Mohammed Shami: ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ ડ્રેસિંગ રૂમમાં વડાપ્રધાનના આગમનથી આત્મવિશ્વાસ વધ્યો

શમીએ કહ્યું, ક્યારેક એકાદ દિવસ ખરાબ આવી જાય છે અને અમારા માટે તે ફાઈનલનો દિવસ હતો

Courtesy: Image: Twitter

Share:

 

Mohammed Shami: વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર બાદ દેશભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે નિરાશા વ્યાપી છે. ત્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)એ એક ઈન્ટરવ્યુ દરમિયાન મહત્વની વાત કરી હતી. 

 

સતત 10 મેચ જીતીને ફાઈનલ સુધી પહોંચેલી ટીમ ઈન્ડિયાએ દેશવાસીઓની અપેક્ષા ખૂબ જ વધારી દીધી હતી અને ત્યાર બાદ મળેલી હારથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ ખૂબ દુઃખી થઈ ગયા હતા. 

Mohammed Shamiએ કરી વડાપ્રધાનની પ્રશંસા

પોતાના વતન અમરોહા ખાતે એક ઈન્ટરવ્યુ દરમિયાન મોહમ્મદ શમીએ વડાપ્રધાન મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો. મોહમ્મદ શમીએ જણાવ્યું હતું કે, જ્યારે તમારો આત્મવિશ્વાસ ઘટી ગયો હોય અને તમારા વડાપ્રધાન તમારી સાથે આવીને ઉભા રહે ત્યારે તમારો આત્મવિશ્વાસ વધી જાય છે. વડાપ્રધાન તમને પ્રોત્સાહિત કરે તે એક અલગ જ ક્ષણ છે. 

વડાપ્રધાનની મુલાકાતનું મહત્વ

ગત 19 નવેમ્બરને રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના પરાજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા અને સધિયારો આપ્યો હતો.

 

જોકે વડાપ્રધાન મોદી અને ભાજપના વિરોધીઓ અને ટીકાકારોને તે વાત પસંદ નહોતી આવી અને કેટલાકે તેને પીઆર સ્ટન્ટ ગણાવી ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં જવાની ટીકા કરી હતી. ત્યારે મોહમ્મદ શમીએ વડાપ્રધાનની આ મુલાકાતનું ખેલાડીઓ માટે શું મહત્વ છે તે વિશે વાત કરી હતી. 

વડાપ્રધાનની મુલાકાતથી આત્મવિશ્વાસ વધ્યો

મોહમ્મદ શમી (Mohammed Shami)એ કહ્યું હતું કે, " તે ખૂબ જરૂરી હતું... અમે મેચ હારી ચૂક્યા હતા અને જ્યારે તમારા વડાપ્રધાન ત્યાં આવીને પ્રોત્સાહન આપે ત્યારે એક અલગ આત્મવિશ્વાસ મળે છે... કે દેશનો જવાબદાર વ્યક્તિ તમારી સાથે છે, સહાનુભૂતિ આપે છે." 

 

વધુમાં જણાવ્યું હતું કે, "આવા સમયે મનોબળ આમ પણ નીચું હોય છે અને આવી ક્ષણોમાં કોઈ વડાપ્રધાન જેવા વ્યક્તિ સામે હોય, વિશ્વાસ વધારતા હોય તો તે એક અલગ આત્મવિશ્વાસ ભરી દે છે. મને લાગે છે કે આ એક બહુ મોટી બાબત છે."

સ્ટેડિયમ બનાવવા બદલ યોગી સરકારનો આભાર

મોહમ્મદ શમીએ ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના વતનમાં સ્ટેડિયમ બનાવવાના નિર્ણય બદલ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારનો પણ આભાર માન્યો હતો. શમીએ કહ્યું હતું કે, સ્ટેડિયમ બનાવવાથી યુવાનોને રમત ક્ષેત્રે આગળ વધવાની તક મળશે. 

 

શમીએ ફાઈનલની ઓસ્ટ્રેલિયા સામેની મેચ વિશે વાત કરતાં કહ્યું હતું કે, જે રીતે 10 મેચમાં ટીમ રમી હતી તે જ વલણ સાથે ફાઈનલમાં પણ રમવા ઉતરી હતી, પરંતુ થોડા રન ઓછા પડ્યા. વધુમાં ઉમેર્યું હતું કે, ક્યારેક એકાદ દિવસ ખરાબ આવી જાય છે અને અમારા માટે તે ફાઈનલનો દિવસ હતો.