404 Not Out: યુવરાજ સિંહનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડનારો ભારતીય ખેલાડી કોણ?

હવે જ્યારે પણ 400 કે તેથી વધુ રન બનાવવાની વાત થશે ત્યારે ભારતમાં બ્રાયન લારાની સાથે પ્રખર ચતુર્વેદીનું નામ પણ લેવામાં આવશે. આ યુવા બેટ્સમેને ઈતિહાસ રચી દીધો છે.

Share:

હાઈલાઇટ્સ

  • ઈન્ડિયન બ્રાયન લારા- પ્રખર ચતુર્વેદી, 404 રન, 46 ચોગ્ગા અને 3 સિક્સર
  • જાણો કોણ છે 404 રન ફટકારનારો પ્રખર ચતુર્વેદી, જેણે ઈતિહાસ રચી દીધો

ભારતના ઉભરતા સ્ટાર પ્રખર ચતુર્વેદીએ કૂચ બિહાર ટ્રોફીમાં અણનમ 404 રન બનાવીને રેકોર્ડ બુક તહસ નહસ કરી નાખી છે. મુંબઈ સામેની ફાઇનલમાં પ્રખર ચતુર્વેદીની આ ઐતિહાસિક ઇનિંગ્સના કારણે કર્ણાટક પણ ચેમ્પિયનશિપ જીતવામાં સફળ રહ્યું હતું. કૂચ બિહાર ટ્રોફી એ ભારતની પ્રતિષ્ઠિત અંડર-19 ડોમેસ્ટિક ટુર્નામેન્ટ છે, જેની ફાઇનલમાં ક્યારેય કોઈ બેટ્સમેન 400 રનનો આંકડો પાર કરી શક્યો નથી. ઉપરાંત, તેણે કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલ મેચમાં યુવરાજ સિંહનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ તોડ્યો અને ટૂર્નામેન્ટમાં એકંદરે સૌથી વધુ વ્યક્તિગત સ્કોરોની યાદીમાં તે નંબર 2 પર પહોંચી ગયો. ઉલ્લેખનીય છે કે, 2011-12ની સિઝનમાં આસામ સામે મહારાષ્ટ્ર માટે વિજય જોલનો અણનમ 451 રન એ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે.

404 રન બનાવનાર પ્રખર ચતુર્વેદી કોણ છે?
તમને જણાવી દઈએ કે પ્રખર ચતુર્વેદી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને વર્તમાન ભારતીય કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડનો પાર્ટનર છે. બંને કર્ણાટક માટે સાથે ક્રિકેટ રમે છે. એટલું જ નહીં, પ્રખર અને સમિત બંને કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં સાથે રમી રહ્યા હતા. સમિત દ્રવિડ વધુ પ્રભાવ પાડી શક્યો ન હતો અને મુંબઈ સામેની ફાઇનલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે પ્રખરે 638 બોલનો સામનો કરીને 404 અણનમ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 46 ફોર અને 3 સિક્સ જોવા મળી હતી. જેના કારણે કર્ણાટકે 8 વિકેટે 890 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો.

પ્રખર ચતુર્વેદીના કોચ કે જેશવંતે ESPNcricinfoને જણાવ્યું કે કેવી રીતે તેની અંડર-16 ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. પસંદગીકારોએ તેને તક આપવા માટે ઘણું સમજાવવું પડ્યું. જેશવંતે વધુમાં કહ્યું, અંડર-19માં પણ આવી જ વાર્તા બની હતી, પરંતુ સદનસીબે, તેને તકો મળી, અને જ્યારે પણ જરૂર પડી ત્યારે તેણે પ્રદર્શન કર્યું.

11 વર્ષની ઉંમરે ક્રિકેટની શરૂઆત કરી હતી
ESPNcricinfoના એક રિપોર્ટ અનુસાર, ચતુર્વેદીએ 11 વર્ષની ઉંમરે 2017માં સૌથી પહેલા SIX એકેડમીમાં ટ્રેનિંગ શરૂ કરી હતી. આ એકેડમી બેંગલુરુમાં પાદુકોણ-દ્રવિડ સેન્ટર ઓફ સ્પોર્ટ્સ એક્સેલન્સ પર આધારિત છે.

સમૃદ્ધ પરિવારમાંથી આવે છે પ્રખર
ચતુર્વેદી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાંથી આવે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, તેના પિતા સંજય ચતુર્વેદી એક સોફ્ટવેર એન્જિનિયર છે જે હવે પોતાનું સ્ટાર્ટ-અપ ચલાવી રહ્યા છે, જ્યારે તેની માતા સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)માં વૈજ્ઞાનિક છે.