અપાવ્યો હતો. આ સાથે જ ભારતે એશિયન ગેમ્સમાં મેડલ્સની સેન્ચ્યુરી હાંસલ કરી છે. અગાઉ ભારતે કદી એશિયન ગેમ્સમાં 100 મેડલ નથી મેળવ્યા. ત્યારે છેલ્લા 72 વર્ષમાં પ્રથમ વખત ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે. 

ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં મેડલ્સની સેન્ચ્યુરી જીતીને ઈતિહાસ સર્જ્યો છે. ટીમ ઈન્ડિયાએ કુલ 25 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ માટે ખેલાડીઓએ શનિવારે સવારે તીરંદાજીમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા જ્યારે ભારતીય મહિલા કબડ્ડી ટીમે ત્રીજો મેડલ મેળવ્યો હતો. ગત વર્ષે જકાર્તામાં તેણે સિલ્વર મેડલ મેળવ્યો હતો. 

ફાઈનલ મુકાબલામાં ચીની તાઈપેએ ખૂબ આકરો પડકાર આપ્યો હતો પરંતુ ભારત એક પોઈન્ટથી બાજી મારવામાં સફળ રહ્યું હતું. ભારત હાલ મેડલ ટેલીમાં ચોથા નંબરે છે. આ યાદીમાં ચીન પ્રથમ ક્રમે છે અને ચીને 356 મેડલ જીતેલા છે. 

આર્ચરીમાં ગોલ્ડની હેટ્રિક

ભારતની અનુભવી કમ્પાઉન્ડ તીરંદાજ જ્યોતિ સુરેખા વેન્નમ અને ઓજસ દેવતાલેએ ગોલ્ડ મેડલની હેટ્રિક લગાવી જ્યારે અદિતિ સ્વામીને બ્રોન્ઝ મેડલ મળ્યો અને આ સાથે જ ભારતીય તીરંદાજોએ એશિયન ગેમ્સમાં રેકોર્ડ સમાન 9 મેડલ પોતાની ઝોળીમાં ભરી લીધા છે.

અગાઉ ઈન્ચિયોનમાં 2014માં રમાયેલી રમતોમાં ભારતે 3 મેડલ મેળવ્યા હતા. વર્તમાન વિશ્વ ચેમ્પિયન અદિતિ સ્વામીએ બ્રોન્ઝના એકતરફી પ્લેઓફ મુકાબલામાં ઈન્ડોનેશિયાની રાતિહ જિલિજાતી એફને હરાવી હતી.