વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા નીરજ ચોપરા

ભારતના દિગ્ગજ જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ રવિવારે રાતે ટુર્નામેન્ટની ફાઈનલમાં 88.17 મીટરના પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. હંગરીના બુડાપેસ્ટમાં 19થી 27 ઓગષ્ટ દરમિયાન આ ચેમ્પિયનશિપ રમાઈ હતી જેમાં નીરજ ચોપરાએ 40 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતને ગોલ્ડ મેડલ […]

Share:

ભારતના દિગ્ગજ જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ રવિવારે રાતે ટુર્નામેન્ટની ફાઈનલમાં 88.17 મીટરના પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. હંગરીના બુડાપેસ્ટમાં 19થી 27 ઓગષ્ટ દરમિયાન આ ચેમ્પિયનશિપ રમાઈ હતી જેમાં નીરજ ચોપરાએ 40 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 

નીરજ ચોપરાએ ભારતને રમત ક્ષેત્રે પણ ચંદ્ર પર પહોંચાડ્યું

25 વર્ષીય નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. નીરજ ચોપરાએ ગત વર્ષે યૂજીન ખાતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આ ભારતનો ઓવરઓલ ત્રીજો મેડલ છે. આ ચેમ્પિયનશિપ 1983ના વર્ષથી યોજાઈ રહી છે. જેમાં આ વર્ષે નીરજની ઝળહળતી સફળતા સાથે પાકિસ્તાનના અરશદ નદીમે 87.82 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો છે. 

ઓલમ્પિકમાં ગોલ્ડ, ડાયમંડ લીગમાં ગોલ્ડ અને હવે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ જીતીને સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ભારતને રમત જગત ક્ષેત્રે પણ ચંદ્ર પર પહોંચાડી દીધું છે. નીરજ ચોપરા જ્યારે ક્વોલિફાઈંગમાં ટોપ પર હતો ત્યારથી જ સૌ ગત વખતની કસર આ વખતે પૂરી થશે એવી આશા રાખી રહ્યા હતા અને નીરજે 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કરીને સૌની આશા પૂરી કરી હતી.

પહેલો થ્રો ફાઉલ, બીજા રાઉન્ડમાં ગોલ્ડન થ્રો

ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગર્વ અપાવનારા નીરજની શરૂઆત નબળી રહી હતી. નીરજનો પહેલો થ્રો ફાઉલ રહ્યો હતો અને જર્મનીનો જૂલિયન વેબર 85.79 મીટરના થ્રો સાથે ટોપ પર હતો. જોકે નીરજે જ્યારે બીજો પ્રયત્ન કર્યો ત્યારે સૌ કોઈ જોતા રહી ગયા હતા. ભારતીય સ્ટારે ભાલો ફેંક્યા બાદ એ તરફ જોયુ પણ નહોતું જાણે વિશ્વાસ જ હતો કે આ બેસ્ટ થ્રો છે. આ સાથે જ 88.17 મીટરનો થ્રો કરીને નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધો હતો. 

ગત વખતે મેળવ્યો હતો સિલ્વર મેડલ

નીરજ ચોપરાએ ગત વખતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. તે 2018માં એશિયાઈ ખેલો અને રાષ્ટ્રમંડલ ખેલોમાં પણ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. ઉપરાંત ગત વર્ષે ડાયમંડ લીગમાં પણ વિજેતા બન્યો હતો. 

વજન ઘટાડવા માટે રમત શરૂ કરી હતી 

નીરજ ચોપરાનું વજન બાળપણમાં ખૂબ વધારે હતું અને પરિવારજનોના કહેવાથી તેણે વજન ઘટાડવા માટે રમત રમવાનું શરૂ કર્યું હતું. તેના કાકા તેને પાણીપતના શિવાજી સ્ટેડિયમમાં લઈ જતા હતા પરંતુ નીરજને દોડવામાં મજા નહોતી આવતી. જોકે તેને ભાલા ફેંકમાં રસ પડ્યો હતો અને આગળ જતા તેણે ભાલા ફેંકમાં જ પોતાની કરિયર પસંદ કરી હતી.