IND vs SA: અર્શદીપ-આવેશના તોફાનમાં ઉડ્યું આફ્રિકા, ડેબ્યૂ મેચમાં જ છવાયો સાઈ સુદર્શન

ભારતીય ટીમે ઝડપી બોલરોના જોરદાર પ્રદર્શનના આધારે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • ભારતે વનડે શ્રેણીની પહેલી મેચમાં આફ્રિકાને હરાવ્યું
  • અર્શદીપ સિંહે 5 જ્યારે આવેશ ખાને 4 વિકેટ ઝડપી

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી છે. જોહાનિસબર્ગમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને અવેશ ખાનના પ્રદર્શનના કારણે ભારતે 8 વિકેટે જીત મેળવી હતી. દક્ષિણ આફ્રિકાનો દાવ 28મી ઓવરમાં માત્ર 116 રનમાં સમેટાઈ ગયો હતો. રૂતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યરની વિકેટ ગુમાવીને ભારતે 17મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા સાઈ સુદર્શને અડધી સદી ફટકારી હતી. આ જીત સાથે કેએલ રાહુલની ટીમ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે.

અર્શદીપ અને આવેશે લીધી વિકેટ
અર્શદીપે તેની 10 ઓવરના ક્વોટામાં 37 રન આપીને પાંચ વિકેટ લીધી હતી જ્યારે આવેશે આઠ ઓવરમાં 27 રન આપીને ચાર વિકેટ લીધી હતી. અર્શદીપે વનડેમાં પ્રથમ વખત 5 વિકેટ લીધી છે. આ પહેલા ત્રણ વનડેમાં તેના નામે એક પણ વિકેટ નહોતી. એક સફળતા કુલદીપ યાદવ (ત્રણ રનમાં એક વિકેટ)ને મળી. દક્ષિણ આફ્રિકા તરફથી એન્ડીલે ફેહલુકવાયોએ 33 રન અને ઓપનર ટોની ડી જોર્જીએ 28 રનનું યોગદાન આપ્યું હતું. મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં પણ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો યુવા ભારતીય ઝડપી બોલરો સામે અસ્વસ્થ દેખાતા હતા.

ઇનિંગ્સની બીજી ઓવરમાં ખાતું ખોલાવ્યા વિના હેન્ડ્રીક્સ અને રાસી વાન ડેર ડ્યુસેનને આઉટ કર્યા બાદ અર્શદીપે પાવરપ્લેમાં ચાર વિકેટ લીધી હતી. જેમાં આક્રમક બેટ્સમેન ટોની ડી જોર્જી (28) અને હેનરિક ક્લાસેન (06)ની વિકેટ પણ સામેલ છે. જોરજીએ 22 બોલની ઈનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

ડેબ્યૂ મેચમાં છવાયો સુદર્શન
મેચમાં ભારતની શરૂઆત ખાસ રહી ન હતી. રૂતુરાજ ગાયકવાડ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી નવોદિત સાઈ સુદર્શન ક્રિઝ પર જ રહ્યો. ત્રીજા નંબરે આવેલા શ્રેયસ અય્યરે તેને સપોર્ટ કર્યો હતો. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. અય્યર અને સુદર્શન વચ્ચે બીજી વિકેટ માટે 88 રનની ભાગીદારી થઈ હતી. અય્યર 45 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સાંઈ સુદર્શ તિલક વર્મા સાથે મળીને સ્કોરબોર્ડ આગળ લઈ ગયો. સાઈ સુદર્શને 43 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 55 રનની અણનમ ઈનિંગ રમી હતી.

સાઈ સુદર્શન ડેબ્યૂ ODIમાં ભારત માટે અડધી સદી ફટકારનાર 17મો ખેલાડી છે. હાલમાં માત્ર એક ભારતીય (કેએલ રાહુલ)એ પોતાની ડેબ્યૂ વનડેમાં સદી ફટકારી છે. તામિલનાડુ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર 22 વર્ષીય સાઈ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર 400મો ખેલાડી પણ છે.