World Cup Final: ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ભારતનું સપનું રોળાયું, 6 વિકેટથી હાર

ભારત આ પહેલા સતત 10 મેચ જીત્યું હતું પણ ફાઈનલમાં પરાજય થયો, ભારત છેલ્લે 2011ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું

Courtesy: Image: Twitter

Share:

 

World Cup Final: રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. 

 

ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટને પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયાએ ખૂબ જ મહત્વની એવી આ મેચમાં જીત મેળવી લીધી છે તથા ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપનું છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું છે. 

World Cup Finalનું ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા

વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે. બોલરોના શાનદાર પ્રદર્શન, ટ્રેવિસ હેડની સદી (137) અને માર્નશ લાબુશેનની અડધી સદીની (58) મદદથી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારત સામે 6 વિકેટથી વિજય મેળવ્યો છે. ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ ગઈ હતી. 

 

જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચમાં આ જીત સાથે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ પહેલા તે 1987, 1999, 2003, 2007, 2015માં ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ 12 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બનવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.

 

ભારત આ પહેલા સતત 10 મેચ જીત્યું હતું પણ ફાઈનલમાં પરાજય થયો છે. ભારત છેલ્લે 2011ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું.

ICC ટુર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન (2013 પછી):

2014- T20 વર્લ્ડ કપ ફાઈનલમાં હાર

2015- ક્રિકેટ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં હાર

2016- T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હાર

2017- ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં હાર

2019- ક્રિકેટ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં હાર

2021- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હાર

2022- T20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં હાર

2023- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હાર

2023- ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલમાં હાર

ઓસ્ટ્રેલિયાને નહીં મળે ઓરિજનલ ટ્રોફી

વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ટ્રોફી જીતી છતાં આ ટ્રોફી તેમની પાસે થોડા સમય માટે જ રહેશે. આઈસીસીના નિયમ અનુસાર વર્લ્ડ કપ જીતનાર ટીમને રેપ્લિકા ટ્રોફી આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાને જે ટ્રોફી આપવામાં આવી તે ઓરિજનલ ટ્રોફી નથી. વર્લ્ડ કપ વિજેતા ટીમને દરેક એડિશનમાં રેપ્લિકા ટ્રોફી (પ્રતિકૃતિ ટ્રોફી) આપવામાં આવે છે, જે તેઓ પોતાની સાથે લઈ જાય છે.

 

વર્લ્ડ કપની ઓરિજનલ ટ્રોફીને યુએઈ ખાતે આઈસીસી હેડક્વાર્ટર પરત લઈ જવામાં આવે છે અને ત્યાં જ રાખવામાં આવે છે. જ્યારે પણ કોઈ ટીમ વર્લ્ડકપની ટ્રોફી જીતે છે તો આ વાતને લઈ ખૂબ ચર્ચા થાય છે કે તેમને ઓરિજનલ ટ્રોફી આપવામાં આવે છે કે તે નકલી છે કે અસલી.