પાકિસ્તાની બોલર નસીમ શાહ ખભાની ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી થઈ શકે છે બહાર

પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહની તાજેતરની ખભાની ઈજાને કારણે ભારતમાં આવતા મહિને યોજાનારા વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. શ્રીલંકામાં એશિયા કપની મેચમાં કટ્ટર હરીફ ભારત સામે પાકિસ્તાનની સુપર-4 મુકાબલામાં 20 વર્ષીય ફાસ્ટ બોલરને ઈજા થઈ હતી. નસીમ શાહ ભારતીય ઈનિંગ્સની 46મી ઓવર દરમિયાન જમણા ખભાની ઈજાને કારણે બહાર નીકળી ગયો હતો. ઈજાને કારણે નસીમ […]

Share:

પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહની તાજેતરની ખભાની ઈજાને કારણે ભારતમાં આવતા મહિને યોજાનારા વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. શ્રીલંકામાં એશિયા કપની મેચમાં કટ્ટર હરીફ ભારત સામે પાકિસ્તાનની સુપર-4 મુકાબલામાં 20 વર્ષીય ફાસ્ટ બોલરને ઈજા થઈ હતી. નસીમ શાહ ભારતીય ઈનિંગ્સની 46મી ઓવર દરમિયાન જમણા ખભાની ઈજાને કારણે બહાર નીકળી ગયો હતો.

ઈજાને કારણે નસીમ શાહ બહાર થઈ શકે છે

એક અહેવાલ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ દુબઈમાં તેણે કરેલા સ્કેનનું એનાલિસિસ કર્યું છે, જે દર્શાવે છે કે તેને બાકીના વર્ષ માટે બહાર કરી શકાય છે, જે નસીમ શાહને અસરકારક રીતે વર્લ્ડ કપમાંથી બહાર કરી શકે છે.

ઉપરાંત, પાકિસ્તાન ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટેસ્ટ રમવાનું છે, તેમાં નસીમ શાહની ભાગીદારી હાલ માટે મુશ્કેલ લાગે છે. PCB હજુ પણ સેકન્ડરી સ્કેનના પરિણામોની રાહ જોઈ રહ્યું છે, જે આગામી દિવસોમાં આવવાના છે.

પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ ખેલાડી સાબિત થયો છે નસીમ શાહ

નસીમ શાહે એશિયા કપમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું અને તે પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ ખેલાડી સાબિત થયો હતો. તેણે ભારત સામેની સુપર-4 મેચમાં પણ સારી શરૂઆત કરી હતી, પરંતુ આ મેચમાં જ તેને તેની છેલ્લી ઓવરમાં ખભામાં તકલીફ થવા લાગી હતી. નસીમ શાહને ખભામાં એટલો દુખાવો થવા લાગ્યો કે તેને 49મી ઓવરમાં માત્ર 2 બોલ નાખ્યા બાદ જ મેદાનની બહાર જવું પડયું હતું અને ઈફ્તિખાર અહેમદે તેની ઓવર પૂરી કરી હતી. આ ઈજા બાદ તે શ્રીલંકા સામેની આગામી મેચમાં બેટિંગ કરી શક્યો નહીં તેમજ બીજી મેચ પણ રમી શક્યો નહીં. 

એશિયા કપમાં ઝમાન ખાનના સ્થાને નસીમ શાહને સામેલ કરવામાં આવ્યો હોવા છતાં પાકિસ્તાન ફાઈનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યું હતું.

શ્રીલંકામાં ઓગસ્ટમાં રમાયેલી લંકા પ્રીમિયર લીગમાં પણ નસીમ શાહને ખભાની ઈજા થઈ હતી, જેના કારણે તે છેલ્લી મેચ રમી શક્યો નહોતો. જો કે, નસીમ શાહની તેની ટૂંકી કારકિર્દીમાં વારંવાર થતી ઈજાઓ પાકિસ્તાનને પરેશાન કરી રહી છે. ગયા વર્ષે પણ એશિયા કપમાં ભારત સામેની મેચ દરમિયાન નસીમ ખાન ઈજાગ્રસ્ત થયો હતો.

વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ દેશોએ 28 સપ્ટેમ્બર સુધીમાં પોતાની ટીમની અંતિમ યાદી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને સુપરત કરવાની રહેશે. વર્લ્ડ કપની સિઝનનો પ્રારંભ 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. પાકિસ્તાન 6 ઓક્ટોબરના રોજ નેધરલેન્ડ્સ સામે ટકરાશે. 12 નવેમ્બર સુધી લીગ તબક્કાની 45 મેચો રમાશે. બે સેમિફાઈનલ 15 અને 16 નવેમ્બરે રમાશે અને ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.