એશિયન ગેમ્સમાં ભારતીય મેન્સ હોકી ટીમે જાપાનને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો 

એશિયન ગેમ્સ 2023માં ભારતીય મેન્સ હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય મેન્સ હોકી ટીમે ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય મેન્સ હોકી ટીમે જાપાનને 5-1થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય મેન્સ હોકી ટીમે નવ વર્ષ બાદ એશિયન ગેમ્સમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. છેલ્લી વખત ભારતે 2014ની ઈંચિયોન એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો […]

Share:

એશિયન ગેમ્સ 2023માં ભારતીય મેન્સ હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય મેન્સ હોકી ટીમે ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય મેન્સ હોકી ટીમે જાપાનને 5-1થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય મેન્સ હોકી ટીમે નવ વર્ષ બાદ એશિયન ગેમ્સમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. છેલ્લી વખત ભારતે 2014ની ઈંચિયોન એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ટોક્યો ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતે જાપાન સામેની ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમોએ ડિફેન્સિવ રમત દાખવી હતી. ભારતને 15મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ અમિત રોહિદાસેની ફ્લિક સીધી જાપાનના ગોલકીપર પાસે ગઈ હતી. 

બીજા ક્વાર્ટરમાં ભારતે પ્રથમ ગોલ કર્યો

બીજા ક્વાર્ટરમાં ભારતે આક્રમક વલણ અપનાવ્યું હતું અને પ્રથમ ગોલ બીજા ક્વાર્ટરમાં કર્યો હતો. જેમાં મનપ્રીત સિંહે 25મી મિનિટે કર્યો હતો. ભારત માટે સર્વોચ્ચ ગોલસ્કોરર હરમનપ્રીત સિંહ હતો, જેણે અનુક્રમે 32મી અને 59મી મિનિટમાં બે પેનલ્ટી કોર્નરને સફળતાપૂર્વક ગોલમા રૂપાંતરિત કર્યા હતા. આ પછી, ભારતે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં બે-બે ગોલ કર્યા હતા. બીજો ગોલ અમિત રોહિદાસે પેનલ્ટી કોર્નર દ્વારા 36મી મિનિટે કર્યો હતો, જ્યારે અભિષેકે 48મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો.

જાપાન માટે, એકમાત્ર ગોલ 51મી મિનિટે સેરેન તનાકાએ કર્યો હતો, જેણે પેનલ્ટી કોર્નરનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો.

આ ગોલ્ડ મેડલ જીતી ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય થઈ

ભારતની આ જીત ચોથી વખત છે જ્યારે ભારતીય મેન્સ હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. છેલ્લી જીત 2014 માં ઈંચિયોન એડિશનમાં મળી હતી અને અગાઉની બે જીત 1966 અને 1998 માં બેંગકોકમાં બંને વખત નોંધવામાં આવી હતી. આ જીત સાથે જ ભારતીય મેન્સ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાનું સ્થાન નિશ્ચત કરી લીધું છે.

ચીનમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રથમ મેચથી જ શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એશિયન ગેમ્સમાં ભારતીય મેન્સ હોકી ટીમનો ટુર્નામેન્ટમાં કેટલો દબદબો છે તેનો અંદાજ સ્કોરકાર્ડ પરથી લગાવી શકાય છે. પ્રથમ મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને 16-0ના મોટા અંતરથી હરાવ્યું હતું. આ પછી સિંગાપોરને 16-1 અને બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું હતું. ભારતે ગ્રુપ રાઉન્ડમાં જ જાપાનને 4-2 અને પાકિસ્તાનને 10-2થી હરાવ્યું હતું. ત્યારબાદ ફાઈનલમાં જાપાનને 5-1થી હરાવ્યું હતું.

હાલમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં, ભારતે અત્યાર સુધીમાં 22 ગોલ્ડ, 32 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મેડલની કુલ સંખ્યા 87 છે. અત્યાર સુધી મેળવેલા મેડલના સંદર્ભમાં દેશ ચોથા સ્થાને છે. ભારતથી આગળ ચીન (333 મેડલ), જાપાન (158 મેડલ) અને દક્ષિણ કોરિયા (157 મેડલ) છે.