શું પાકિસ્તાન સામેની મેચમાં ભગવા રંગની જર્સી પહેરીને ઉતરશે ટીમ ઈન્ડિયા? જાણો આ દાવા પાછળનું સત્ય

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023માં વિજય સાથે શુભારંભ કર્યો છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયા આગામી 14મી ઓક્ટોબરના રોજ પોતાના ખાસ દુશ્મન પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાવાની છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની બેટિંગ ખૂબ કમાલની રહી હતી.  […]

Share:

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023માં વિજય સાથે શુભારંભ કર્યો છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયા આગામી 14મી ઓક્ટોબરના રોજ પોતાના ખાસ દુશ્મન પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાવાની છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની બેટિંગ ખૂબ કમાલની રહી હતી. 

ભગવા રંગની જર્સીની ચર્ચા સોશિયલ મીડિયા પર વાઈરલ

જોકે પાકિસ્તાન સામેની આ મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાની જર્સી અંગે વિવિધ પ્રકારના દાવાઓ થઈ રહ્યા છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક લોકો દ્વારા કરવામાં આવી રહેલા દાવા પ્રમાણે પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા ભગવા રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. 

ટીમ ઈન્ડિયા ભગવા રંગની જર્સી પહેરીને પાકિસ્તાન સામેની મેચ રમશે તેવી વિવિધ અટકળો વચ્ચે આખરે બીસીસીઆઈએ સ્પષ્ટતા જાહેર કરી છે. બીસીસીઆઈના કોષાધ્યક્ષ આશીષ શેલારે ટીમ ઈન્ડિયા ભગવા રંગની જર્સી પહેરીને પાકિસ્તાન સામેની મેચ રમશે તેવા દાવાઓને પાયાવિહોણા ઠેરવ્યા છે. 

આશીષ શેલારે કહ્યું હતું કે, “અમે સ્પષ્ટરૂપે આવા દાવાઓને નકારીએ છીએ. ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે અન્ય કીટ નહીં પહેરે. આ સમાચારો તદ્દન પાયાવિહોણા છે અને કોઈકની કલ્પના જ છે. ટીમ ઈન્ડિયા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં વાદળી રંગની જર્સીમાં જ જોવા મળશે.”

પ્રેક્ટિસ દરમિયાન ટીમ ઈન્ડિયા ભગવા રંગની જર્સીમાં જોવા મળી

નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા ભગવા રંગની જર્સી પહેરીને ક્રિકેટની પ્રેક્ટિસ કરી હતી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામેની મેચમાં ભગવા રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે તેવા દાવાઓને પ્રોત્સાહન મળ્યું હતું. સોશિયલ મીડિયામાં ભગવા રંગની જર્સી અંગેના કેટલાક મીમ્સ પણ વાયરલ થયા હતા જેમાં યુઝર્સે આ રંગના ભાજપ કનેક્શન અંગે પણ ટીખળ કરી હતી. 

જોકે ટીમ ઈન્ડિયાએ 2019ના વનડે વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની મેચમાં એક અલગ કીટ પહેરી હતી. તે સમયે ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ ઓરેન્જ રંગની જર્સી પહેરીને મેચ માટે મેદાનમાં ઉતર્યા હતા. તે ટીશર્ટમાં આગળની બાજુએ બ્લુ શેડ હતો. તેમાં ગાઢ વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે નિયમિત વાદળી રંગની જર્સી કરતા અલગ હતો. 

ભારત-પાકિસ્તાન મેચ માટે વધુ 14,000 ટિકિટ છપાઈ

બીસીસીઆઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે વધુ 14,000 ટિકિટ બહાર પાડવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ બોર્ડના આ નિર્ણય બાદ ક્રિકેટના ચાહકો હવે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પરથી ભારત વર્સિસ પાકિસ્તાન મેચની ટિકિટ ખરીદી શકશે. બીસીસીઆઈ દ્વારા ક્રિકેટના રસિકોને તેઓ મહત્તમ લોકોને ટિકિટ ઉપલબ્ધ કરાવવા તમામ સંભવિત પ્રયત્નો કરશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારે હવે 14મી ઓક્ટોબરે રમાનારી આ મેચ માટે વધુ 14,000 ટિકિટ બહાર પાડવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની આ ટુર્નામેન્ટ દરમિયાનની આ ત્રીજી મેચ હશે.