Rashid Khan: વર્લ્ડ કપ દરમિયાન ઘાયલ હતો ખેલાડી, ઈંગ્લેન્ડના ડોક્ટર પાસે કરાવી સર્જરી

રાશિદે 7 ડિસેમ્બરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લીગ બિગ બેશ લીગની 13મી સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું

Courtesy: Twitter

Share:

Rashid Khan: અફઘાનિસ્તાનના લેગ સ્પિનર ​​રાશિદ ખાને (Rashid Khan) પોતાની પીઠની સર્જરી કરાવી છે. તેણે ઈંગ્લેન્ડમાં સર્જરી કરાવ્યા બાદ પોતાનો ફોટો પણ શેર કર્યો છે. આ તસવીરમાં રાશિદ બેડ પર સૂતેલો જોવા મળી રહ્યો છે. 

ફોટોમાં તેણે હાથ ઊંચો કરીને થમ્સ અપ સાઈન બતાવી છે, મતલબ કે તેનું ઓપરેશન સફળ રહ્યું હતું. સર્જરીની સફળતા વિશે માહિતી આપતાં રાશિદે તમામ ચાહકો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો.


Rashid Khanની સોશિયલ મીડિયા પોસ્ટ
રાશિદ ખાને લખ્યું હતું કે, "સર્જરી સફળ રહી, હવે રિકવરીના માર્ગે. ફરી મેદાનમાં ઉતરવા આતુર." રાશિદના મિત્ર મુજીબ ઉર રહેમાને પણ તેનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ભગવાન તમને જલ્દી સાજા કરે.


રાશિદ ખાન વર્લ્ડ કપમાં છેલ્લી મેચ રમ્યો

રાશિદ ખાને આ વર્ષે ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં તેની છેલ્લી મેચ 10 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. રાશિદે વર્લ્ડ કપની 9 મેચમાં 4.48ના ઈકોનોમી રેટથી 11 વિકેટ લેવાની સાથે 94.59ના સ્ટ્રાઈક રેટથી 105 રન બનાવ્યા છે. રાશિદની સર્જરીની જાણકારી ODI વર્લ્ડ કપ બાદ જ સામે આવી હતી. તે જ સમયે રાશિદે કહ્યું હતું કે તેને એક નાની સર્જરી કરાવવી પડશે. 

આ કારણે તે બિગ બેશ લીગમાં રમી શકશે નહીં. વર્લ્ડ કપ દરમિયાન પણ રાશિદને પીઠની સમસ્યા હતી. જો કે, આ કોઈ મોટી સમસ્યા ન હતી. આ કારણથી રાશિદે આ ઈજા સાથે રમવાનું ચાલુ રાખ્યું અને સારું પ્રદર્શન કરવામાં પણ સફળ રહ્યો. રાશિદની સર્જરી વિશે માહિતી આપતાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે ઈંગ્લેન્ડના જાણીતા સર્જન જેમ્સ એલિબોને રાશિદની પીઠના નીચેના ભાગે સર્જરી કરી છે. તે જલ્દી સ્વસ્થ થઈ જશે.


રાશિદ ખાન BBLમાં નહીં રમે
રાશિદ ખાને (Rashid Khan) હાલ પીઠની સર્જરી કરાવી છે આ કારણે તેણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ લીગ બિગ બેશ લીગ ની આ સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તે BBLમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ ટીમ તરફથી રમે છે. BBLની 13મી સિઝન 7 ડિસેમ્બરથી શરૂ થવાની છે જ્યારે ફાઈનલ 24 જાન્યુઆરીએ રમાશે.


રાશિદે BBLમાં 98 વિકેટ લીધી છે

રાશિદ 2017થી BBLમાં રમી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 69 મેચમાં તેણે 6.44ના ઈકોનોમી રેટથી 98 વિકેટ ઝડપી છે. રાશિદ ખાન આવતા વર્ષે ભારત સામેની T20 શ્રેણીમાં વાપસી કરી શકે છે. આ પહેલીવાર હશે જ્યારે બંને ટીમો એકબીજા સામે T20 સિરીઝ રમશે.