એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા હોકી ટીમ હાંગઝાઉ જવા રવાના, જાણો તેમનો કાર્યક્રમ

આગામી તારીખ 23 સપ્ટેમ્બરના રોજથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા હોકી ટીમ મંગળવારે રાતે હાંગઝાઉ માટે રવાના થઈ હતી. ભારતીય મહિલા હોકી ટીમ 19મી એશિયન ગેમ્સ માટે મંગળવારે રાતે બેંગલુરૂ ખાતેના વિમાન મથકેથી હાંગઝાઉ માટે રવાના થઈ હતી. હાંગઝાઉ માટે રવાના થતા પહેલા ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતાએ તેમની ટીમ એશિયન […]

Share:

આગામી તારીખ 23 સપ્ટેમ્બરના રોજથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા હોકી ટીમ મંગળવારે રાતે હાંગઝાઉ માટે રવાના થઈ હતી. ભારતીય મહિલા હોકી ટીમ 19મી એશિયન ગેમ્સ માટે મંગળવારે રાતે બેંગલુરૂ ખાતેના વિમાન મથકેથી હાંગઝાઉ માટે રવાના થઈ હતી. હાંગઝાઉ માટે રવાના થતા પહેલા ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતાએ તેમની ટીમ એશિયન ગેમ્સમાં સારૂં પ્રદર્શન કરીને આગામી વર્ષે પેરિસ ખાતે યોજાનારી ઓલમ્પિક માટે ક્વોલિફાઈ થવા ઈચ્છે છે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. 

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમ પૂલ Aમાં સામેલ

ભારતને પૂલ ‘એ’માં કોરિયા, મલેશિયા, હોંગકોંગ અને સિંગાપુર સાથે રાખવામાં આવ્યું છે અને તે 27મી સપ્ટેમ્બરથી સિંગાપુર સામે મેદાનમાં ઉતરીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. જ્યારે જાપાન, ચીન, થાઈલેન્ડ, કઝાકિસ્તાન અને ઈન્ડોનેશિયાને પૂલ ‘બી’માં રાખવામાં આવ્યા છે. પ્રત્યેક પૂલની ટોચની બે ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે. 

ભારતીય મહિલા હોકી ટીમનું નેતૃત્વ ફરી એક વખત કેપ્ટન સવિતા સંભાળશે અને દીપ ગ્રેસ એક્કા તેમની ડેપ્યુટી બનશે. ભારતીય મહિલા હોકી ટીમ રવાના થઈ તે પહેલા કેપ્ટન સવિતાએ ટુર્નામેન્ટને લઈ તેમની ટીમની આકાંક્ષાઓ અંગે વાત કરી હતી.  

ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતાએ જણાવ્યું હતું કે, “અમે રાષ્ટ્રીય શિબિરમાં ઘણો સમય વિતાવ્યો જ્યાં અમે એ તમામ ક્ષેત્રો પર કામ કર્યું જ્યાં આપણે સુધારો લાવવાની જરૂર છે. અમે અમારી તાકાત પ્રમાણે અમારી રણનીતિઓ તૈયાર કરી છે. અમને પૂરી આશા છે કે આ એક સારી ટુર્નામેન્ટ બની રહેશે. અમારૂં લક્ષ્ય 2024 પેરિસ ઓલમ્પિક માટે ક્વોલિફાય થવાનું છે માટે અમે આ ટુર્નામેન્ટના મહત્વથી અવગત છીએ.”

ભારતીય મહિલા હોકી ટીમનો કાર્યક્રમ

– 27મી સપ્ટેમ્બરે ભારત વર્સિસ સિંગાપુર, ભારતીય સમયાનુસાર 10:15 કલાકે

– 29મી સપ્ટેમ્બરે મલેશિયા વર્સિસ ભારત, ભારતીય સમયાનુસાર 4 વાગ્યે

– 1 ઓક્ટોબરના રોજ કોરિયા વર્સિસ ભારત, ભારતીય સમયાનુસાર 1:30 વાગ્યે

– 3 ઓક્ટોબરના રોજ ભારત વર્સિસ હોંગકોંગ ચીન, ભારતીય સમયાનુસાર 7:45 કલાકેઆ વખતે ચીનના 

હાંગઝાઉ ખાતે એશિયન ગેમ્સ યોજાઈ રહી છે. આશરે 15 દિવસ સુધી ચાલનારી આ ઈવેન્ટમાં ભારત ઈતિહાસ રચવા પર નજર રાખી રહ્યું છે. આ વખતે ખેલાડીઓની સૌથી મોટી ટુકડી ભારતમાંથી જઈ રહી છે માટે વધારે મેડલની આશા છે. ચીનના હાંગઝાઉ શહેરમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતના 600થી પણ વધારે ખેલાડીઓ ભાગ લેશે. 

23મી સપ્ટેમ્બરથી 8મી ઓક્ટોબર સુધી ચાલનારી એશિયન ગેમ્સ ઈવેન્ટમાં ભારતના ખેલાડીઓ 40 અલગ અલગ રમતોમાં ભાગ લેશે. આ વખતે ભારતની સૌથી મોટી ટીમ એથલેટિક્સની છે જેમાં આશરે 68 ખેલાડીઓ સામેલ છે.