સ્ટાર ક્રિકેટર શિખર ધવનના પત્ની આયશા મુખર્જી સાથે ડિવોર્સ, માનસિક ક્રૂરતા આચરી હોવાનો કોર્ટનો સ્વીકાર

દિલ્હીની ફેમિલી કોર્ટે બુધવારના રોજ ક્રિકેટર શિખર ધવનને તેની પત્ની આયશા મુખર્જી સાથે ડિવોર્સ માટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે સ્વીકાર્યું હતું કે અરજીકર્તા (શિખર ધવન) ક્રૂરતાના આધાર પર ડિવોર્સ માટે હકદાર છે.  કોર્ટે શિખર ધવનના 11 વર્ષના લગ્ન સંબંધનો અંત આણતા કહ્યું હતું કે, “આમાં કોઈ વિવાદ નથી કે બંને પક્ષ આંતરિક સમજૂતીથી ડિવોર્સ […]

Share:

દિલ્હીની ફેમિલી કોર્ટે બુધવારના રોજ ક્રિકેટર શિખર ધવનને તેની પત્ની આયશા મુખર્જી સાથે ડિવોર્સ માટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે સ્વીકાર્યું હતું કે અરજીકર્તા (શિખર ધવન) ક્રૂરતાના આધાર પર ડિવોર્સ માટે હકદાર છે. 

કોર્ટે શિખર ધવનના 11 વર્ષના લગ્ન સંબંધનો અંત આણતા કહ્યું હતું કે, “આમાં કોઈ વિવાદ નથી કે બંને પક્ષ આંતરિક સમજૂતીથી ડિવોર્સ લેવા માટે સહમત થયા હતા અને તેમના લગ્નજીવનનો ઘણાં લાંબા સમયથી અંત આવી ચુક્યો છે. શિખર ધવન અને આયશા 8 ઓગષ્ટ, 2020થી પતિ-પત્ની તરીકે નથી રહી રહ્યા.” 

આયશા મુખર્જીએ શિખર ધવનને માનસિક ત્રાસ આપતી 

ફેમિલી કોર્ટે ડિવોર્સ માટેની અરજીમાં શિખર ધવનના આરોપોને એ આધાર પર મંજૂરી આપી હતી કે, આયશા મુખર્જીએ ક્યાંક આનો વિરોધ નથી કર્યો અથવા તો તે પોતાનો બચાવ કરવામાં અસફળ રહી છે. જજ હરીશ કુમારે સ્વીકાર્યું હતું કે, આયશા મુખર્જીએ એક વર્ષ સુધી શિખર ધવનને તેમના દીકરાથી દૂર રાખીને માનસિક યાતના ભોગવવા માટે મજબૂર કર્યો હતો. 

શિખર ધવન ડિવોર્સ માટે હકદાર- કોર્ટ

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, “પ્રતિવાદી દ્વારા જાણીજોઈને આ કેસને નિર્વિરોધ છોડી દેવાનો નિર્ણય તેમની એવી ઈચ્છા તરફ પણ ઈશારો કરે છે કે, કોર્ટ તેમને વૈવાહિક ગુના માટે દોષી ઠેરવવાની કિંમત પર પણ ડિવોર્સ આપી દે, કારણ કે તે જાણે છે કે તેને કોઈ નુકસાન નહીં થાય. જો તેને શિખર ધવન સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર માટે દોષી ઠેરવવામાં આવશે તેણે ઓસ્ટ્રેલિયાની સંઘીય સર્કિટ અને ફેમિલી કોર્ટ પાસેથી પહેલેથી જ જરૂરી અનુકૂળ આદેશ મેળવી રાખ્યા છે.”

વધુમાં કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, “તેમના આ વિચારે જ તેમને જાણીજોઈને આ કોર્ટના 2 માર્ચ, 2023 અને 6 જૂન, 2023ના આદેશનું પાલન ન કરવા માટે સાહસ આપ્યું છે. માટે વર્તમાન કેસના તથ્યો અને પરિસ્થિતિઓના આધાર પર શિખર ધવન ક્રૂરતાના આધાર પર ડિવોર્સ માટે હકદાર છે.”

વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે, હિન્દુ મેરેજ એક્ટની કલમ 13(1)(એ)માં ઉલ્લેખિત આધાર પર ડિવોર્સ આપવામાં આવે છે. જેના આધાર પર 30 નવેમ્બર, 2012ના રોજ શીખ રીત-રિવાજ અને 30 ડિસેમ્બર, 2012ના રોજ બંને પાર્ટી વચ્ચે થયેલા લગ્ન ભંગ કરી દેવામાં આવે છે. 

કોર્ટે જણાવ્યું હતું કે, શિખર ધવને એમ કહીને પોતાના સગીર દીકરાની કાયમી કસ્ટડી આપવા માટે પણ પ્રાર્થના કરી છે કે, સગીર દીકરા માટે આયશા મુખર્જી સાથે રહેવું નૈતિક, મનોવૈજ્ઞાનિક અને માનસિકરૂપે વિનાશકારી છે. તેણીએ જન્મથી જ સતત તેના કલ્યાણ માટે નુકસાનકારી કામો કર્યા છે. 

ઉપરાંત એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, આયશા મુખર્જી સામે એક ગુનાહિત કેસ પેન્ડિંગ છે માટે આ તથ્ય શિખર ધવનના પક્ષમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. શિખર ધવને અરજીમાં એમ પણ જણાવ્યું હતું કે, તેને લગ્ન બાદ ખબર પડી હતી કે, આયશા મુખર્જીએ તેને લગ્ન માટે પ્રેરિત કર્યો તેના પાછળનું પ્રાથમિક કારણ ફક્ત તેના પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાનું જ હતું.