World Cup Final: ટીમ ઈન્ડિયાની હાર બાદ વડાપ્રધાને કહ્યું- આજે અને હંમેશા તમારી જોડે જ ઉભા છીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન ટીમને ટ્રોફી અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા

Courtesy: Image: Twitter

Share:

World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હરાવી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે ફાઈનલમાં બાજી મારીને વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત જીત હાંસલ કરી લીધી છે. 

 

ટીમ ઈન્ડિયા ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ નથી જીતી શકી. જોકે વર્લ્ડ કપની 10 મેચમાં ટીમ ઈન્ડિયાએ વિજય મેળવ્યો હતો અને આ કારણે જ અપેક્ષા ખૂબ વધી ગઈ હતી. વડાપ્રધાન મોદી સહિત અનેક પ્રખ્યાત હસ્તિઓ આ મેચનો લાઈવ આનંદ માણવા માટે અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહી હતી. ત્યારે હવે વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. 

World Cup Final બાદ વડાપ્રધાનની પ્રતિક્રિયા

વર્લ્ડ કપ 2023ના ફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાને મળેલા પરાજય બાદ વડાપ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું હતું કે, "પ્રિય ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપ દરમિયાન તમારી પ્રતિભા અને દૃઢ નિશ્ચય ઉડીને આંખે વળગે તેવો હતો. તમે ખૂબ જ જુસ્સા સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું છે. અમે આજે પણ તમારી સાથે ઉભા છીએ અને હંમેશા ઉભા રહીશું."

 

ભારતીય ટીમ સતત જીત સાથે ફાઈનલમાં પહોંચી હતી. જ્યારે ફાઈનલમાં હાર સાથે કરોડો ભારતીયોના સપના તૂટી ગયા હતા. ભારતીય ખેલાડીઓ પણ નિરાશ વદને જોવા મળી રહ્યા હતા. જોકે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વનડે ક્રિકેટમાં વિશ્વ ચેમ્પિયન બન્યુ છે. વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચમાં ઓસ્ટ્રેલિયાના વિજય બાદ વડાપ્રધાને ઓસ્ટ્રેલિયન ટીમને ટ્વિટરના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી અને ટ્રેવિસ હેડના પ્રદર્શનના વખાણ કર્યા હતા. 

ઓસ્ટ્રેલિયાએ ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો

વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અજેય બન્યું છે. વધુ એક વાર ઓસ્ટ્રેલિયાએ ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન તરીકેનો ખિતાબ મેળવ્યો છે.

 

આ પહેલા 2003ની સાલમાં પણ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતને હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરીને ભારતે 50 ઓવરમાં 240 રન કર્યાં હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કરી લઈને ભારત પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો હતો. 

 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી મેચને નિહાળી હતી. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન, ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન ટીમને ટ્રોફી અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા. 

 

Tags :