શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પાકિસ્તાન સામે રમવાની શક્યતા ઓછી

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ડેન્ગ્યુની સારવાર લીધા બાદ શુભમન ગિલને ચેન્નાઈની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શુભમન ગિલના પ્લેટલેટ કાઉન્ટ ઘટી ગયા હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પર સતત મેડિકલ ટીમ નજર રાખી રહી હતી. પરંતુ તે 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે રમે તેવી […]

Share:

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ડેન્ગ્યુની સારવાર લીધા બાદ શુભમન ગિલને ચેન્નાઈની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શુભમન ગિલના પ્લેટલેટ કાઉન્ટ ઘટી ગયા હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પર સતત મેડિકલ ટીમ નજર રાખી રહી હતી. પરંતુ તે 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે રમે તેવી શક્યતા ઓછી છે. 

એક અહેવાલમાં જણાવ્યા મુજબ, ડોક્ટર રિઝવાન ખાનને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટીમની સાથે નિયુક્ત કરવામાં આવ્યા છે. શુભમન ગિલ સતત તેમની દેખરેખ હેઠળ હતો.

શુભમન ગિલના પ્લેટલેટ કાઉન્ટ ઘટી ગયા હતા

ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં પ્રથમ મેચ રમ્યા બાદ ટીમ ઈન્ડિયા બીજી મેચ માટે દિલ્હી આવી હતી. પરંતુ, બગડતી તબિયતને કારણે શુભમન ગિલ છેલ્લા કેટલાક દિવસોથી ચેન્નાઈની ટીમ હોટલમાં ડ્રિપ પર હતો. જો કે તેની પ્લેટલેટ કાઉન્ટની સંખ્યા ઘટીને 70,000 થઈ ગઈ છે અને ડેન્ગ્યુના દર્દીને એકવાર કાઉન્ટ 100,000થી નીચે થઈ જાય, તો તેમને તબીબી સુવિધામાં દાખલ કરવામાં આવે છે. રવિવારે રાત્રે જ્યારે ભારત ઓસ્ટ્રેલિયા સામે રમ્યું ત્યારે તમામ ફરજિયાત પરીક્ષણો માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સોમવાર સાંજ સુધીમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં હતી.  

શુભમન ગિલ પાકિસ્તાન સામે રમી શકશે?

શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હોવા છતાં, તે ICC વર્લ્ડ કપ 2023માં 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવું શંકાસ્પદ છે. કારણ કે હાલની સ્થિતિને જોતા એવું લાગતું નથી કે શુભમન ગિલ ત્યાં સુધીમાં ફિટ થઈ જશે. જો તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી પાકિસ્તાનની મેચ ચૂકી જાય છે, તો તેની આગામી તક પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમવાની છે. 

ડેન્ગ્યુના કારણે શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ પણ રમી શક્યો ન હતો. તેની જગ્યાએ ઈશાન કિશને મેચની શરૂઆત કરી હતી. તે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. BCCIએ 6 દિવસ પહેલાં કહ્યું હતું કે પ્રથમ મેચ માટે ચેન્નાઈ પહોંચ્યા બાદ શુભમન ગિલને ખૂબ તાવ આવ્યો હતો. જ્યારે તેના પરીક્ષણ કરવામાં આવ્યા ત્યારે તેને ડેન્ગ્યુ હોવાનું જણાયું હતું.

ICC વર્લ્ડ કપ 2023 શરૂ થતા પહેલા શુભમન ગિલે શાનદાર ફોર્મનો આનંદ માણ્યો હતો. શુભમન ગિલ 2023માં ODIમાં ભારતનો ટોપ સ્કોરર છે. તેણે 2023માં 20 ODI મેચોમાં 72.35ની એવરેજ અને 105.03ની સ્ટ્રાઈક રેટથી 1,230 રન બનાવ્યા છે. તેની 6 ODI સદીઓમાંથી 5 આ વર્ષે આવી છે.