World Cup Final: જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન, ICCએ રાખ્યો છે રિઝર્વ ડે

વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ફાઈનલ મેચ રિઝર્વ ડે સુધી પહોંચી નથી

Courtesy: Image: Twitter

Share:

 

World Cup Final: આગામી 19 નવેમ્બરના રોજ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના યજમાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચ યોજાશે. 1,30,000 સીટની વ્યવસ્થા ધરાવતા વિશ્વના આ સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમમાં 48 ગેમની ટુર્નામેન્ટનો અંતિમ અને રસાકસીભર્યો મુકાબલો જામશે. 

World Cup Finalમાં કેવું રહેશે હવામાન?

ભારત અને ઓસ્ટ્રેલિયા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં એકબીજા સામે ટકરાવાના છે. રવિવારે, 19 નવેમ્બરના રોજ IST પ્રમાણે બપોરે 02:00 વાગ્યે આ મુકાબલો શરૂ થશે.  

 

ભારત-ઓસ્ટ્રેલિયાની વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા કોઈ પણ વ્યક્તિને સૌથી મોટી ચિંતા હવામાનની છે. કારણ કે વરસાદ, ભારે પવન જેવી કુદરતી ઘટનાઓના કારણે ઘણીવાર મેચમાં ખલેલ પહોંચે છે.

 

ક્રિકેટના ચાહકો માટે એક સારા સમાચાર એ છે કે જો વરસાદ વિક્ષેપ ઉભો કરે તો પણ તે કદાચ ટાઈટલ મેચને અસર કરશે નહીં. આઈસીસી દ્વારા વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. 

ICCએ રાખ્યો છે રિઝર્વ ડે

ICC રિઝર્વ ડેના નિયમ અનુસાર, જો વરસાદના કારણે 19 નવેમ્બરે મેચ નહીં રમાય તો બીજા દિવસે રમાશે. આ સિવાય જ્યાં પહેલા દિવસે વરસાદના કારણે રમત બંધ કરવામાં આવી હતી, તે જ જગ્યાએથી બીજા દિવસે એટલે કે 20 નવેમ્બરે ફરીથી રમત શરૂ થશે. ઉદાહરણ તરીકે, જો 19 નવેમ્બરે પ્રથમ બેટિંગ કરનારી ટીમ માત્ર 22 ઓવર જ રમી શકે અને વરસાદથી મેચ બંધ રહે તો બીજા દિવસે રમત અહીંથી રિઝર્વ ડે પર શરૂ થશે. 

અમદાવાદમાં રવિવારે કેવું રહેશે હવામાન?

રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચ રમાશે ત્યારે હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે રવિવારે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે આછો તડકો રહેશે. દિવસનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

શું બંને ટીમ સંયુક્ત વિજેતા બની શકે?

આઈસીસીના નિયમો અનુસાર જો ફાઈનલ મેચ નિર્ધારિત તારીખે ન રમાઈ શકે તો તે રિઝર્વ ડે પર રમાશે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2002ની ફાઈનલ મેચમાં આવી ઘટના જોવા મળી હતી. 

 

તે સમયે ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ફાઈનલ મેચ રિઝર્વ ડે સુધી પહોંચી નથી.