વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાનો 6 વિકેટથી વિજય, વિરાટ કોહલી – કેએલ રાહુલે રાખ્યો રંગ

ટીમ ઈન્ડિયાએ ICC વનડે વર્લ્ડ કપ 2023માં વિજય સાથે શુભારંભ કર્યો છે. રવિવારના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી વિજય મેળવ્યો હતો જેમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે રંગ રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતે 41.2 ઓવરમાં 4 વિકેટના નુકસાનથી હાંસલ કર્યો હતો.  કેએલ […]

Share:

ટીમ ઈન્ડિયાએ ICC વનડે વર્લ્ડ કપ 2023માં વિજય સાથે શુભારંભ કર્યો છે. રવિવારના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી વિજય મેળવ્યો હતો જેમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે રંગ રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતે 41.2 ઓવરમાં 4 વિકેટના નુકસાનથી હાંસલ કર્યો હતો. 

કેએલ રાહુલ સેન્ચ્યુરી ચુક્યો

ઓસ્ટ્રેલિયા સામે અણનમ 97 રનની ઈનિંગ રમીને ભારતને વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં વિજય અપાવનારા કેએલ રાહુલના કહેવા પ્રમાણે વિરાટ કોહલીએ તેને ટેસ્ટ મેચની જેમ બેટિંગ કરવા સલાહ આપી હતી. કેએલ રાહુલ પોતાની સેન્ચ્યુરી ચુકી ગયો હતો પણ 2 રનમાં ટીમે 3 વિકેટ ગુમાવી ત્યાર બાદ કેએલ રાહુલે વિરાટ કોહલી સાથે ચોથી વિકેટ માટે 165 રનની ભાગીદારી કરીને ભારતનો દબદબો જાળવ્યો હતો.

લક્ષ્યનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખાસ સારી નહોતી રહી. ટીમ ઈન્ડિયાએ માત્ર 2 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. ઈશાન કિશનને પહેલી જ ઓવરમાં મિશેલ સ્ટાર્કે આઉટ કરી દીધો હતો. જ્યારે બીજી ઓવરમાં જોશ હેઝલવુડે કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ ઐયરને સપાટામાં લીધા હતા. આમ ત્રણેય ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા. 

જોકે ત્યાર બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે મોરચો સંભાળ્યો હતો અને ટીમ ઈન્ડિયાની ડૂબતી નૈયાને પાર ઉતારી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 165 રનની જોરદાર ભાગીદારી કરી હતી. વિરાટ કોહલી 38મી ઓવરમાં હેઝલવુડનો શિકાર બન્યા હતા. તે 116 બોલમાં 6 ચોગ્ગા સાથે 85 રનની ઈનિંગ રમ્યા હતા. 

કેએલ રાહુલ 115 બોલમાં 97 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 8 બોલમાં અણનમ 11 રન કર્યા હતા. કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ 5મી વિકેટ માટે 34 રનની અતૂટ ભાગીદારી કરી હતી. 

ટીમ ઈન્ડિયાને અંતે સફળતા મળી

કેએલ રાહુલે જણાવ્યું કે, તે અને વિરાટ કોહલી ખાસ વાત નહોતા કરી રહ્યા અને તે ડ્રેસિંગ રૂમમાં હતો ત્યારે 3 વિકેટ પડી ગઈ પછી વિરાટ કોહલીએ ટેસ્ટની જેમ રમવાની સલાહ આપી હતી. કેએલ રાહુલે 100 રન ન થઈ શક્યા તેનું દુઃખ નથી તે ફરી કદી બનાવી શકાશે તેવી આશા વ્યક્ત કરી હતી. 

તે પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પૈટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે કેપ્ટનનો તે નિર્ણય અયોગ્ય બની રહ્યો અને ટીમ 49.3 ઓવરમાં 199 રન જ બનાવી શકી. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ જ્યારે કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ ફટકારી. આર અશ્વિન, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાજને પણ 1-1 સફળતા મળી હતી.