World Cup 2023: ફાઈનલ માટે અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, હોટેલ્સના ભાડામાં ધરખમ વધારો

મેચ દરમિયાન યોજાનારી ક્લોઝિંગ સેરેમનીને લઈને વિવિધ કોલેજના યુવાનોએ તૈયારીઓ શરૂ કરી દીધી

Courtesy: Image: Twitter

Share:

 

World Cup 2023: તમામ 10 મેચ જીત્યાં બાદ ભારતીય ક્રિકેટ ટીમ ફાઈનલ મેચ રમવા માટે અમદાવાદ આવી પહોંચી છે. વર્લ્ડ કપ (World Cup 2023)ની ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તેમની ફ્લાઈટનું લેન્ડિંગ થયું હતું. 

 

સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સીધા અમદાવાદ પહોંચ્યા હતા. વસ્ત્રાપુર ખાતે આવેલી આઈટીસી નર્મદા હોટેલમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખેલાડીઓના આગમન સમયે એરપોર્ટથી હોટેલ સુધીના રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. 

World Cup 2023 માટે ફાઈનલની તૈયારીઓ શરૂ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફાઈનલ મેચમાં ક્લોઝિંગ સેરેમનીમા પરફોર્મ કરવાની તૈયારીઓ માટે કલાકારો પણ પહોંચ્યા હતા. અલગ અલગ કોલેજ એકેડમીના યુવાનો તેમાં પરફોર્મ કરવાના છે. આ કારણે સવારથી જ ક્રિકેટ સ્ટેડિયમ બહાર પરફોર્મ કરનારા કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. 

 

કલાકારોના કહેવા પ્રમાણે ફાઈનલ મેચનો દિવસ તેમના માટે જીવનમાં યાદગાર પળ બની રહેશે કારણ કે, અમદાવાદમાં વર્લ્ડ કપ (World Cup 2023)ની ફાઈનલ મેચ રમાશે અને ટીમ ઈન્ડિયા ફાઈનલમાં છે. અમદાવાદમાં રવિવારના દિવસે ભારતની ટીમ સામે ઓસ્ટ્રેલિયા અથવા તો સાઉથ આફ્રિકા બંનેમાંથી જે પણ ટીમ જીતશે તેની સામે રસાકસીભર્યો મુકાબલો જામશે. 

 

બીજી તરફ મેચ દરમિયાન ક્લોઝિંગ સેરેમની યોજાશે જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અલગ અલગ કોલેજ એકેડમીના યુવાનો તેમાં પરફોર્મ કરવાના છે. આઈટીસી નર્મદા હોટેલમાં ટીમ ઈન્ડિયાને વેલકમ કરવા માટે ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી.

 

 આ માટે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી અને ભારતીય ટીમને નવા વર્ષની શુભેચ્છા પાઠવવાની સાથે વર્લ્ડ કપમાં જીત માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 

હોટેલ્સના ભાડામાં ધરખમ વધારો

ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદમાં હોવાથી હાલ અમદાવાદનો હોટેલ ઉદ્યોગ તેજીમાં આવી ગયો છે.  ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચના કારણે હોટેલ્સના ભાડામાં ધરખમ વધારો થયો છે. 

 

ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલને પગલે હાલ અમદાવાદની હોટેલ્સના એક દિવસના ભાડા 50 હજારને પાર પહોંચી ગયા છે. જે રૂમનું ભાડુ સામાન્ય દિવસોમાં 4થી 5 હજાર રૂપિયા હતું તેને લોકો 50 હજાર રૂપિયા આપીને પણ બુક કરાવી રહ્યાં છે. જાણીને નવાઈ લાગશે પણ અમદાવાદમાં એવી પણ કેટલીક હોટેલ્સ છે જેમાં એક રાત રોકાવાનું એક રૂમનું ભાડું એક લાખ રૂપિયા કરતા પણ વધારે છે. વર્લ્ડ કપ ફાઈનલના કારણે આવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.