Neeraj Chopra પુરૂષોની વર્લ્ડ એથ્લિટ ઓફ યર 2023 એવોર્ડની અંતિમ યાદીમાં સામેલ

ભારતીય ખેલાડી નીરજ ચોપરા સિવાય અન્ય 3 દેશોના 4 ખેલાડીઓના નામનો સમાવેશ થાય છે

Courtesy: Image: Twitter

Share:

 

Neeraj Chopra: ભારતીય સ્ટાર ભાલાફેંક એથ્લિટ નીરજ ચોપડા (Neeraj Chopra) એવા 5 એથ્લિટ્સની યાદીમાં સામેલ થયા છે જેમને વર્લ્ડ મેલ એથ્લિટ ઓફ ધ યર પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. વર્લ્ડ એથ્લેટિક્સના અહેવાલ પ્રમાણે 4 દેશોના કુલ 5 એથ્લિટ્સે આ વર્ષે ખૂબ જ શાનદાર પ્રદર્શન આપ્યું છે. 

જાણો Neeraj Chopra સહિતના ખેલાડીઓની યાદી

પુરૂષોના વર્લ્ડ એથ્લિટ ઓફ ધ યર પુરસ્કાર માટે જે 5 ખેલાડીઓના નામની પસંદગી કરવામાં આવી છે તેમાં ભારતીય ખેલાડી નીરજ ચોપરા સિવાય અન્ય 3 દેશોના 4 ખેલાડીઓના નામનો સમાવેશ થાય છે. 

 

અંતિમ 5 એથ્લિટ્સની યાદીમાં નીરજ ચોપરા સિવાય અમેરિકાના રિયાન ક્રાઉસર (ગોળા ફેંક), સ્વીડનના મોંડો (પોલ વોલ્ટ), કેન્યાના કેલ્વિન કિપ્તુમ (મેરેથોન) અને અમેરિકાના નોહ નાઈલ્સ (100 અને 200 મીટર)નો સમાવેશ થાય છે. આગામી 11 ડિસેમ્બરના રોજ આ માટેના પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે. 

બાળપણમાં ખૂબ ઓવરવેઈટ હતો નીરજ ચોપરા

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના છેલ્લા દિવસે એટલે કે 27મી ઓગસ્ટે બધાની નજર ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા (Neeraj Chopra) પર હતી. મેન્સ જેવલિન થ્રોના ફાઈનલ થ્રોમાં ખેલાડીઓ વચ્ચે આરપારની જંગ જોવા મળી હતી. આ ફાઈનલ પહેલા ભારત પાસે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો એક પણ ગોલ્ડ મેડલ નહોતો. 

 

નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભારતને ગૌરવ અપાવ્યું. નોંધનીય છે કે, હરિયાણાના એક ગામથી પોતાનું વજન ઘટાડવા માટે રમત રમવાની શરૂઆત કરનારા નીરજ ચોપરાની સફર એટલી ભવ્ય રહ્યી છે કે, તે દરેક સમયે જીતની નવી ગાથા લખતો આવ્યો છે. 

 

ભારતીય સેનાએ પણ સુબેદાર નીરજ ચોપરાને બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં પુરુષોના ભાલા ફેંકમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

 

બે વર્ષ પહેલા ટોક્યોમાં તેણે ઓલિમ્પિક ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તે સમયે તે માત્ર 23 વર્ષનો હતો અને મહાન શૂટર અભિનવ બિન્દ્રા પછી ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર બીજો ભારતીય બન્યો હતો. 

 

બાળપણમાં ખૂબ જ તોફાની નીરજ ચોપરા (Neeraj Chopra) સંયુક્ત પરિવારમાં ઉછર્યો હતો અને લાડના કારણે તેનું વજન વધ્યું હતુ. પરિવારના આગ્રહ પર તેણે વજન ઘટાડવા માટે રમવાનું શરૂ કર્યું હતુ. તેના કાકા તેને પાણીપતના શિવાજી સ્ટેડિયમ લઈ જતા. જોકે તેને દોડવાની મજા નહોતી આવતી પણ આખરે તે ભાલા ફેંકના પ્રેમમાં પડી ગયો હતો. તેણે તેના પર હાથ અજમાવવાનું વિચાર્યું અને બાકીનો ઈતિહાસ છે જે બાળકો ભવિષ્યમાં શાળાના પુસ્તકોમાં વાંચશે.