World Cup 2023: ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, શમીની 7 વિકેટ

ન્યૂઝીલેન્ડ સામે વિરાટ કોહલીએ 81મો રન બનાવવાની સાથે જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો

Courtesy: Image: Twitter

Share:

 

World Cup 2023: બુધવારના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ની સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને વર્લ્ડ કપની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ દ્વારા ટીમ ઈન્ડિયાએ માનચેસ્ટરમાં 2019ના વર્લ્ડકપ વખતે કીવી ટીમથી મળેલી હારનો પણ બદલો લઈ લીધો છે. 

World Cup 2023માં સતત 10મી જીત

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માનો ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય શ્રેષ્ઠ સાબિત થયો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા હાલ ચાલી રહેલા વર્લ્ડ કપમાં સતત 10મી મેચ જીતી છે. ભારતીય બેટ્સમેનોએ જબરદસ્ત બેટિંગ કરીને 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 397 રન બનાવ્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડને 398 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 

 

ભારતે સેમીફાઈનલમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો અને આ મોટા સ્કોર સામે ન્યૂઝીલેન્ડની 70 રનથી હાર થઈ છે. ભારતે પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ICC ODI વર્લ્ડ કપ (World Cup 2023)ની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે જ ભારત 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું છે.

વિરાટ કોહલીની સિદ્ધિ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે કમાલ બતાવી હતી. ન્યૂઝીલેન્ડ સામે વિરાટ કોહલીએ 81મો રન બનાવવાની સાથે જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિન તેંડુલકરે વર્લ્ડ કપ 2003માં 673 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે આ વર્લ્ડ કપની આઠમી અડધી સદી ફટકારી હતી. 

 

વિરાટ કોહલી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને આ સિદ્ધિ હાંસલ કરનારો વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ખેલાડી બન્યો છે.વડાપ્રધાન મોદીએ પણ તેમના ટ્વિટર હેન્ડલ પરથી કિંગ કોહલીને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

મોહમ્મદ શમીએ ઝડપી 7 વિકેટ

શમીએ વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ની આ મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી વિકેટ લઈને વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પૂરી કરી હતી. આ માટે તેણે માત્ર 17 ઈનિંગ્સ લીધી, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઝડપી છે. તેણે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો હતો, જેણે 19 ઈનિંગ્સમાં 50 વિકેટ લીધી હતી.

19 નવેમ્બર મહામુકાબલો

આ સાથે જ ભારતીય ટીમ ચોથી વખત ફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં ટીમ 1983, 2003 અને 2011માં આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી હતી. ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાથી માત્ર એક જીત દૂર છે. ટીમ ઈન્ડિયા હવે ફાઈનલ મુકાબલો રમશે. આ મહામુકાબલો 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ ફાઈનલમાં ભારતની ટક્કર બીજા સેમીફાઈનલના વિજેતા ઓસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા સાથે થશે.