વર્લ્ડ કપ મેચની ટિકિટ માગનારાઓ માટે વિરાટ કોહલીનો મજેદાર મેસેજ, અનુષ્કા શર્માએ પણ કરી ટીખળ

ક્રિકેટના ચાહકો જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે વર્લ્ડ કપ હવે શરૂ થઈ રહ્યો છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાવાની છે પરંતુ તેની ટિકિટને લઈ ભારે રસાકસી જોવા મળી રહી છે. સૌ કોઈ ક્રિકેટ રસિક વર્લ્ડ કપ મેચની ટિકિટ મેળવવા ઈચ્છે છે. ભારતની મેચો માટે ટિકિટ બુકિંગ શરૂ થવાની સાથે જ ખતમ […]

Share:

ક્રિકેટના ચાહકો જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે વર્લ્ડ કપ હવે શરૂ થઈ રહ્યો છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાવાની છે પરંતુ તેની ટિકિટને લઈ ભારે રસાકસી જોવા મળી રહી છે. સૌ કોઈ ક્રિકેટ રસિક વર્લ્ડ કપ મેચની ટિકિટ મેળવવા ઈચ્છે છે. ભારતની મેચો માટે ટિકિટ બુકિંગ શરૂ થવાની સાથે જ ખતમ પણ થઈ ગયું હતું. આ કારણે મોટા ભાગના ચાહકોએ નિરાશ થવાનો વારો આવ્યો હતો. 

આ બધા વચ્ચે વર્લ્ડ કપની ટિકિટો ન મળવાના કારણે બીસીસીઆઈ પર ટિકિટોમાં ગોલમાલ કરવાનો આરોપ પણ લાગ્યો હતો. ત્યારે વર્લ્ડ કપની શરૂઆત પહેલા વિરાટ કોહલીએ પણ ટિકિટો મામલે હાથ ઉપર કરી દીધા હતા. 5મી ઓક્ટોબરના રોજ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો વચ્ચે વર્લ્ડ કપ 2023નો પ્રથમ મુકાબલો રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની આ મેચ રમાશે. 

વિરાટ કોહલીનો મેસેજ

ત્યારે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ બુધવારે સવારે ઈન્સ્ટાગ્રામ પર એક મજેદાર સ્ટોરી શેર કરીને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ હતું. વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા વર્લ્ડ કપ મેચોની ટિકિટ માગનારા પોતાના મિત્રોના નામે ખાસ સંદેશો લખ્યો હતો. વિરાટ કોહલીએ પોતાના ટિકિટોની માગણી કરનારા મિત્રોને ઘરે જ રહીને મેચની મજા લેવા માટે સલાહ આપી હતી. 

વિરાટ કોહલીની આ સ્ટોરીને અનુષ્કા શર્માએ પણ શેર કરી હતી અને રસપ્રદ મેસેજ લખ્યો હતો. 

વિરાટ કોહલીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે, “જેમ-જેમ આપણે વર્લ્ડ કપની નજીક પહોંચી રહ્યા છીએ તો હું ખૂબ વિનમ્રતાપૂર્વક મારા તમામ મિત્રોને કહેવા ઈચ્છું છું કે, આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મારા પાસે મેચની ટિકિટ માટે વિનંતી ન કરશો. તમારા ઘરે જ રહીને આ વર્લ્ડ કપને એન્જોય કરો.” આ મેસેજની સાથે વિરાટ કોહલીએ સ્માઈલી ઈમોજી પણ શેર કરી હતી. 

થોડા સમય બાદ અનુષ્કા શર્માએ પણ વિરાટના આ મેસેજનો સ્ક્રીનશોટ શેર કરીને મજેદાર વાત લખી હતી. અનુષ્કા શર્માએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે, “અને મને પણ કશું એડ કરવા દો. જો તમારી ટિકિટ રિક્વેસ્ટના મેસેજનો રિપ્લાય ન આવે તો મહેરબાની કરીને મને મદદ માટે ન કહેશો.”

હાલ સોશિયલ મીડિયામાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આ ઈન્સ્ટા સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો 8મી ઓક્ટોબરે ચેન્નાઈ ખાતે ઓસ્ટ્રેલિયા સામે થશે. નોંધનીય છે કે, ક્રિકેટ મેચની ટિકિટની માગણીથી પરેશાન થનારા વિરાટ કોહલી પ્રથમ ખેલાડી નથી. અગાઉ હરભજન સિંહ, યુવરાજ સિંહ અને આશીષ નેહરા જેવા પ્રખ્યાત પૂર્વ ક્રિકેટર્સ પણ આ મુશ્કેલીનો સામનો કરી ચુક્યા છે.