Sri Lanka Cricket Board: વર્લ્ડ કપ વચ્ચે મોટી કાર્યવાહી, ICCએ રદ્દ કર્યું સભ્ય પદ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તાત્કાલિક અસરથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (Sri Lanka Cricket Board)ને સસ્પેન્ડ કરી દીધું છે. ICC બોર્ડની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકાની સરકારે સમગ્ર બોર્ડને બરતરફ કરી દીધું હતું.

Courtesy: Image: Twitter

Share:

Sri Lanka Cricket Board: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તાત્કાલિક અસરથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (Sri Lanka Cricket Board)ને સસ્પેન્ડ કરી દીધું છે. ICC બોર્ડની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકાની સરકારે સમગ્ર બોર્ડને બરતરફ કરી દીધું હતું. ત્યારે ICCનો આ નિર્ણય શ્રીલંકાની સંસદે ગુરુવારે સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યો ત્યાર બાદ સામે આવ્યો છે.

Sri Lanka Cricket Boardમાં સરકારી દખલગીરી

ઠરાવમાં શ્રીલંકા ક્રિકેટને બરતરફ કરવાની માગણી કરવામાં આવી હતી, જેને શાસક અને વિપક્ષ બંને પક્ષોએ ટેકો આપ્યો હતો. આ ઘટનાને લઈ ICCએ તારણ કાઢ્યું હતું કે શ્રીલંકા ક્રિકેટ સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યું છે. તેણે તેની તમામ બાબતોને સ્વતંત્ર રીતે સંચાલિત કરવાની જરૂર છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે શાસન અથવા વહીવટમાં કોઈ સરકારી દખલગીરી ન હોય.

શ્રીલંકન સરકાર દ્વારા ક્રિકેટ બોર્ડનો ભંગ

વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકાના રમતગમત મંત્રાલયે 6 નવેમ્બરના રોજ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ (Sri Lanka Cricket Board)ને બરતરફ કરી દીધું હતું. શ્રીલંકાના પ્રશંસકોએ ક્રિકેટ બોર્ડના મુખ્યાલયની સામે વિરોધ પ્રદર્શન કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

 

શ્રીલંકાની સરકારે બોર્ડને ભંગ કર્યા બાદ પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાની અધ્યક્ષતામાં વચગાળાની સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે, બાદમાં કોર્ટે શ્રીલંકન ક્રિકેટ બોર્ડનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું હતું. ત્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જ્યાં સુધી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પરનો પ્રતિબંધ નહીં હટાવે ત્યાં સુધી શ્રીલંકા હવે ICCની કોઈપણ ઈવેન્ટમાં ભાગ નહીં લઈ શકે. 

 

જોકે, રાહતની વાત એ છે કે વન-ડે વર્લ્ડકપમાં શ્રીલંકાની ટીમ તમામ મેચો રમી ચૂકી છે અને ત્યાર બાદ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે માટે વર્લ્ડ કપના શેડ્યુલ પર તેની કોઈ અસર નહીં જોવા મળે. 

વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમનું પ્રદર્શન ખરાબ

વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. શ્રીલંકાએ 9 પૈકીની માત્ર 2 મેચમાં જ વિજય મેળવ્યો હતો જ્યારે 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ પોઈન્ટ ટેબલમાં શ્રીલંકાની ટીમ 9મા સ્થાને છે.

 

ICCએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સસ્પેન્શનની શરતો ICC બોર્ડ દ્વારા યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે. ICC બોર્ડની બેઠક આગામી 21 નવેમ્બરે યોજાવાની છે, ત્યારબાદ આગળના પગલાં લેવામાં આવશે. શ્રીલંકા આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની પણ યજમાની કરવા જઈ રહ્યું છે. જ્યાં સુધી ICC શ્રીલંકન ક્રિકેટ બોર્ડ (Sri Lanka Cricket Board) પરનો પ્રતિબંધ હટાવે નહીં ત્યાં સુધી શ્રીલંકા ICCની કોઈપણ ઈવેન્ટમાં ભાગ નહીં લઈ શકે. આ પ્રતિબંધના કારણે શ્રીલંકાના ફ્યુચર ટુર પ્રોગ્રામને અસર થઈ શકે છે.