Tamil Naduમાં ભારે વરસાદને કારણે આજે ચેન્નાઈ, પુડુચેરીમાં શાળા-કોલેજો બંધ રહેશે

તમિલનાડુમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Courtesy: Image: Twitter

Share:

 

Tamil Nadu: દક્ષિણ ભારતના રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ચાલુ છે. તમિલનાડુ (Tamil Nadu)માં ભારે વરસાદને પગલે ચેન્નાઈ, પુડુચેરી અને અન્ય જિલ્લાઓમાં આજે 15 નવેમ્બરના રોજ  શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.

 

સોમવાર રાત્રિથી તમિલનાડુ (Tamil Nadu)માં વરસાદ વરસી રહ્યો છે. જે મંગળવારે પણ દિવસભર ચાલુ રહ્યો. જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. તમિલનાડુમાં ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં શાળાઓ તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે. 

 

વહીવટીતંત્ર દ્વારા આગામી બે દિવસ માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

 

હવામાન વિભાગે કુડ્ડલોર, માયલાદુથુરાઈ, નાગપટ્ટિનમ, તિરુવરુર, તંજાવુર અને વિલ્લુપુરમ સહિત છ જિલ્લાઓમાં વધુ વરસાદની આગાહી કરી છે.

 

નાગપટ્ટજનમમાં વેલંકન્નીમાં છેલ્લા 24 કલાકમાં 17 સેમી જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે કુડ્ડલોર, પુડુચેરી, ચેંગલપટ્ટુ અને ચેન્નાઈમાં પણ નોંધપાત્ર વરસાદ પડયો હતો.

Tamil Naduમાં 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 221 મીમી વરસાદ નોંધાયો 

તમિલનાડુ (Tamil Nadu)માં 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 221 મીમી વરસાદ થયો છે, જે સામાન્ય સરેરાશ કરતા 17% ઓછો છે. રાજ્યના પીવાના પાણી અને સિંચાઈની જરૂરિયાતો માટે ચાલુ ઉત્તરપૂર્વ ચોમાસું નિર્ણાયક છે.

 

હવામાનની આગાહી કરતી એજન્સી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પર અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આગામી 24 કલાકમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર લો-પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના છે. લો-પ્રેશર વિસ્તાર પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને 16 નવેમ્બરની આસપાસ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે.

 

હવામાન વિભાગે આજે તમિલનાડુ અને પુડુચેરી વિસ્તારના માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ, તિરુવરુર, તંજાવુર, પુડુક્કોટ્ટાઈ, રામનાથપુરમ, કુડ્ડલોર, વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

 

ચેન્નાઈમાં આજે સામાન્ય રીતે વાદળછાયું રહેવાની શક્યતા છે. આજે શહેરમાં કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. તદુપરાંત, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. મહત્તમ તાપમાન 26-27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

 

તમિલનાડુ (Tamil Nadu)માં આજે દરિયાકાંઠાના ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ પ્રદેશ સહિત ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈકલ ક્ષેત્રમાં કેટલાક સ્થળોએ વીજળી પડવાની સંભાવના છે.