World Cup 2023: ચોકર્સ તરીકેના ટેગને લઈ છલકાયું દક્ષિણ આફ્રિકાની ટીમના કોચનું દુઃખ

ઈજાગ્રસ્ત હોવા છતાં કગિસો રબાડાએ મેચ દરમિયાન બોલિંગ કરી હોવાનો ખુલાસો

Courtesy: Image: Twitter

Share:

 

World Cup 2023: દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ અને વર્લ્ડ કપમાં ચોકર્સ તરીકેનું ટેગ આ બંનેને એકબીજા સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. આ વાત ફરી એક વખત ભારતમાં ચાલી રહેલા વનડે ક્રિકેટ વર્લ્ડ કપ (World Cup 2023) દરમિયાન સાબિત થઈ ચુકી છે. વર્લ્ડ કપના લીગ સ્ટેજમાં 400-400 રન ઠોકનારી ટીમની સેમીફાઈનલમાં 30 રનની અંદર જ વિકેટ પડી ગઈ. 

 

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમે વનડે વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં ફરી હારનો સામનો કરવો પડ્યો છે. જોકે ટીમના મુખ્ય કોચ રોબ વોલ્ટરના મતે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે મળેલી હારને લઈ ચોકર્સ (આખી સીઝનમાં સારા પ્રદર્શન બાદ મહત્વની મેચમાં હારનારી ટીમ) શબ્દ યોગ્ય નથી. આ સાથે જ તેમણે ઈજાગ્રસ્ત હોવા છતાં કગિસો રબાડાએ મેચ દરમિયાન બોલિંગ કરી હોવાનો ખુલાસો કર્યો હતો. 

World Cup 2023ના ફાઈનલમાં ન પહોંચી ટીમ

ફરી એક વખત મહત્વની મેચમાં સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. તેમ્બા બાવુમાની કપ્તાનીવાળી પ્રોટિયાઝ ટીમ લીગ મેચમાં 7 જીત સાથે વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચી હતી પણ નોકઆઉટમાં સંઘર્ષ કરતા જોવા મળી હતી. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ (World Cup 2023)ની બીજી સેમીફાઈનલમાં 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટથી હરાવીને ત્રીજી વાર ફાઈનલમાં પોતાના માટે દરવાજા ખોલી દીધા હતા. 

 

આફ્રિકાની ટીમે લીગ સ્ટેજમાં જે રીતે પ્રદર્શન કર્યું હતું તેનાથી એવું લાગી રહ્યું હતું કે તે સેમીફાઈનલમાં પણ ટીમ ઓસ્ટ્રેલિયાને ટક્કર આપશે પણ મહત્વની મેચમાં આ ટીમ પ્રેશર સહન કરી શકી નહોતી. સાઉથ આફ્રિકાની ટીમ વન ડે વર્લ્ડ કપમાં ઓવરઓલ પાંચમી વાર સેમીફાઈનલમાં પહોંચી હતી. 

ચોકર્સની પોતાની પરિભાષા જણાવી

વોલ્ટરે ચોકર્સ શબ્દ અંગેની પોતાની પરિભાષા અંગે જણાવ્યું હતું કે, "મારા મતે ચોકર્સનો મતલબ એવી મેચ સાથે છે જેને તમે જીતવાની સ્થિતિમાં હોવા છતાં હારી જાઓ છો. આ મેચમાં અમે શરૂથી જ પાછળ હતા, અમે કમબેક માટે ખરેખર સારો પ્રયત્ન કર્યો અને એવો સ્કોર બનાવ્યો જેનાથી અમે તેમને પડકાર આપી શકીએ તેમ હતા."

તો પરિણામ અલગ હોત...

વોલ્ટરે જણાવ્યું હતું કે, વર્લ્ડ કપ (World Cup 2023)ની બીજી સેમીફાઈનલમાં જો તેમણે 30 કે 40 રન વધુ કર્યા હોત તો મેચનું પરિણામ અલગ હોત. અમે સંઘર્ષ ચાલુ રાખ્યો અને મેચમાં કમબેક કર્યું પણ નિશ્ચિતરૂપે અમે 30-40 રન પાછળ રહી ગયા, જોકે અમે તેમને સરળતાથી લક્ષ્ય હાંસલ નથી કરવા દીધો અને તેમની 7 વિકેટ લીધી છે. માટે મારા મતે આ પ્રદર્શન ચોકર્સની નજીકનું પણ નહોતું.