કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું- “આતંકવાદ પર લગામ નહીં કસાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ નહીં રમાય”

ભારત સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધ સ્થાપિત કરવાની આશામાં રહેલા પાકિસ્તાનને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે સણસણતો જવાબ આપ્યો છે. અનુરાગ ઠાકુરે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જ્યાં સુધી સીમા પારથી આતંકવાદનો અંત નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ મેચ નહીં રમવામાં આવે.  અનુરાગ ઠાકુરે રાજસ્થાનના ઉદયપુર ખાતે એક સવાલના જવાબમાં કહ્યું […]

Share:

ભારત સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધ સ્થાપિત કરવાની આશામાં રહેલા પાકિસ્તાનને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે સણસણતો જવાબ આપ્યો છે. અનુરાગ ઠાકુરે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જ્યાં સુધી સીમા પારથી આતંકવાદનો અંત નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ મેચ નહીં રમવામાં આવે. 

અનુરાગ ઠાકુરે રાજસ્થાનના ઉદયપુર ખાતે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, “BCCIએ ઘણાં સમય પહેલા જ આ નિર્ણય લીધો હતો કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનો અંત નહીં લાવે અને સરહદ પારથી હુમલા બંધ નહીં કરે, ઘૂસણખોરી બંધ નહીં કરે ત્યાં સુધી તેના સાથે દ્વિપક્ષીય ક્રિકેટ નહીં રમવામાં આવે.” આ સાથે જ અનુરાગ ઠાકુરે દેશની જનતાની પણ આવી જ લાગણી હોવાનું જણાવ્યું હતું. 

અનંતનાગની ઘટના અંગે અનુરાગ ઠાકુરનું નિવેદન

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તાજેતરમાં અનંતનાગ ખાતે પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરી અને સેનાના 4 અધિકારીઓની શહીદી અંગે પણ નિવેદન આપ્યું હતું. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, આતંકવાદીઓની આ કાયરતાપૂર્ણ હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આપણી સરકારે આતંકવાદ સામે આકરા પગલાં ભર્યા છે જેથી કાશ્મીરમાં આતંકવાદનું પ્રમાણ ઘટ્યું છે.

અનુરાગ ઠાકુરનું દ્વિપક્ષીય ક્રિકેટ અંગેનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ રાજીવ શુક્લા અને બીસીસીઆઈ અધ્યક્ષ રોજર બિન્નીએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો ફરી સ્થાપિત થવાની શક્યતા જણાઈ રહી હતી. જોકે કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓના ગોળીબારમાં સુરક્ષાકર્મીઓની શહીદી બાદ ફરી ક્રિકેટ સંબંધો પ્રસ્થાપિત કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે.  

નોંધનીય છે કે, અનુરાગ ઠાકુરે તાજેતરમાં વિપક્ષી ગઠબંધન પર પણ પ્રહાર કર્યો હતો. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, “નામ બદલવાથી ચરિત્ર નથી બદલાઈ જતું. UPAમાંથી INDIA નામ કરી દેવાથી તેમના સપના પૂરા નહીં થાય.”

પાકિસ્તાન દ્વારા અનેક પ્રયત્ન

ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધની ગાડી ઘણાં લાંબા સમયથી પાટા પરથી ઉતરી ગયેલી છે. છેલ્લે 2012-13માં બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ મેચ રમાઈ હતી. તે સમયે પાકિસ્તાનની ટીમ ભારત પ્રવાસે આવી હતી. ત્યાર બાદ બંને દેશ વચ્ચેના ક્રિકેટ સંબંધો ખરાબ થયા છે. જોકે પાકિસ્તાને બંને દેશ વચ્ચેના ક્રિકેટ સંબંધો ફરી સ્થાપિત કરવા અનેક પ્રયત્નો કર્યા છે. 

જોકે ભારત પોતાના આકરા વલણને લઈ અડગ રહ્યું છે અને જ્યાં સુધી આતંકવાદ પર લગામ નહીં કસવામાં આવે ત્યાં સુધી ક્રિકેટ સંબંધ શરૂ નહીં થાય તે બાબતે સ્પષ્ટ છે.