એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો સિલ્વર મેડલ નિશ્ચિત

એશિયન ગેમ્સ 2023 ના સેમિફાઈનલ મુકાબલામાં, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવીને સફળતા મેળવી છે. આ શાનદાર જીત સાથે ભારતે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સિલ્વર મેડલ જીતવાની ખાતરી આપી છે અને હવે ફાઈનલમાં સિલ્વર મેડલને ગોલ્ડ મેડલમાં બદલવાનો પ્રયાસ કરશે. બાંગ્લાદેશની મહિલા ટીમ માત્ર 51 રનમાં સમેટાઈ ગઈ હતી […]

Share:

એશિયન ગેમ્સ 2023 ના સેમિફાઈનલ મુકાબલામાં, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવીને સફળતા મેળવી છે. આ શાનદાર જીત સાથે ભારતે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સિલ્વર મેડલ જીતવાની ખાતરી આપી છે અને હવે ફાઈનલમાં સિલ્વર મેડલને ગોલ્ડ મેડલમાં બદલવાનો પ્રયાસ કરશે. બાંગ્લાદેશની મહિલા ટીમ માત્ર 51 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતને જીતવા માટે માત્ર 52 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે માત્ર 8.2 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરીને શાનદાર જીત મેળવી હતી.

સેમી ફાઈનલમાં પૂજાએ રંગ રાખ્યો

ભારતની ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકરે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું, જેણે માત્ર 17 રનમાં 4 વિકેટ લીધી. તિતાસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ, અમનજોત કૌર અને દેવિકા વૈદ્યએ એક-એક વિકેટ લઈને બાંગ્લાદેશની ટીમને માત્ર 51 રનમાં જ આઉટ કરી દીધી હતી. ભારત સામે WT20I મેચોમાં આ બાંગ્લાદેશનો સૌથી ઓછો સ્કોર હતો. ભારતે ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની વિકેટ ગુમાવવા છતાં ફાઈનલમાં પ્રવેશવા માટે લક્ષ્યાંકને 8.2 ઓવરમાં હાંસલ કર્યો.

ભારતની બોલિંગ એટલી શાનદાર હતી કે બાંગ્લાદેશની ઈનિંગ્સમાં માત્ર 4 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી. બાંગ્લાદેશની કેપ્ટન નિગારે માત્ર 12 રન બનાવ્યા. નદીહાએ 9 રનની ઈનિંગ રમી હતી. પાવરપ્લેના અંત સુધીમાં બાંગ્લાદેશે 21 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પૂજા વસ્ત્રાકર ઉપરાંત તિતાસ સંધુએ ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી હતી. તિતાસ સંધુએ ચાર ઓવરમાં માત્ર 10 રન આપ્યા અને એક વિકેટ લેવામાં સફળ રહી. રાજશ્રી ગાયકવાડે 3.5 ઓવરમાં 8 રન આપીને એક વિકેટ મેળવી હતી. 

ભારતે 3.5 ઓવરમાં કેપ્ટન સ્મૃતિ મંધાનાની વિકેટ ગુમાવી દીધી હતી. સ્મૃતિ મંધાના 12 બોલમાં માત્ર 7 રન બનાવી શકી હતી. જો કે, આ પછી શેફાલી વર્માએ જેમિમા સાથે ભાગીદારી કરી પરંતુ શેફાલી વર્મા 17 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જો કે, 20 રનની ઈનિંગ રમીને જેમિમાએ ભારતનું સ્થાન ફાઈનલમાં સુનિશ્ચિત કર્યું.  

ટીમ પાસેથી હવે ગોલ્ડ મેડલની આશા

ભારતે મલેશિયા સામેની છેલ્લી મેચમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું તે પહેલા વરસાદે મેચમાં વિક્ષેપ પાડયો હતો. જેમાં T20 મેચને 15 ઓવરની કરી દેવામાં આવી હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે બીજી ઈનિંગમાં માત્ર બે જ બોલ રમી શકાયા હતા. અંતે, ભારતે તેની નિર્ધારિત 15 ઓવરમાં 173/2 નો શાનદાર સ્કોર બનાવ્યો હતો, ભારતને તેના શ્રેષ્ઠ રેન્કિંગને કારણે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. 

હવે એશિયન ગેમ્સમાં ક્રિકેટના દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. હવે ફાઈનલમાં ગોલ્ડ મેડલ માટે ભારતનો મુકાબલો પાકિસ્તાન અથવા શ્રીલંકા સાથે થશે.