પાકિસ્તાની, ઓસ્ટ્રેલિયન એક્સપર્ટને સુનીલ ગાવસ્કરનો રોકડો જવાબ- “અમને તમારી સલાહની જરૂર નથી” 

ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શન પર સૌ કોઈની નજર છે. જોકે ભારતીય ટીમ પણ વર્લ્ડ કપ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ટીમની દરેક હરકત પર સૌ કોઈ પોતાનો મત દર્શાવતા હોય છે. વર્લ્ડ કપ 2023 માટે ટીમની પસંદગી કરી લેવામાં આવી છે. પ્લેઈંગ 11ને લઈ સૌ કોઈ પોત પોતાના મંતવ્યો રજૂ કરતા રહે છે.  સુનીલ ગાવસ્કરે પોતાની […]

Share:

ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શન પર સૌ કોઈની નજર છે. જોકે ભારતીય ટીમ પણ વર્લ્ડ કપ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ટીમની દરેક હરકત પર સૌ કોઈ પોતાનો મત દર્શાવતા હોય છે. વર્લ્ડ કપ 2023 માટે ટીમની પસંદગી કરી લેવામાં આવી છે. પ્લેઈંગ 11ને લઈ સૌ કોઈ પોત પોતાના મંતવ્યો રજૂ કરતા રહે છે. 

સુનીલ ગાવસ્કરે પોતાની નારાજગી વ્યક્ત કરી

વર્લ્ડ કપ 2023 માટે ભારત પ્રબળ દાવેદારો પૈકીનું એક છે. ત્યારે વિવિધ પ્રકારની ટિપ્પણીઓ વચ્ચે પાકિસ્તાની ઓસ્ટ્રેલિયન એક્સપર્ટે પણ પોતાનો મત રજૂ કર્યો હતો. તેના સામે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને 1983 ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતા સુનીલ ગાવસ્કરે પોતાની નારાજગી પ્રદર્શિત કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પૂર્વ પ્રમુખ નજમ સેઠીએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ભારતીય ટીમ પાકિસ્તાન સાથે રમવાથી ડરે છે. 

ભારતીય ટીમની ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમની જાહેરાત સાથે જ ટીમ સંયોજનને લઈ સૌ કોઈ પોતાનો મત દર્શાવવા લાગ્યા છે. પરંતુ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વિદેશી એક્સપર્ટ દ્વારા ભારતીય ટીમની રચના અંગે પોતાનો મત દર્શાવવામાં આવ્યો તેને લઈ નારાજગી વ્યક્ત કરી છે. હકીકતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ પ્રમુખ નજમ સેઠીએ ભારત પાકિસ્તાન સાથે રમવાથી ડરે છે તેવો સંકેત આપ્યો હતો. આ કારણે રોષે ભરાયેલા સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, “દુઃખની વાત એ પણ છે કે, આપણું મીડિયા તેમને પ્રાધાન્ય પણ આપે છે.”

સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, આપણા પાસે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ નથી. આપણે ભારતીય ટીમની પસંદગી કરીએ છીએ. એ એમની ચિંતાનો વિષય કઈ રીતે બની શકે? શું કોઈ ભારતીય ખેલાડી જઈને ઓસ્ટ્રેલિયનની પસંદગી કરે છે કે પાકિસ્તાનની ટીમની પસંદગી કરે છે? એ આપણું કામ નથી પણ આપણે એમને આ માટે મંજૂરી આપીએ છીએ. 

શ્રેષ્ઠતા સાબિત કરવાની જરૂર નહીં

વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનથી હંમેશા એવા સમાચાર સામે આવતા હોય છે કે, તેઓ કહે છે બાબર વિરાટ કોહલી અને રોહિત શર્મા કરતા શ્રેષ્ઠ છે. શાહીન આફ્રિદી આના કરતા શ્રેષ્ઠ છે. ઈંજમામ-ઉલ-હક સચિન તેંડુલકર કરતા સારો છે. એમના માટે તેઓ હંમેશા શ્રેષ્ઠ છે એમ સાબિત કરવાની આ જ રીત છે. 

ભારતીય ક્રિકેટ ટીમને વિદેશી એક્સપર્ટનું વધુ પડતું ફોકસ મળે છે તે અંગે સુનીલ ગાવસ્કરે એક દિલચસ્પ તર્ક રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આપણાં કાગળો પર એમને સ્થાન જ ન આપો. આપણી ચેનલ પર તેમને મહત્વ ન આપો. આપણા સમાચારો એવા જ હોય છે કે દક્ષિણ આફ્રિકાના કહેવા પ્રમાણે આપણી ટીમમાં આ ખેલાડી હોવો જોઈએ. ઓસ્ટ્રેલિયાના કહેવા પ્રમાણે આમ હોવું જોઈએ. તેઓ શીખવે છે કે, નંબર 3 અને 4 પર કોણે બેટિંગ કરવું જોઈએ, અમને તમારી સલાહની જરૂર નથી.”