IND vs SA 2nd Test: કેપટાઉનમાં ટેસ્ટ હિસ્ટ્રીની સૌથી ટૂંકી મેચ, આફ્રિકાને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ કેપટાઉનના મેદાન પર ઈતિહાસ રચ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહે આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી
  • ભારતે પોતાની આક્રમક રમતના આધારે 79 રનનો ટાર્ગેટ સરળતાથી યેઝ કર્યો

કેપટાઉનઃ ભારતીય ટીમે એ કરી બતાવ્યું જે આજ સુધી કોઈ એશિયન ટીમ નથી કરી શકી. કેપટાઉનમાં ટેસ્ટ મેચ જીતનારી પ્રથમ ટીમ બનવાની સાથે જ રોહિત શર્મા પણ પ્રથમ કેપ્ટન બન્યો છે જેણે આ કારનામું કરી બતાવ્યું છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાને 55 રનમાં જ્યારે બીજી ઇનિંગમાં 176 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. પહેલી ઈનિંગમાં મોહમ્મદ સિરાજે તો બીજી ઈનિંગમાં જસપ્રિત બુમરાહે 6-6 વિકેટ ઝડપી હતી અને ભારતને 79 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે સરળતાથી હાંસલ કરીને ઈન્ડિયાએ ઈતિહાસ રચી દીધો છે. અગાઉ આ મેદાન પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 ટેસ્ટ રમાઈ હતી, જેમાં ભારત 4માં હારી ગયું હતું.

7 વિકેટથી મેચ જીતી, કેપટાઉનનું ઘમંડ તૂટ્યું
નાના લક્ષ્યનો પીછો કરતા યુવા યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયાને ઝડપી શરૂઆત અપાવી હતી. તેણે પહેલા જ બોલ પર કાગિસો રબાડાના બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમનું ખાતું ખોલાવ્યું હતું, જ્યારે રોહિત શર્મા સિંગલ સાથે સ્ટ્રાઇક રોટેટ કરતો જોવા મળ્યો હતો. જોકે છઠ્ઠી ઓવરમાં ભારતને પહેલો ફટકો યશસ્વીના રૂપમાં લાગ્યો હતો. તે 28 રન બનાવીને બર્ગરનો શિકાર બન્યો હતો. આ પછી શુભમન ગિલ પણ માત્ર 10 રન બનાવીને જતો રહ્યો હતો. આ દરમિયાન ભારતે 8મી ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. કોહલી 12 રન પર પાછો ફર્યો, જો કે અહીંથી રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે જવાબદારી સંભાળી અને ભારતને જીત તરફ દોરી. આ સાથે રોહિત શર્મા એમએસ ધોની પછી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો છે.

જસપ્રીત બુમરાહનું ફર્સ્ટ સેશન સફળ રહ્યું
અગાઉ, દક્ષિણ આફ્રિકાના ઓપનર એડન માર્કરમે તેની કારકિર્દીની સૌથી શાનદાર સદી ફટકારી હતી, પરંતુ ઝડપી બોલર જસપ્રિત બુમરાહે કરિશ્માઈ સ્પેલથી યજમાનોની હાલત ખરાબ કરી દીધી હતી. માર્કરમે માત્ર 103 બોલમાં 106 રન બનાવ્યા હતા, તેમ છતાં દક્ષિણ આફ્રિકાએ લંચ પહેલા બીજા દાવમાં 36.5 ઓવરમાં 176 રનમાં ઓલઆઉટ થઈને ભારતને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

દક્ષિણ આફ્રિકાની હાલત બગડી
બુમરાહે 'બેક ઓફ લેન્થ'ને બદલે પરંપરાગત ફુલ લેન્થ બોલ ફેંક્યો અને 13.5 ઓવરમાં 61 રન આપીને છ વિકેટ લીધી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 9મી વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. દક્ષિણ આફ્રિકાએ સવારની શરૂઆત ત્રણ વિકેટે 62 રનથી કરી હતી, જ્યારે માર્કરમ 36 રન પર રમી રહ્યો હતો. પરંતુ ટૂંક સમયમાં જ ડેવિડ બેડિંગહામ (11 રન) સ્ટમ્પની પાછળ કેચ થઈ ગયો અને કાયલ વિરેન (9 રન) લેન્થ બોલ પર બિનજરૂરી પુલ શોટ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.