IPL 2024: આ સિઝનમાં 3 ટીમોના કેપ્ટન બદલાશે, કોના હાથમાં હશે કમાન?

IPL 2024: આ વખતે આઈપીએલમાં દિગ્ગજ ખેલાડીઓ તરીકે કેપ્ટનની વાપસી થઈ શકે છે. ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં ગયો પછી શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો હતો. દિલ્હી અને કોલકત્તાની ટીમના કેપ્ટનમાં પણ ફેરફાર થઈ શકે છે.

Share:

હાઈલાઇટ્સ

  • આ સિઝનમાં ત્રણ ટીમોમાં થઈ શકે મોટો ફેરફાર
  • દિગ્ગજ ખેલાડીઓને કેપ્ટન તરીકે તક મળી શકે છે
  • દિલ્હી અને કોલકત્તાની ટીમમાં પણ ફેરફાર શક્ય

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની આ સિઝનમાં અનેક ટીમોમાં પ્લેયર્સમાં ફેરફાર જોવા મળશે. એટલું જ નહીં કેટલીક ટીમોના કેપ્ટન પણ બદલાશે. ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાલ શુભમન ગિલ છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયનમાં જતા રહેતા શુભમન ગિલ પહેલીવાર કેપ્ટનશી સંભાળશે. કોલક્તા નાઈટ રાઈડર્સ ટીમમાં કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરની વાપસી થઈ શકે છે. જ્યારે દિલ્હી કેપિટલ ટીમની કમાન ઋષભ પંત ફરીથી સંભાળી શકે છે. 

મોટા ફેરફાર શક્ય 
આમ તો કેકેઆરે પોતાની ટીમમાં સૌથી મોટા ફેરફાર તરીકે મેંટર તરીકે ગૌતમ ગંભીરને ફરીથી પાછા બોલાવ્યા છે. ગંભીરના નેતૃત્વમાં જ કેકેઆરની ટીમ બે વાર 2012 અને 2014માં ચેમ્પિયન બની હતી. આ વખતે કોલકત્તા નાઈટ રાઈડરની ટીમમાં કેપ્ટન તરીકે ફરીથી શ્રેયસ ઐયરની વાપસી થઈ શકે છે. ગઈ વખતની સિઝનમાં તે ફિટ નહોતો. એ સમયે નીતિશ રાણાએ કેપ્ટનશી સંભાળી હતી. કેકેઆરની ટીમે આઈપીએલ 2023ની સિઝનમાં 14માંથી 6 મેચોમાં જીત મેળવી હતી. આ રીતે તે સાતમા નંબરે રહી હતી. 

કંગાળ પ્રદર્શન 
બીજી તરફ, ગઈ સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ખૂબ જ કંગાળ રહ્યું હતું. દિલ્હીએ 14માંથી માત્ર 5 જ મેચ જીતી હતી. પોઈન્ટ ટેબલમાં તે 10માંથી 9ના નંબરે રહી હતી. 2023માં દિલ્હી કેપિટલ્સની ટીમની કેપ્ટનસી ઋષભ પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નરે સંભાળી હતી. ઋષભ પંતને રોડ એક્સીડન્ટ નડતા તે આ સિઝન રમી શક્યો નહોતો. 

શુભમન ગિલનું જોરદાર પ્રદર્શન 
આઈપીએલ 2023માં શુભમન ગિલ સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન હતો. તેણે ઓરેન્જ કેપ જીતી હતી. ગિલે 17 મેચોમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા હતા. 24 વર્ષીય શુભમન ગિલે 2018માં કોલકત્તા નાઈટ રાઈડર્સ ટીમ માટે ડેબ્યૂ કર્યુ હતુ. ગિલ આઈપીએલના કરિયરમાં અત્યાર સુધીમાં 91 મેચ રમી ચૂક્યો છે. તેનો હાઈએસ્ટ આઈપીએલ સ્કોર 129 રન છે.