World Cup 2023: મેથ્યુઝને ટાઈમ આઉટ મામલે MCCએ કરી દિધી સ્પષ્ટતા…

મેથ્યુઝે ડ્રેસિંગ રૂમમાં ઈશારો કરી નવું હેલમેટ મગાવ્યું એના બદલે એમ્પાયરોને જણાવ્યું હોત તો તેને સમય આપવામાં આવત

Courtesy: Twitter

Share:

 

World Cup 2023: વર્લ્ડ કપ 2023 દરમિયાન શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ આપવામાં આવ્યો તેને લઈ ભારે વિવાદ જાગ્યો છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન સામે પણ અનેક પ્રકારના સવાલો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવામાં આવ્યું છે. 

World Cup 2023માં ટાઈમ આઉટનો વિવાદ

વર્લ્ડ કપ 2023માં શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ આપવામાં આવ્યો તેને લઈ ભારે વિવાદ જાગ્યો હતો. ત્યારે MCCએ આ મામલે નિવેદન આપીને મેથ્યુઝ ટાઈમ આઉટ ગણાય કે નહીં તેની સ્પષ્ટતા કરી દીધી છે. આ સાથે જ આ નિયમ અંગે પણ સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. 

 

નોંધનીય છે કે, શાકિબ અલ હસનની અપીલ બાદ એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ આપવામાં આવ્યું હતું અને તે આ પ્રકારે આઉટ થનારો ક્રિકેટના ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 106 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત શ્રીલંકાના ખેલાડી એન્જેલો મેથ્યુઝને ‘ટાઈમ્ડ આઉટ’ આપવાની ઘટના બની છે. જેના ક્રિકેટ જગતમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટના બાદ શ્રીલંકા તથા બાંગ્લાદેશની ટીમો વચ્ચે કડવાશ વ્યાપી હતી અને મેચ પત્યા બાદ બન્ને દેશોના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવવાનું પણ ટાળ્યું હતું. 

MCCએ આપી નિયમની જાણકારી

ક્રિકેટના નિયમોની સંરક્ષક મેરિલબોન ક્રિકેટ ક્લબે શનિવારના રોજ જણાવ્યું હતું કે, અમ્પાયરોએ વર્લ્ડ કપ (World Cup 2023) દરમિયાન એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ કર્યો એ યોગ્ય હતું પરંતુ નવું હેલમેટ મગાવતા પહેલા અમ્પાયરોની સલાહ લઈને મેથ્યુઝ ટાઈમ આઉટથી બચી શકે તેમ હતો. 

 

MCCએ જણાવ્યું હતું કે, જ્યારે હેલમેટ તૂટ્યું ત્યારે લાગ્યું કે મેથ્યુઝે એમ્પાયરો સાથે વાતચીત ન કરી. એક ખેલાડીએ નવું ઉપકરણ મગાવતા પહેલા વાતચીત કરવી જોઈએ. તેણે સીધો ડ્રેસિંગ રૂમમાં ઈશારો કરી દીધો હતો. જો તે અમ્પાયરોને જણાવેત કે શું બન્યું છે તો તેને હેલમેટ બદલાવવાની મંજૂરી આપવામાં આવેત અને તે ટાઈમ આઉટથી બચી શકેત. 

બાંગ્લાદેશના કેપ્ટનને ધમકી

બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને વર્લ્ડ કપ (World Cup 2023)ની 38મી મેચમાં શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝને ટાઈમઆઉટ કરી દીધો હતો અને એન્જેલો મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઈમઆઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ મામલો શાંત થવાને બદલે હવે વધુ વેગ પકડી રહ્યો છે. એન્જેલો મેથ્યુઝના ભાઈ ટ્રેવિન મેથ્યુઝે શાકિબ અલ હસનને ધમકી આપી છે કે શ્રીલંકામાં તેના પર પથ્થર ફેંકવામાં આવશે. 

 

વર્લ્ડ કમાં બેટ્સમેન આઉટ થયા પછી બીજા બેટ્સમેને 2 મિનિટની અંદર આગળનો બોલ રમવા માટે તૈયાર થઈ જવાનું હોય છે. પરંતુ આ કિસ્સામાં 2 મિનિટથી વધુ સમય પસાર થતો જોઈને બાંગ્લાદેશના એક ખેલાડીએ કેપ્ટન શાકિબ અલ હસનને ટાઈમઆઉટ માટે અપીલ કરવા કહ્યું હતું.